ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ફહીમે યુવતીને જાળમાં ફસાવી, અશ્લીલ વીડિયો બનાવી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી
નવી દિલ્હી: ભારતમાં હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે, અત્યારે મહિલાઓ સુરક્ષિત છે કે તે પણ એક સવાલ બની ગયો છે. દિલ્હીના સાઉથ ઈસ્ટ જિલ્લાના જામિયાનગર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી વિગતો પ્રમાણે એક 23 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, યુવતી પર બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાનું પણ દબાણ કરવામાં આવ્યું હતું. યુવતી સાથે એક બે વખત નહીં પરંતુ 2021થી લઈને 2024 સુધી આરોપીઓએ માનસિક અને શારીરિક રીતે પરેશાન કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર આરોપીએ યુવતીને ફસાવી હતી
આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર ફહીમ નામનો ગેરકાયદે હથિયારોનો સપ્લાયર હોવાનું સામે આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર હિંદુ બનીને યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ 2021માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામથી થઈ હતી. મુખ્ય આરોપી ફહીમે પોતાની અસલી ઓળખ છુપાવીને ‘સાહિલ’ નામે એક ફેક પ્રોફાઇલ બનાવી હતી. તેણે પોતાને એક ખૂબ જ અમીર હિંદુ પરિવારનો યુવક ગણાવ્યો હતો. પીડિત યુવતી તેના ઝાંસામાં આવી ગઈ અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. આરોપીએ યુવતીને લગ્નની લાલચ પણ આપી હતી.
ગેરકાયદે હથિયારોની તસ્કરી સામેલ છે આરોપી
પોલીસ ફરિયાદ પ્રમાણે 2022માં આરોપીએ યુવતીને દિલ્હીના બટલા હાઉસ વિસ્તારમાં મળવા બોલાવી હતી. ત્યાં પહોંચ્યા પછી પીડિતાને ખબર પડી કે સાહિલ વાસ્તવમાં ફહીમ છે. પરંતુ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. આ દરમિયાન ફહીમ અને તેના સાથીઓ મળીને યુવતીને બંધક બનાવી અને પછી તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસનો મુખ્ય આરોપી ફહીમ અને તેના સંબંધીઓ ગેરકાયદે હથિયારોની તસ્કરી સાથે જોડાયેલા હોવાનું પણ યુવતીએ જણાવ્યું હતું.
યુવતીના વીડિયો બનાવી ધમકી આપેલી
આરોપીઓએ તમામ હદો વટાવી દીધી તેવી રીતે તેને પ્રતાડિત કરવામાં આવી હતી. આરોપીઓ પીડિતાને ડરાવવા અને તેની હિંમત તોડી પાડવા માટે તેના આખા શરીર પર જાનવરોનું લોહી ચોપડી દેતા હતા અને તેની પર માંસના ટુકડા ફેંકતા હતા. એટલું જ નહીં પરંતુ યુવતીને માનસિક-શારીરિક ત્રાસ આપીને બળજબરીથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું. યુવતીના અશ્લીલ વીડિયો બનાવ્યાં અને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી. આ સમય દરમિયાન અનેક વખત તેની સાથે આ હેવાનોએ સામૂહિક દૂષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીઓએ યુવતીને તેની માસૂમ દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી તેના કારણે તે આ નરક ભોગવી રહી હતી.
ફરિયાદમાં આ પાંચ દુષ્કર્મી નામ લખાવ્યાં
મુખ્ય આરોપી ફહીમની ગુરુગ્રામ પોલીસે અન્ય એક ગુનાહિત કેસમાં ધરપકડ કરી ત્યારે તેના મોબાઈલ ફોનની અંદર પીડિતાના વાંધાજનક વીડિયો અને ફોટા મળી આવ્યાં હતા. જ્યારે પીડિતાને પાક્કી ખાતરી થઈ ગઈ કે હવે આરોપીના ફોનમાંથી વીડિયો ડિલીટ થઈ ચૂક્યા છે અને તે લીક થઈ શકે તેમ નથી, ત્યારે તેનામાં પોલીસ પાસે જવાની હિંમત આવી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. યુવતીએ ફરિયાદમાં ફહીમ, ખુર્શીદ, ઝૈદ, અઝીમ, તાલીમ અને નફીસ એમ પાંચ આરોપીઓના નામ લખાવ્યાં હતા. જેમાંથી ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક આરોપી તો કોઈ અન્ય ગુનામાં મેરઠ જેલમાં જ છે.