Thu Jun 25 2026

Logo

લાફ્ટર આફ્ટરઃ માગ સામે પુરવઠો ક્યાં છે? નથી તો ઊભો કરી દઈએને!

2026-06-25 08:29:00
Author: Pragya Vashi
Article Image

 

પ્રજ્ઞા વશી

‘માગ સામે જોઈતા પ્રમાણમાં પુરવઠો નથી અને એમાં તમે હજાર પ્રશ્ર્નો કર્યા એટલે બની બનાવી બાજી બગડી ગઈ.’

‘હા... હા, તું તો હંમેશાં મારો જ વાંક કાઢે છે, પણ આ જમાનો કેવો છે એ તને ક્યાં ખબર છે? કોઈ ગમે તેવી (એટલે કે તારા જેવી) ખરાબ સ્વભાવની છોકરી વહુ બનીને આવી ગઈ (તો મારી જેમ) તો મારા લાલુની હો જિંદગી બગડી જાય એ વાત નક્કી.’

‘તે આ લાલુની હો જિંદગી બગડી જાય’નો શો અર્થ? બીજા કોની જિંદગી બગડી ગઈ છે એ પણ બતાવો તો જરા હુંય તમને ધોળે દહાડે તારા બતાવું. એક તો માગ સામે પુરવઠાની અછત છે. તેમાં છોકરીનો બાપ કે છોકરી કોઈ પ્રશ્ર્ન પૂછે એે પહેલાં જ કોઈ પણ વ્યક્તિને ચીડ ચડે એવા પ્રશ્ર્ન પૂછે તો કોણ તમારા ઘરમાં પોતાની દીકરી આપવાનું? એમ પણ આજકાલ દીકરીઓનો જમાનો છે. 

ભણેલી-ગણેલી, સુઘડ, બોલવેચાલવે વ્યવસ્થિત અને સ્માર્ટ દીકરીઓને હવે એકલા જીવતાં આવડી ગયું છે. હવે કંઈ ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ એવો જમાનો નથી રહ્યો. હવે તો દીકરી જાતે જ પોતાની કારકિર્દી અને સ્માર્ટનેસથી પોતાની પસંદગીના વરને હાંકીને લઈ જાય છે. સાચું કહું તો એણે હાંકવાની કે લલચાવવાની પણ ક્યાં જરૂર છે? આ તો અમે કમનસીબ એટલે ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ એવા જમાનામાં અમારા બાપાએ આંધળુકિયા કરેલા. બાકી તો અમને પણ સામેથી...’

‘હા, હા, વાક્ય પૂરું કરી જ દે. અને હજી પણ કંઈ મોડું નથી થયું. સમજી?’

ત્યાં રામજીભાઈનો ગગો લાલુ આર્દ્ર સ્વરે બોલ્યો, ’ચાલીસનો થવા આવ્યો. છતાં મારો પ્રશ્ર્ન જ્યાંનો ત્યાં ઊભો છે, ત્યાં તમે નવું મહાભારત નહીં ઊભું કરતા. એક કામ કરો. હવે કોઈ વાત આવે ત્યારે તમે બંને ચૂપ જ રહેજો. હું જ બધી વાત કરી લઈશ. મને બાજી પલટતાં અને સામાવાળાને ઇમ્પ્રેસ કરતાં આવડે છે.’

ત્યાં જ માનાનીખાધેલ દાદી બોલી, ‘ઇમ્પ્રેસ કરતાં આવડે છે અને પુરવઠો ઓછો છે એ પણ જાણે છે તો પછી ચાલીસનો થયો ત્યાં સુધી બેસી શું કામ રહ્યો? ભણ્યો છે, પણ ગણ્યો નથી. હવે બધા સાંભળી લ્યો. તમે બધાએ વીસ-પચ્ચીસ છોકરીઓ જોઈ, પણ બધેથી ના આવી. હવે બધી ચાલ આ દાદી ચાલશે અને એમાં વચમાં કોઈ આવશે નહીં. લાલુ, એક ટૉપ હોટલમાં ટેબલ બુક કરાવ. એ હોટલમાં મેં નક્કી કરેલ છોકરી સાથે વાતચીત થશે. થોડી સ્માર્ટનેસ રાખીને વાત કરજે. દરેક વાતમાં માત્ર હા જ કહેવી. તાર ેકોઈ પ્રશ્ર્ન કરવા નહીં. તારે માત્ર હા જી હા કરવી.’

હોટલ હોલી-ડે ઇનમાં લાલુએ સૂટ-બૂટ સાથે એન્ટ્રી લીધી અને દરેક વાતે ‘યસ, વ્હાય નૉટ... યસ, યુ આર રાઇટ...’ ‘યસ, યસ...’ કહીને પાંત્રીસ વર્ષની રૈનાને મોહિત કરી. અંતે રૈનાએ કહ્યું, ‘યુ આર ટુ હમ્બલ એન્ડ વેરી કાઇન્ડ. તારી દાદીએ કહ્યું હતું બરાબર એવો જ નમ્ર અને (ગાય જેવો) બધી રીતે અનુકૂળ થાય તેવો તું મને બરાબર સમજે એવો છે. એટલે મારી તો હા છે. યૉર દાદી ઇઝ વેરી સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ.’ રૈનાએ હાથ લંબાવી પૂછ્યું, ‘તને હું પસંદ હોઉં તો હું દાદીને સૌથી પહેલાં ગુડ ન્યૂઝ આપી દઉં.’

ચાલીસમે વર્ષે પચ્ચીસ-ત્રીસ છોકરીઓની નકાર પછી હકાર સાંભળવા મળે અને તે પણ સામેથી હાથ લંબાવીને! લાલુ બોલે તો પણ શું બોલે? દાદીએ કહ્યા મુજબ એણે ‘યસ’ જરા ખોંખારીને ઝડપથી કહી જ દીધું, જેથી વહેલી વાગે શરણાઈ!
આ તરફ રૈનાએ દાદીને ફોન કરીને આવતા મહિનાની પહેલી તારીખ, સ્થળ હોલી-ડેઇન પણ નક્કી કરીને કહી દીધું.

ભાઈને કોઈ આપે નહીં અને બહેનને કોઈ લઈ જાય નહીં એવું જોડું જોડવામાં દાદી નિષ્ણાત જો હતાં! અહીં ‘ઘરડા ગાડા પાછા વાળે’ એ કહેવત પણ સાચી ઠરી. માગ સામે પુરવઠો પણ મળી જ જાય. બસ, લાકડે માંકડું જોડતાં આવડે તો... બાકી બધું આ જમાનામાં અઘરું તો પડે જ!

લાલુને શંકા તો ગઈ કે દાદીએ આ ચોકઠું રાતોરાત તો ગોઠવ્યું જ ન હોય. એટલે ખાનગીમાં દાદીને પૂછી જ લીધું, ‘દાદી, ઘરમાં બેઠાં બેઠાં ફોન ઉપર જ તેં મારું કલ્યાણ કઈ રીતે કર્યું?’

અને દાદીને વરસો પહેલાં ગુમાવેલ રઘલો યાદ આવ્યો. કાશ! ત્યારે મેં પણ રઘલાને ‘યસ’ કહ્યું હોત તો ગામના મુખીનો રઘલો ઉર્ફે આજના ઉદ્યોગપતિ રઘુવીરના ઘરની દાદી હોત, પણ કહેવત છેને કે ‘હાર્યો જુગારી બમણું રમે.’ એ મુજબ દાદીએ વરસો પહેલાં કપાયેલા સંબંધોના તારને ફરી ઝંકૃત કરી દીધા.

સુકાયેલ મૂળને ફરી લીલું કરી શકાય છે એમ વિચારી દાદી મનમાં હસી અને બોલી, ‘લાલુ, તારે ખાવા સાથે મતલબ છે ને! તારે ટપટપ વિશે વિચારવાની જરૂર નથી. ઘરડા ગાડાવાળે અને ઘરડા આવા લાલિયા અને લીલીઓને સાત ફેરા ફેરવી પણ શકે. હમણાં સુધરેલા જમાનામાં તો કંઈ પણ બની શકે.’

ટીવી જોઈ જોઈને બોલ્ડ બની ગયેલ એક દાદીએ વાંકડો માગનાર વેવાઈને ત્રાડ પાડીને કહી દીધું કે ‘ભલે મારી પૌત્રી કુંવારી રહે, પણ તમારા જેવા નકામા માણસોના ઘરે તો મારી લાડલ દીકરીને નહીં જ મોકલું.’ અંતે લીલાં તોરણે જાન પાછી વળેલી.

-અને એટલે જ લીવ ઇનમાં રહેતાં થઈ ગયેલા જુવાનિયા તેમજ ઘરડાઓ સુધ્ધાં વારે વારે લીવ ઇન, લીવ ઇનટુ, થ્રી, ફોરના મંગળ ફેરા ફરતાં ફરે છે, પણ એમાં આપણે શું? ખરુંને? કે પછી...