દાવણગેરેઃ કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી પોલીસે આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ સુહેલ (૨૦) તરીકે થઇ છે. આ શખ્સ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તે તાજેતરમાં જ હરિહરમાં આવ્યો હતો. જ્યાં તે પેઇન્ટર તરીકે કામ કરતો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) પાસેથી મળેલી માહિતીના આધારે ગુપ્તચર અધિકારીઓ સાથે હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે તેના વોટ્સએપ એકાઉન્ટ પર આતંકવાદી પ્રવૃતિઓ સંબંધિત શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. તે કથિત રીતે પાકિસ્તાન સ્થિત ઘણા લોકોના સંપર્કમાં હતો. દાવણગેરેના પોલીસ અધિક્ષક શેખર એચ. ટેક્કનવરે ધરપકડ અંગે વિગતો આપતા જણાવ્યું કે વિશ્વસનીય માહિતીના આધારે મંગળવારે શકમંદની ધરપકડ કરવામાં આવી હતી.
એસપીએ જણાવ્યું કે શંકાસ્પદ પ્રવૃતિઓમાં સંડોવણી હોવાની માહિતી મળ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે તેના વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની મૂળના લોકોના સંપર્કમાં હતો. હરિહર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે તેમ જ આગળની કાર્યવાહી માટે શકમંદની ધરપકડ કરવામાં આવી છે.
ટેક્કનવરે પ્રાથમિક તપાસને ટાંકીને જણાવ્યું કે આ લોકો કેટલીક ઉગ્રવાદી પ્રવૃતિઓ માટે સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ઓનલાઇન જોડાયેલા રહ્યા હતા એવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે આ કેસ તુમાકુરુ જિલ્લામાં નોંધાયેલા અગાઉના કેસ જેવો હોઇ શકે છે. પરંતુ અમે વધુ તપાસ પછી પુષ્ટિ કરીશું. હાલમાં અમે કસ્ટડીમાં લેવાયેલા શકમંદની ઓળખની પુષ્ટિ કરી રહ્યા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ધરપકડ ૪ જૂનના રોજ તુમાકુરુ અને દાવણગેરે જિલ્લાના બે શખ્સની ધરપકડના અઠવાડિયા પછી કરવામાં આવી છે. તેમના પર સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત એક વ્યક્તિના સંપર્કમાં હોવાનો અને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક પ્રવૃતિઓને અંજામ આપવા માટે કાવતરું ઘડવાનો આરોપ હતો.