Fri May 22 2026

Logo

વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીમાં રૂ. 2623નો ઘટાડો, સોનામાં રૂ. 17નો ઘસરકો

2026-05-21 20:13:27
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાના આશાવાદ સાથે ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધી આવતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના તથા ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મુખ્યત્વે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2623નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી 50 પૈસાનું બાઉન્સબૅક જોવા મળતાં સોનાની આયાત પડતર ઘટવાથી સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 17નો સાધારણ ઘસરકો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે માત્ર ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2623ના ઘટાડા સાથે રૂ. 2,64,679ની સપાટીએ રહ્યા હતા. તેમ જ આજે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 17ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,57,903 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,58,538ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ગઈકાલે તહેરાને જણાવ્યું હતું કે અમે વૉશિંગ્ટનની તાજેતરની પ્રતિક્રિયાઓની સમીક્ષા કરી રહ્યાં છીએ અને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે સૂચવ્યું હતું કે તેઓ તહેરાન પાસેથી યોગ્ય જવાબ માટે થોડા દિવસો રાહ જોઈ શકે છે અને સાથે સાથે હુમલા કરવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. 

ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે ભૂરાજકીય તણાવ હળવો થવાની સાથે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને ફુગાવો પણ ઘટે તેવા આશાવાદ અને ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4536.72 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.1 ટકાના સુધારા સાથે 4537.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.5 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 75.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

મધ્યપૂર્વના દેશોમાં વિવાદ શરૂ થયો ત્યારથી ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલો વધારો અને તેને કારણે ફુગાવામાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ સોનાના ભાવ આૈંસદીઠ 4000થી 4500 ડૉલર આસપાસની રેન્જમાં રહે તો કોઈ આશ્ચર્ય નહીં થાય એમ બાયબીટનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ હૅન ટાને જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં પણ તંગ નાણાનીતિનો સંકેત આપવામાં આવ્યો હોવાથી સોનામાં મોટી માત્રામાં સુધારાની શક્યતા મર્યાદિત થઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે જ્યાં સુધી ભૂરાજકીય  અનિશ્ચિતતાઓ રહેશે ત્યાં સુધી સોનામાં તેજીના ખેલાડીઓએ ઝઝૂમવું પડશે કેમ કે વ્યાજદરમાં વધારાની શક્યતાઓ રૂંધાતી રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.