ખુશ્બુ મુલાણી ઠક્કર
આજની વ્યસ્ત જીવનશૈલીમાં મોટાભાગના લોકો પાસે ઑફિસ પછી સીધા કોઈ પાર્ટી, ફૅમિલી ગેધરિંગ અથવા મિત્રોની મુલાકાત માટે જવાનો સમય હોય છે. આવા સમયે ઘરે જઈને આખો ડ્રેસ બદલવાનો સમય કે તક ઘણીવાર મળતી નથી, પરંતુ થોડા સ્માર્ટ ફૅશન હેક્સ અપનાવીને તમે એક જ આઉટફિટને ઑફિસ માટે પ્રોફેશનલ અને પાર્ટી માટે સ્ટાઇલિશ બનાવી શકો છો.
ફૅશન માત્ર મોંઘાં કપડાં પહેરવાનું નામ નથી, પરંતુ જે કપડાં તમારી પાસે હોય તેને અલગ રીતે પ્રસ્તુત કરવાની કળા પણ છે. યોગ્ય એક્સેસરીઝ, મેકઅપ અને સ્ટાઇલિંગ દ્વારા તમે તમારા દિવસના લુકને સાંજના ગ્લૅમરસ લુકમાં સરળતાથી બદલી શકો છો.
બેઝિક અને ક્લાસિક આઉટફિટ પસંદ કરો
જો તમને ઑફિસ પછી ક્યાંક જવાનું હોય તો સવારે જ એવો આઉટફિટ પસંદ કરો જે બંને પ્રસંગ માટે યોગ્ય હોય. જેમ કે સૉલિડ કલરનો ડ્રેસ, મિડી ડ્રેસ, ફૉર્મલ ટ્રાઉઝર સાથેની સ્ટાઇલિશ ટૉપ અથવા મોનોક્રોમ કો-ઓર્ડ સેટ. આવા આઉટફિટ્સમાં થોડા ફેરફાર કરીને તમે સરળતાથી પાર્ટી લુક મેળવી શકો છો.
એક્સેસરીઝથી લુકમાં લાવો મોટો ફેરફાર
એક્સેસરીઝ કોઈ પણ લુકનું સૌથી મહત્ત્વનું તત્ત્વ છે. ઑફિસ દરમિયાન નાના સ્ટડ ઇયરિંગ્સ, સિમ્પલ ઘડિયાળ અને મિનિમલ જ્વેલરી પહેરો. સાંજે પાર્ટી માટે જતા સમયે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, લેયર્ડ નેકલેસ અથવા ટ્રેન્ડી બ્રેસલેટ ઉમેરો. માત્ર આ નાનકડો ફેરફાર પણ તમારા લુકને સંપૂર્ણપણે બદલી શકે છે.
બ્લેઝર હટાવો, ગ્લૅમર ઉમેરો
ઘણી મહિલાઓ ઑફિસમાં બ્લેઝર અથવા ફૉર્મલ જૅકેટ પહેરે છે. ઑફિસ પછી પાર્ટીમાં જતી વખતે બ્લેઝર ઉતારીને અંદરના ટૉપને હાઇલાઇટ કરો. જો શક્ય હોય તો સાથે એક સ્ટાઇલિશ શ્રગ અથવા ફૅશન જૅકેટ રાખો. તે તમારા લુકને વધુ ટ્રેન્ડી બનાવશે.
ફૂટવેરનો જાદુ
ફૂટવેર આખા લુકને બદલવાની શક્તિ ધરાવે છે. ઑફિસમાં આરામદાયક બેલીઝ, લોફર્સ અથવા બ્લૉક હીલ્સ પહેરી શકાય. પાર્ટી માટે જતા સમયે સ્ટાઇલિશ હીલ્સ, વેજીસ અથવા ફૅશન સૅન્ડલ્સ પહેરવાથી તરત જ ગ્લૅમરસ લુક મળી શકે છે.
મેકઅપમાં કરો નાનો ટચ-અપ
ઑફિસ માટે સામાન્ય રીતે લાઇટ મેકઅપ યોગ્ય ગણાય છે, પરંતુ સાંજે પાર્ટી માટે થોડો ટચ-અપ પૂરતો છે. થોડું કૉમ્પેક્ટ, હાઇલાઇટર, કાજલ અને બોલ્ડ લિપસ્ટિક તમારા ચહેરાને તાજગીભર્યો અને આકર્ષક લુક આપી શકે છે. આખો મેકઅપ ફરીથી કરવાની જરૂર નથી.
હેરસ્ટાઇલ પણ છે મહત્ત્વપૂર્ણ
વાળની સ્ટાઇલમાં થોડો ફેરફાર પણ તમારા લુકને સંપૂર્ણ રીતે બદલી શકે છે. ઑફિસમાં બાંધેલા વાળ અથવા પોનીટેલ રાખી હોય તો સાંજે તેને ખુલ્લા રાખો અથવા સૉફ્ટ કર્લ્સ આપો. હેર એક્સેસરીઝનો ઉપયોગ કરીને પણ સ્ટાઇલિશ લુક મેળવી શકાય છે.
હૅન્ડબૅગ બદલો
મોટી ઑફિસ બૅગની જગ્યાએ સાંજે નાની ક્લચ અથવા સ્લિંગ બૅગનો ઉપયોગ કરો. આ નાનો ફેરફાર પણ તમારા સમગ્ર દેખાવમાં મોટો ફરક પાડી શકે છે. આજકાલ અનેક મહિલાઓ પોતાની કાર અથવા ઑફિસમાં એક પાર્ટી બૅગ અલગથી રાખે છે.
રંગોનું ધ્યાન રાખો
કાળા, નેવી બ્લૂ, બેજ, મેરૂન અને વાઇન જેવા રંગો એવા છે જે ઑફિસ અને પાર્ટી બંને માટે યોગ્ય ગણાય છે. આવા રંગોનાં આઉટફિટ્સ પસંદ કરવાથી દિવસથી રાત સુધીનો ટ્રાન્ઝિશન વધુ સરળ બની જાય છે.
સ્માર્ટ ફૅશન એટલે સ્માર્ટ પ્લાનિંગ
ફૅશનની દુનિયામાં હવે ડે-ટુ-નાઇટ ડ્રેસિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. લોકો હવે ઓછાં કપડાંમાં વધુ સ્ટાઇલિંગ વિકલ્પો શોધી રહ્યા છે. આ માત્ર સમય બચાવે છે એટલું જ નહીં, પરંતુ ખર્ચમાં પણ ઘટાડો કરે છે.
અંતે, સ્ટાઇલિશ દેખાવા માટે હંમેશાં નવો ડ્રેસ ખરીદવાની જરૂર નથી.
તમારી પાસે રહેલાં કપડાંને યોગ્ય રીતે સ્ટાઇલ કરવાની સમજ હોય તો તમે એક જ આઉટફિટમાં ઑફિસમાં પ્રોફેશનલ અને પાર્ટીમાં ગ્લૅમરસ દેખાઈ શકો છો. ફૅશનનું સાચું રહસ્ય કપડાંમાં નહીં પરંતુ તેને કેવી રીતે કૅરી કરવામાં આવે છે તેમાં છુપાયેલું છે.