આવા કુ-રિવાજોથી છુટકારો ક્યારે?
કૌશિક મહેતા
ડિયર હની,
આપણે ત્યાં સારો હોય કે માઠો પ્રસંગ, એમાં સાદાઈના બદલે ઝાકઝમાળ વધતી જાય છે. પોષાય એને તો ઠીક છે, પણ ખિસ્સાને પરવડે નહીં એવા પરિવારો દેખાદેખી કે રીતરિવાજનાં કારણે ગજા બહારનાં ખર્ચ કરે છે. આ રીતે પ્રસંગ યોજ્યા બાદ એની ટીકા કરનારા પણ ઓછા નથી હોતા અહીં. રાજસ્થાનનો એક આવો પ્રસંગ તને કહેવો છે.
રાજસ્થાનના સિરોહી જિલ્લાના મંડવારિયા ગામમાં એક ગરીબ પરિવારે આર્થિક તંગીના કારણે મૃત્યુભોજમાં શુદ્ધ ઘીના માલપુઆ બનાવવાને બદલે સાદું ભોજન પીરસતાં, સમાજના પંચે તો કુલ 43 પરિવારોનો સામાજિક બહિષ્કાર (હુક્કા-પાણી બંધ) કરી દીધો છે.
ગામના સદારામ નામની વ્યક્તિનું અવસાન થતાં તેમના પરિવારે આર્થિક સ્થિતિ નબળી હોવાથી સાદું ભોજન કરાવ્યું હતું. આ વાતથી નારાજ પંચે પેલા પરિવાર વિરુદ્ધ સામાજિક બહિષ્કારનું ફરમાન જાહેર કર્યું. આટલું જ નહીં, આ પીડિત પરિવારનું સમર્થન કરનારા અન્ય 42 પરિવારને પણ સજા ફટકારી છે. અમાનવીય સામાજિક નાકાબંધીના આ આકરા ફરમાનને કારણે હાલમાં આ 43 પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.
આ ઘટના અને વિરોધ પાછળ જુદાં-જુદાં કારણો ભલે બતાવાય, પણ વાત તો એ છે કે આપણે ત્યાં રીતરિવાજોના નામે લોકોની હાલત ખરાબ થાય છે. તને ખ્યાલ છે કે આપણા જ એક પરિવારમાં વડીલના મૃત્યુનો માઠો પ્રસંગ બન્યો અને બાદમાં બારમું ને બધી વિધિ થઈ અને છેલ્લે જમણવાર. અને એમાં અય મીઠાઈ ફરસાણ બધું જ. લગ્નમાં જેમ આમંત્રણ અપાય એમ જ બધાને આમંત્રણ અપાયાં. એ પરિવારે એક તો વડીલની સારવાર માટે સારો એવો ખર્ચ ઉઠાવ્યો હતો ઉપરથી ક્રિયાકર્મનો આવા ખર્ચ માટે એમણે વ્યાજે પૈસા લેવા પડ્યા હતા. મારે તો ત્યારે વાત પણ થયેલી કે આટલો બધો ખર્ચ શા માટે? સાદાઈથી વિધિ કરો ને... તો એમણે કહેલું કે ના કરીએ તો સમાજમાં ટીકા થાય, વડીલોનું સાંભળવું પડે.
સુરેન્દ્રનગર જિલ્લાનો એક કિસ્સો છે. રમણભાઈ (નામ બદલ્યું છે) એક નાના ખેડૂત હતા. તેમના પરિવારમાં પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય. કમનસીબે રમણભાઈનું ટૂંકી માંદગી બાદ અચાનક અવસાન થયું. હૉસ્પિટલના ખર્ચને કારણે પરિવાર પહેલેથી જ આર્થિક ભીંસમાં હતો. રમણભાઈના અવસાન પછી જ્ઞાતિના વડીલો અને આગેવાનો દ્વારા દબાણ આવ્યું કે ‘રમણભાઈ મોભાદાર માણસ હતા એટલે આખા ગામ અને 24 ગામની જ્ઞાતિને કારજ (બારમું-તેરમું)નું જમણવાર કરવો જ પડશે.
જો નહીં આપો તો નાતમાં નાક કપાશે અને ભવિષ્યમાં દીકરા-દીકરીઓનાં લગ્નમાં નડતર ઊભું થશે.’
પરિવારે નાછૂટકે સંમતિ આપવી પડી. ત્રણ લાખનો ખર્ચ થયો. જ્ઞાતિના દરેક ઘરે વાસણ (જેમ કે સ્ટીલના ટિફિન કે થાળી) અથવા રોકડા રૂપિયા લહાણી તરીકે આપવાનો નિયમ હતો. એનો જે ખર્ચ થયો તે ઉપરથી. બધું થઇ પાંચ લાખે ખર્ચ પહોંચ્યો.
રમણભાઈના 22 વર્ષના દીકરાએ આ ખર્ચ પૂરો કરવા માટે ગામના એક સ્થાનિક શાહુકાર (વ્યાજખોર) પાસેથી 3 ટકા માસિક વ્યાજે (જે વાર્ષિક 36 ટકા થાય) લોન લેવી પડી, કારણ કે બૅન્કો કારજ માટે લોન નથી આપતી. દીકરો આગળ ભણવા માગતો હતો, તેણે ભણવાનું છોડીને વ્યાજ ચૂકવવા માટે શહેરમાં જઈ મજૂરી કામ શરૂ કરવું પડ્યું. પિતા ગુમાવવાનું દુ:ખ તો બાજુ પર રહ્યું, પરિવાર આખું વર્ષ દેવું ચૂકવવાની અને લોકોનાં ટોણાં સાંભળવાની માનસિક પીડામાંથી પસાર થયો. આમ સમાજના કુરિવાજ હસતા-રમતા પરિવારને પાયમાલ કરી નાખે છે. જે પૈસા દીકરીનાં લગ્ન કે દીકરાના ભવિષ્ય માટે વાપરવાના હતા તે સમાજને એક ટંક જમાડવામાં વેડફાઈ ગયા.
અહીં તને યાદ કરાવું. મારી બા એટલે કે તારા સાસુનું અવસાન થયું. પ્રાર્થ્રનાસભા રાખવી હતી અને ત્યારે હોળી ધુળેટી આવતી હતી. કેટલાક વડીલોએ કહ્યું કે આ દિવસે ના રખાય. પણ મેં એમને કહેલું કે ધુળેટીને દિવસે જ આયોજન થશે, કારણ કે પરિવારનાં ત્રણ-ચાર છોકરા-છોકરીની દસ અને બારની પરીક્ષાઓ માથે હતી. એમને આ કારણે કોઈ સમસ્યા ના થાય એટલે ધુળેટીએ આયોજન થયું.
વડીલો કહેતા હતા કે, ધુળેટીનો તહેવાર છે કોઈ આવશે નહિ. પણ તને યાદ છે ને...એ દિવસે એટલું માણસ આવ્યું કે આપણી જ્ઞાતિની વાડીનો હોલ ટૂંકો પડ્યો. લોકો નીચે ઊભા રહ્યા હતા. બાની ચાહના જ એટલી હતી.
આપણે ત્યાં સમસ્યાએ છે કે કેટલાક ખોટા રીતરિવાજો હજુય રૂઢ છે. લોકોએ એ મને-કમને પાળવા પડે છે. ઘણી જ્ઞાતિઓમાં તો બાર -તેર દિવસ સુધી લોકો મોઢે થવા આવતા રહે છે અને રોજનો ચા-પાણી- જમવાનો ખર્ચ વધારાનો. કેટલાકમાં તો દારૂની વ્યવસ્થા પણ થતી
હોય છે.
આ તે કેવા રિવાજ છે... આમાંથી મુક્તિ ક્યારે મળશે?
સામાન્ય માણસને રોજિંદો વ્યવહાર ચલાવવાનું મોંઘવારીમાં મુશ્કેલ છે ત્યારે આવા રિવાજ નાબૂદ થવા જોઈએ. આ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ઘણી જ્ઞાતિઓમાં એની શરૂઆત થઇ ચૂકી છે એ સારી નિશાની છે.
તારો બન્ની