ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકર એક પોપ્યુલર પબ્લિક ફિગર છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખાસી એવી એક્ટિવ રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સારા સાથે એક એવી ઘટના બની કે હંમેશા કૂલ લાગતી સારા તેંડુલકર આગ બબૂલા થઈ ગઈ હતી. એટલું જ નહીં સારાએ સોશિયલ મીડિયા પર જાહેરમાં જ આવી હરકત કરનારની ઝાટકણી પણ કાઢી હતી.
સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝના ફોટો-વીડિયો પોસ્ટ કરીને લાઈક્સ મેળવવાની ઘેલછામાં કેટલીક વખત લોકો તમામ લિમીટ્સ ક્રોસ કરતાં હોય છે. તાજેતરમાં જ એક વ્યક્તિએ સારા તેંડુલકરનો પાછળથી લીધેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને કેપ્શનમાં સારા તેંડુલકરની બોડીને લઈને અભદ્ર ટિપ્પણી પણ કરી હતી.

યુઝરે સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા લખ્યું હતું કે, 'મોટીવાળી સારા છે, બાજુવાળી ભાભી છે.' સારા તેંડુલકરની નજર જેવી જ આ શરમજનક પોસ્ટ પર પડી, તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. સારાએ આ બાબતને નજરઅંદાજ કરવાને બદલે તેનો સ્ક્રીનશોટ પોતાની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને ઓપન ફોરમમાં એ વ્યક્તિની ક્લાસ લીધી હતી.
સારાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તે સ્ક્રીનશોટ સાથે આકરા પ્રહાર કરતા લખ્યું હતું કે તમે એકદમ ઘૃણાસ્પદ છો, આ કોઈ પત્રકારત્વ નથી, અમને અમારા હાલ પર એકલા છોડી દો. સારાનું આ રૌદ્ર સ્વરૂપ અને ટિપ્પણી જોતાં જ યુઝરે ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક પોતાની પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી નાખી હતી.
પરંતુ, સારા અહીં જ અટકી નહીં. તેણે એક બીજી સ્ટોરી શેર કરીને ટ્રોલરની પોલ ખોલતા આગળ લખ્યું હતું કે તમે ભલે તમારી પોસ્ટ ડીલીટ કરી નાખો, પરંતુ તેનાથી તમારી ઘૃણાસ્પદ માનસિકતા બિલકુલ ઓછી નહીં થઈ જાય.
સારા તેંડુલકરે જે રીતે પબ્લિક પ્લેટફોર્મ પર આવીને બોડી શેમિંગ અને પ્રાઈવસીમાં દખલગીરી કરનારા પેપરાઝી કલ્ચર સામે અવાજ ઉઠાવ્યો છે, તેના આખા સોશિયલ મીડિયા પર ભરપૂર વખાણ થઈ રહ્યા છે. યુઝર્સ સારાના સપોર્ટમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે સેલિબ્રિટી હોય કે સામાન્ય છોકરી, કોઈ પણ મહિલાના શરીરને લઈને આવી અભદ્ર ટિપ્પણી કરવાનો અધિકાર કોઈને નથી. સારાએ જે રીતે વળતો પ્રહાર કર્યો છે તે બિલકુલ યોગ્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સેલિબ્રિટીઝની પર્સનલ લાઈફ, પ્રાઈવસી અને સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. પરંતુ, જ્યારે વાત હદ બહાર નીકળી જાય અને સેલિબ્રિટીઝના શરીરને લઈને વાંધાજનક ટીકા-ટિપ્પણીઓ કરવામાં આવે, ત્યારે મૌન તોડવું અનિવાર્ય બની જાય છે.