Wed Jun 24 2026

Logo

વૈશ્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચતા સ્થાનિક સોનામાં રૂ. 2817નો અને ચાંદીમાં રૂ. 5448નો ઘટાડો

2026-06-24 20:10:45
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ 2026માં એક કરતાં વધુ વખત વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 1.4 ટકા ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. અને ચાંદીના ભાવ 2.50 ટકા જેટલા ઘટી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2805થી 2817 અને ચાંદીના ભાવમાં રૂ. 5448નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5448 ઘટીને રૂ. 2,22,035ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવ ઘટી આવ્યા હતા અને વધુ ભાવઘટાડાના આશાવાદે સાર્વત્રિક સ્તરેથી માગ મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2805 ઘટીને રૂ. 1,41,609 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2817 ઘટીને રૂ. 1,42,178ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે સોનાના ભાવ ગત 11મી જૂન પછીની નીચી સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 1.4 ટકા ઘટીને આૈંસદીઠ 4049.44 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ બે ટકા ઘટીને 4066.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 2.5 ટકા ઘટીને આૈંસદીઠ 60.45 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં તેજીનો અન્ડરટોન અને સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણકારોનો આંતરપ્રવાહ મર્યાદિત રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે ડૉલર ઈન્ડેક્સ 13 મહિનાની ઊંચી સપાટી આસપાસ રહ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે માગ દબાણ હેઠળ આવી હતી. 
વધુમાં ગત સપ્તાહની અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના અંતે તંગ નાણાનીતિના સંકેત આપવામાં આવ્યા હોવાથી હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વર્તમાન વર્ષ 2026માં ત્રણ વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી ધારણા મૂકી રહ્યા છે. સામાન્યપણે ઊંચા વ્યાજદરના સંજોગોમાં રોકાણકારોની સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં લેવાલી નિરસ રહેતી હોય છે. જોકે, હાલના મથાળેથી સોનામાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો મળે તેવી શક્યતા મૂકાઈ રહી છે. 

વધુમાં આઈએનજીના વિશ્લેષકોએ વર્તમાન વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિકગાળા માટે સોનાના ભાવનો અંદાજ જે અગાઉ 4850 ડૉલરનો મૂક્યો હતો તે ઘટાડીને આૈંસદીઠ 4300 ડૉલર અને ચોથા ત્રિમાસિકગાળા માટેનો અંદાજ જે અગાઉ આૈંસદીઠ 5000 ડૉલરનો મૂક્યો હતો તે ઘટાડીને 46000 ડૉલર મૂક્યો હોવાનું એક નોટ્સમાં જણાવ્યું હતું.