Fri May 22 2026

Logo

ડૉલર સામે રૂપિયામાં 50 પૈસાનું બાઉન્સબૅક

2026-05-21 20:13:28
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ હળવો થવાની શક્યતા સાથે ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી જોવા મળેલી પીછેહઠ અને સંભવિતપણે રિઝર્વ બૅન્કે હાજર બજારમાં હસ્તક્ષેપ કરતાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી 50 પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને 96.36ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ અંગેનાં સકારાત્મક અહેવાલે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ રોકાણકારો હજુ જોખમી પરિબળો જોઈ રહ્યા હોવાથી વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું છે.
 
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.86ના બંધ સામે સુધારાના અન્ડરટોને 96.25ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.60 અને ઉપરમાં 96.05 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 50 પૈસાના સુધારા સાથે 96.36ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયાના એક વર્ષે પાકતા વાયદામાં ડૉલર સામે રૂપિયાએ 100ની સપાટી દાખવી હતી, જે દર્શાવે છે કે આગામી એક વર્ષ સુધી રૂપિયામાં એકંદરે નરમાઈનો અન્ડરટોન જોવા મળશે.

ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા ઘટાડા અને રિઝર્વ બૅન્કની છેલ્લી નાણાનીતિની સમીક્ષાની બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે શક્યતઃ કેન્દ્રવર્તી બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયા માટે 95.74ની ટેકાની અને 96.50ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે. 

જોકે, ડીબીએસ બૅન્કના ફોરેક્સ સ્ટ્રેટેજિસ્ટ ફિલિપ વી અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી રાધીકા રાવે તૈયાર કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ 2026માં અત્યાર સુધીમાં ડૉલર સામે રૂપિયામાં થયેલા છ ટકા આસપાસના ધોવાણ પશ્ચાત્‌‍ અમે શેષ વર્ષ 2026માં ડૉલર સામે રૂપિયાની રેન્જ 95થી 100 આસપાસની રહે તેવો અંદાજ મૂક્યો છે. દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.22 ટકા વધીને 99.30 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.75 ટકા ઘટીને બેરલદીઠ 104.23 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 135.03 પૉઈન્ટનો અને 4.30 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1597.35 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.