જુલાઈના મુક્ત વેચાણ માટે બાવીસ લાખ ટન ખાંડનો ક્વૉટા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3870થી 3900માં ટકેલા ધોરણે થયા હોવાના નિર્દેશો હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતા માગ તથા માલની ગુણવત્તાનુસાર હાજર ભાવમાં મિશ્ર વલણ રહ્યું હતું, જેમાં સ્મોલ ગે્રડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બેનો સાધારણ સુધારો આવ્યો હતો અને મિડિયમ ગે્રડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10નો ઘટાડો અને ઉપલા મથાળેથી રૂ. છનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ ક્વિન્ટલે રૂ. 10 વધી આવ્યા હતા.
દરમિયાન આજે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આગામી જુલાઈ મહિનાના મુક્ત વેચાણ માટે બાવીસ લાખ ટન ખાંડના ક્વૉટાની જાહેરાત કરી હોવાનું એક યાદીમાં જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ 26થી 27 ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે સ્મોલ ગે્રડની ખાંડમાં રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં અમુક માલની ગુણવત્તા સાધારણ સારી હોવાથી તેના વેપાર ક્વિન્ટલે રૂ. બેના સુધારા સાથે રૂ. 4002થી 4056માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. છના સુધારા સાથે રૂ. 4092થી 4202માં થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે બન્ને ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 10નો સુધારો આવ્યો હતો, જેમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3950થી 3980માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4000થી 4120માં થયા હતા.