કૌશિક મહેતા
ડિયર હની,
અખબારોના અહેવાલો ક્યારેક ઝકઝોરી નાખે છે. એક પરિણીતા મીડિયા પાસે આવે છે અને કહે છે હું જે ઘરમાં પરણી ત્યાં પતિ જ બીજા પતિઓ સાથે મને સબંધ માટે કહેતા હતા અને મેં ના પાડી તો વિખવાદ થયો... ને મેં એ ઘર છોડી દીધું છે.
આ અહેવાલે બે પરણેલી વ્યક્તિનાં જીવનની મજાક બનાવી દીધી અને આ ગંદી રમતનું નામ છે ‘કપલ સ્વેપિંગ’. પશ્ચિમી દેશોની વિકૃતિ ગણાતું આ દૂષણ સુરતના હાઈ-પ્રોફાઇલ અને ભણેલા-ગણેલા ગણાતા વર્ગમાં ઑનલાઇન નેટવર્ક દ્વારા પગપેસારો કરી ચૂક્યું છે.
ચર્ચા મુજબ, આ કોઈ સામાન્ય ગુનાહિત ગૅન્ગ નથી, પરંતુ આધુનિકતા અને મોજશોખના નામે (કે બહાને !) અહમ અને વિકૃતિ પોષતા કથિત હાઈ-પ્રોફાઇલ, ભણેલા-ગણેલા લોકોનું એક આખું છૂપું નેટવર્ક છે. ડિજિટલ પ્લૅટફૉર્મ્સ અને કોડવર્ડ્સનો ઉપયોગ કરીને આ પ્રકારની સોદાબાજી અને અનૈતિક શારીરિક સંબંધોનું કૂચક્ર ચલાવવામાં આવે છે. એ વિચાર મારા દિમાગમાંથી હટતો નથી કે કોઈ પતિ કે પત્ની એમને બીજા કોઈ પતિ કે પત્નીના હાથમાં કઈ રીતે સોંપી શકે?
જોકે, કપલ સ્વેપિંગ અથવા જેને કથિત રીતે ‘રીવર્સ કપલ’ના નામે ઓળખવામાં આવે છે તે કોઈ નવો આધુનિક વિચાર નથી, પરંતુ તેનો ઇતિહાસ ઘણો જૂનો અને જટિલ છે. તેના મૂળ માનવશાસ્ત્ર મનોવિજ્ઞાન અને પશ્ર્ચિમી દેશોની સાંસ્કૃતિક ક્રાંતિ સાથે જોડાયેલા છે.
આધુનિક સમયમાં આ પ્રથાને પ્રચલિત કરવાનું મુખ્ય કારણ અમેરિકા અને યુરોપમાં 1960 અને 1970ના દાયકામાં આવેલી સેક્સ્યુઅલ રેવલ્યુશન છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમી સમાજમાં લગ્નવ્યવસ્થા, એકપત્નીત્વ/ એક પતિત્વ અને પરંપરાગત કૌટુંબિક મૂલ્યો સામે બળવો થયો. ’ફ્રી લવ’ ના નામે હિપ્પી સંસ્કૃતિનો ઉદય થયો, જ્યાં શારીરિક સંબંધોને લગ્ન કે બંધનમુક્ત ગણવાની હિમાયત કરવામાં આવી.
આ ગાળામાં જ અમેરિકાના સૈન્ય બેઝ ’કી પાર્ટી’ની શરૂઆત થઈ હોવાનું મનાય છે. આવી પાર્ટીઓમાં પુરુષો પોતાની ગાડી કે ઘરની ચાવીઓ એક બાઉલમાં નાખી દેતા અને સ્ત્રીઓ અજાણતાં જ કોઈ એક ચાવી ઉપાડતી, જે ચાવી જે પુરુષની હોય તે સ્ત્રી તેની સાથે રાત વિતાવતી. આ જ આધુનિક ’સ્વેપિંગ’નું પ્રારંભિક સ્વરૂપ હતું.
માનવશાસ્ત્રીઓના મતે હજારો વર્ષ પહેલાંની કેટલીક પ્રાચીન અને આદિવાસી જનજાતિઓમાં જીવિત રહેવા અને સામાજિક એકતા માટે ‘વાઇફ લૅન્ડિંગ’ (પત્ની ઉધાર આપવી) કે પાર્ટનર શૅરિંગની પ્રથાઓ અસ્તિત્વમાં હતી. આર્કટિકના અત્યંત ઠંડા પ્રદેશોમાં રહેતા એસ્કિમોમાં એવી પ્રથા હતી કે જ્યારે કોઈ પુરુષ શિકાર માટે લાંબી મુસાફરીએ જાય ત્યારે તે પોતાના મિત્રને તેની પત્નીની સંભાળ રાખવા અને તેની સાથે રહેવાની મંજૂરી આપતો.
આ પાછળ શારીરિક સુખ કરતાં જીવિત રહેવા માટે પરસ્પર સહયોગ મુખ્ય કારણ હતું. રોમન સામ્રાજ્યના કેટલાક કાળખંડોમાં પ્રભાવશાળી પુરુષો પોતાના મિત્રો કે મહેમાનોના સન્માનમાં અથવા વંશ વધારવા (જો કોઈ પુરુષ સંતાન ઉત્પન્ન ન કરી શકે તો) પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવાની છૂટ આપતા હતા.
જોકે આ તો થઈ ભૂતકાળની વાત. આજના સમયમાં, ખાસ કરીને ભારતના શહેરી અને હાઈ-પ્રોફાઇલ વર્ગમાં જે દૂષણ જોવા મળી રહ્યું છે તેની પાછળ પશ્ર્ચિમનું આંધળું અનુકરણ અને મનોવૈજ્ઞાનિક પરિબળો કામ કરે છે. મનોવિજ્ઞાન અનુસાર, અમુક લોકોમાં પોતાના પાર્ટનરને અન્ય વ્યક્તિ સાથે જોઈને વિકૃત આનંદ મેળવવાની માનસિક બીમારી હોય છે. મૂળભૂત રીતે પશ્ર્ચિમી દેશોમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને ભૌતિક સુખવાદની ચરમસીમા તરીકે જન્મેલી આ પ્રવૃત્તિ હકીકતમાં ભારતની પરંપરાગત અને પવિત્ર ગણાતી લગ્નસંસ્થા પર સીધો પ્રહાર કરે છે.
પશ્ર્ચિમમાં પણ આ પ્રથા માત્ર એક ચોક્કસ ઉપ-સંસ્કૃતિ પૂરતી મર્યાદિત રહી છે, જેને ક્યારેય મુખ્ય સામાજિક સ્વીકૃતિ મળી નથી એ રાહતની વાત છે. બીજું કે શરૂઆતમાં જે બાબતને પશ્ચિમીની વિકૃતિ કે અમુક લોકોના અંગત ઐયાશી મોજશોખ તરીકે જોવામાં આવતી હતી તે હવે સુરત જેવા આર્થિક રીતે સમૃદ્ધ શહેરમાં એક વ્યવસ્થિત ધંધો બની ગઈ છે જે સૌથી વધુ ચિંતાજનક વાત છે. આ પ્રવૃત્તિ હવે માત્ર પરસ્પર સહમતિથી થતી અદલાબદલી નથી રહી, પણ એની પાછળ એક આખું વ્યવસાયિક નેટવર્ક કામ કરી રહ્યું છે.
આ પ્રવૃત્તિ માટે ચોક્કસ ક્લબ કલ્ચર ઊભું કરવામાં આવ્યું છે. આવાં ગ્રુપ્સમાં જોડાવા માટે કડક સ્ક્રીનિંગ થાય છે, જેમાં વ્યક્તિની આર્થિક સ્થિતિ અને પ્રોફાઇલ જોવામાં આવે છે. લક્ઝરી હોટેલો, ફાર્મ હાઉસ કે પ્રાઇવેટ વિલામાં વીક-એન્ડ પાર્ટીઓનું આયોજન કરવા માટે લાખો રૂપિયાનું ફંડિંગ એકઠું કરવામાં આવે છે. આ તમામ વ્યવહારો કેશ (રોકડા) અથવા ક્રિપ્ટોકરન્સી જેવાં માધ્યમોથી થાય છે, જેથી કાયદાની પકડમાં ન આવી શકાય.
આ ધંધાનો સૌથી શરમજનક અને ક્રૂર ચહેરો એ છે કે કેટલાંક નશાખોર અને જુગારિયા માનસિકતા ધરાવતા પુરુષો પોતાના ધંધાકીય ફાયદા માટે, દેવું ચૂકવવા માટે અથવા મોટા કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે પોતાની પત્નીને મોહરા તરીકે વાપરતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
લગ્ન જેવા પવિત્ર સંબંધને વેપારનું સાધન બનાવી દેવું એ કોઈ પણ સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન છે. કોઈ હિસાબે દિમાગમાં આ વાત બેસતી નથી, પણ આ આજના સમાજની ના ગમે એવી તસવીર છે. આ તસવીર ઝડપથી બદલાય તો સારું નહિ તો પતિ-પત્નીના સબંધો કે લગ્ન પ્રથાનો તો કોઈ મોલ જ નહીં રહે.
તારો બન્ની