ભીષણ ગરમી અને લૂની આશંકા વચ્ચે હવામાન વિભાગે આપી રાહતની ચેતવણી; જાણો સ્વાસ્થ્ય માટે ડોક્ટરોની સલાહ
નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને બિહારમાં મે મહિનાની શરૂઆતથી જ ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસો માટે વધુ ગંભીર ચેતવણી જાહેર કરી છે.
ઉત્તર ભારતના આ રાજ્યોમાં આ વર્ષે ગરમી 25 મે થી 02 જૂન સુધી ચરમસીમાએ રહેશે. આ 9 દિવસના સમયગાળાને ‘નવતપા (નૌતપા)’ (Nautapa) તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સૂર્ય એટલો ધગધગતો જોવા મળશે કે દિવસના સમયે રસ્તાઓ ભઠ્ઠીની જેમ તપશે અને રાત્રે પણ અસહ્ય ઉકળાટને કારણે લોકોની ઊંઘ હરામ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નવતપા (નૌતપા) દરમિયાન તાપમાનમાં ઝડપથી વધારો થશે અને કેટલાક રાજ્યોમાં પારો 45 ડિગ્રીથી 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં તો નવતપા શરૂ થાય તે પહેલાં જ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જ્યારે દિલ્હીમાં પણ પારો 47 ડિગ્રીની નજીક પહોંચ્યો છે.
નવતપામાં કેમ પડે છે આટલી ભીષણ ગરમી?
વાસ્તવમાં નૌતપા કહો કે નવતપા કે રોહિણી પણ આ સમસયગાળા દરમિયાન અસહ્ય ગરમી પડવા પાછળ ધાર્મિક માન્યતાઓની સાથે મજબૂત વૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર છે. પૃથ્વી પોતાની ધરી પર આશરે 23.5 ડિગ્રી નમેલી છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં સૂર્ય કર્ક રેખાની બરાબર ઉપર આવી જાય છે. આ કારણે ભારતના મેદાની વિસ્તારોમાં સૂર્યના કિરણો સીધા અને અત્યંત તીવ્રતા સાથે પડે છે. આ સમયગાળામાં દિવસો લાંબા હોય છે. સૂર્ય વહેલો ઉગે છે અને મોડે સુધી આકાશમાં રહે છે. સતત કલાકો સુધી પડતી તેજ ધૂપ જમીનને અતિશય ગરમ કરી દે છે, જેના કારણે રાત્રિનું તાપમાન પણ 30થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે છે.
હ્યુમિડિટી અને હીટ ઈન્ડેક્સની અસર
વધુ વિગતે વાત કરવામાં આવે તો, સતત ગરમીને કારણે જમીનનો ભેજ ખતમ થઈ જાય છે. આ દરમિયાન રાજસ્થાનના રણ પ્રદેશમાંથી આવતા ગરમ પશ્ચિમી પવનો (લૂ) ઉત્તર ભારતના મેદાનોને પજવે છે. વાતાવરણમાં ઉચ્ચ દબાણ હોવાને કારણે વાદળો બની શકતા નથી. હ્યુમિડિટી અને હીટ ઈન્ડેક્સ (Heat Index) પણ એક કારણ છે. આ સમયે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની તૈયારીઓ શરૂ થતી હોવાથી બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી ભેજવાળી હવા ઉત્તર ભારત તરફ વધે છે. વરસાદ પડતો નથી, પણ હવામાં ભેજ વધવાથી પસીનો સુકાતો નથી. વૈજ્ઞાનિક ભાષામાં તેને 'હીટ ઈન્ડેક્સ' કહેવાય છે. 45 ડિગ્રી તાપમાનમાં 60-70% ભેજ હોય ત્યારે લોકોને 50થી 55 ડિગ્રી જેટલી ગરમી પડી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન ક્યારે સક્રિય થશે?
ભીષણ લૂ અને રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ઉત્તર અને મધ્ય ભારત માટે આખરે એક રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના INSAT-3DS હવામાન સેટેલાઇટની થર્મલ ઇન્ફ્રારેડ તસવીરોથી પુષ્ટિ થઈ છે કે એક અત્યંત શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન (Western Disturbance) ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને તેની આસપાસના ઉત્તર-પશ્ચિમ ભારતના આકાશમાં વાદળોનો વિશાળ સમૂહ અને ચક્રવાતી પવનોનો વિસ્તાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ સિસ્ટમ ગીચ સફેદ વાદળોની લાંબી પટ્ટીઓ તરીકે પૂર્વ તરફ એટલે કે હિમાલયના વિસ્તારો અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારો તરફ સરકી રહી છે.
આગામી ત્રણ દિવસમાં પડી શકે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને કરા સાથે વરસાદ થઈ શકે છે. આ વરસાદથી ઉત્તર ભારતમાં ઉનાળાની ઋતુનો સંપૂર્ણ અંત નહીં આવે, પરંતુ તે તાપમાનમાં ચોક્કસપણે નોંધપાત્ર ઘટાડો લાવશે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દક્ષિણી પ્રદેશો પર પણ વાદળો મંડરાઈ રહ્યાં છે. જેથી એવું માની શકાય કે, દેશભરમાં ચોમાસાની પ્રગતિ માટે પરિસ્થિતિઓ ધીમે ધીમે અનુકૂળ બની રહી છે. પરંતુ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, આબોહવા પરિવર્તનને કારણે, ભારતમાં ગરમીના મોજાનો સમયગાળો વધુને વધુ લાંબો અને અણધાર્યો બની રહ્યો છે.
ડોક્ટરો દ્વારા શું ચેતવણી આપવામાં આવી?
સતત વધી રહેલી ગરમીના કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. અનેર રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બપોરે બહાર ના જવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને સૂર્યપ્રકાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. અસામાન્ય ગરમી માનવ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ જોખમી છે, કારણ કે શરીરને રિકવર થવાનો સમય મળતો નથી, જેનાથી હીટ સ્ટ્રોક અને હૃદયની બીમારીઓનું જોખમ વધે છે. તેથી બપોરે બહાર નીકળવાનું ટાળવા અને પુષ્કળ પાણી પીવા માટે કહેવામાં આવ્યું છે.