કારાકાસઃ વેનેઝુએલામાં ભારતીય સમય પ્રમાણે ગુરૂવારે વહેલી સવારે 3.34 કલાકે આવેલા ભૂકંપના બે આંચકાએ ભારે તબાહી વેરી છે ત્યારે જાપાનમાં પણ 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં આખી દુનિયામાં ફફડાટ છે.
જમીનના પેટાળમાં થઈ રહેલી હિલચાલના કારણે દુનિયાના બીજા ભાગોમાં પણ ભૂકંપનો ખતરો હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. જાપાનમાં ભૂકંપના કારણે પરમાણુ પ્લાન્ટોને કોઈ અસર નથી થઈ કે સુનામીનો પણ ખતરો નથી તેથી લોકોને રાહત છે. જો કે વેનેઝુએલામાં 7.5ના ભૂકંપને પગલે સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.
વેનેઝુએલા પછી જાપાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સદનસીબે જાપાનમાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી. જાપાનમાં ભૂકંપ પછી તરત સુનામીનો ખતરો પેદા થતો હોય છે પણ આ વખતે સુનામીનો કોઈ ખતરો નથી તેથી લોકોએ રાહત અનુભવી છે.
યુનાઈટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે (USGS) દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, જાપાનમાં આવેલા કંપનું કેન્દ્રબિંદુ કુજી શહેરથી આશરે 35 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપના કેન્દ્રબિંદુની ઊંડાઈ 51.7 કિલોમીટર હોવાથી બહુ મોટી જાનહાનિ કે તબાહી થઈ નથી. જાપાનમાં ભૂકંપ સામાન્ય વાત છે પણ 6.9ની તીવ્રતાના આંચકા મોટી વાત છે.
ભૂકંપના ભયાનક વીડિયો#Japan #Venezuela
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 25, 2026
pic.twitter.com/Om0qYOBEqQ
ભૂકંપના પગલે લોકોમાં ભાગદોડ મચી હતી ત્યારે વડાપ્રધાન સનાએ તાકાઈચીએ અધિકારીઓને નુકસાનનું તાત્કાલિક મૂલ્યાંકન કરવા આદેશ આપ્યો છે. જાપાનમાં વારંવાર આવતા ભૂકંપના કારણે ભૂકંપ રાહત માટેનું તંત્ર સતત કાર્યરત રહે છે પણ વડાપ્રધાને જરૂર પડે તો રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરવા આદેશ આપ્યા છે.
જાપાન સરકારના ચીફ કેબિનેટ સેક્રેટરી મિનોરુ કિહારાએ જણાવ્યું હતું કે 6.9ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામીની કોઈ આશંકા નથી અને હજી સુધી કોઈના જાનહાનિ થવાના સમાચાર મળ્યા નથી. દેશના પરમાણુ પ્લાન્ટોમાં પણ કોઈ સમસ્યા નથી તેથી લોકોએ ડરવાની જરૂર નથી.