Thu Jun 25 2026

Logo

ખોટું આળ શાનું સહન થાય...?

2026-06-25 10:00:00
Author: Neela Sanghavi
Article Image

નીલા સંઘવી

વૃદ્ધો સાથે કેવા કેવા અન્યાય અને અત્યાચાર થતા રહે છે તેનાં અસંખ્ય ઉદાહરણ આપણી સામે આવતા રહે છે. આપણે ઘરને સૌથી સલામત સ્થળ માનતા હોઈએ છીએ, પણ ક્યારેક એ ઘરમાં જ વૃદ્ધો પર, સ્ત્રીઓ પર કે બાળકો પર અત્યાચાર થતા હોય એવું પણ બને છે. પાછલી ઉંમરે જ્યારે શરીર અશક્ત થઈ જાય છે ત્યારે સંતાનો અપમાન કરે, અવગણના કરે એ તો સાવ સામાન્ય બાબત છે, પણ તેમના પર ખોટાં આળ ચઢાવે- એ વાત એવી ચેષ્ટા તો બહુ નીચલી કક્ષાની ગણાય.

ઉમાબહેનના પતિનું અવસાન થયું હતું, એમનાં પુત્ર-પુત્રી અભ્યાસ કરતાં હતાં. પતિની આવક સારી હતી. તેથી પતિના અવસાન પછી બે સંતાનના ઉછેરની, ભણતરની, ખાધા ખોરાકીની બધી જવાબદારી ઉમાબહેન પર આવી ગઇ. શરૂઆતમાં તો ઉમાબહેન ગભરાઈ ગયાં. શું કરવું તે કાંઈ સૂઝતું ન હતું. આવક ક્યાંથી કેવી રીતે ઊભી કરવી તે કાંઈ સમજાતું ન હતું. તે રડ્યા કરતાં હતાં. તે રડે એટલે બંને બાળકો પણ રડે. 

સગાંસંબંધી આવે તો એ લોકો પણ કહે, ‘હવે ઉમા, તમે શું કરશો, બાળકોને મોટા કઈ રીતે કરશો?’ કોઈ મદદ કરવાની વાત તો દૂર રહી ઉપરથી ટેન્શન આપતા જાય સગાંસંબંધી! ઘરમાં જે અનાજ વગેરે ભરેલું હતું તે પણ ખલાસ થવા આવ્યું હતું. છેલ્લાં વીસેક હજાર રૂપિયા કબાટની તિજોરીમાં હતા. આ પૈસા ખલાસ થાય તે પહેલાં કાંઈક વિચારવું જરૂરી હતું, પણ દુ:ખમાં ડૂબેલાં ઉમાબહેનને કાંઈ સમજણ પડતી ન હતી.

ઉમાબહેનના પતિનું અવસાન થયું તે સમાચાર તેમની સ્કૂલ ફ્રેન્ડ સુમતિબહેનને કોઈક રીતે મળ્યા. તે ઉમાબહેનનું સરનામું શોધીને તેમના ઘેર પહોંચ્યાં. સ્કૂલની બહેનપણીને જોઈને બન્ને ભેટી પડયાં ને ઉમાબહેનનો ડૂમો ડૂસકામાં પરિવર્તિત થઈ ગયો. પછી તો ઉમાબહેન છૂટા મોંએ રડી પડ્યાં. આજ સુધી તેમને મળવા આવતા લોકો અને આજે આવેલી બહેનપણીમાં બહુ જ ફરક હતો. 

ઉમાબહેન શાંત થયા પછી વાતવાતમાં સુમતિબહેને ઉમાબહેનની સ્થિતિ અને વ્યથા જાણી લીધી. તેમણે કહ્યું, ‘જો ઉમા, એમ રડીને બેસી રહેવાથી કાંઇ નહીં વળે. તારે બે છોકરાંને મોટા કરવાના છે. કોઈ આપવા આવવાનું નથી. જે કરવાનું છે એ તારે જ કરવાનું છે. તું જ તારાં બાળકોની મા પણ છે અને બાપ પણ છે. બંનેને તારી પાંખમાં લઈ લે. રડવાનુ બંધ કર અને કામે લાગ.’

‘પણ સુમિ, હું શું કરું? બંને બાળકને મૂકીને કામ કરવા પણ ક્યાં જાઉં?’

‘એ બધી વ્યવસ્થા હું કરું છું. અહીં આવીને તારી સ્થિતિ જોયા પછી તરત મારા મનમાં મેં વિચારી લીધું હતું કે તારે શું કરવાનું છે.’

‘તો સુમિ, મને કહે મારે શું કરવાનું? કઈ રીતે હું આવી પડેલી મુસીબતને પહોંચી વળીશ?’

‘જો ઉમિ, મારા પતિનો લેડીઝ ડ્રેસનો ધંધો છે. સાથે સાડી, ગાઉન અને ડ્રેસ મટીરિયલ પણ જથ્થાબંધ વેચે છે. હું તેમને કહીને આ બધી આઇટમ્સ અપાવીશ. બીજાને આપે તેના કરતાં ઓછા ભાવે તને અપાવીશ. તારે એમાં તારો પ્રૉફિટ ઉમેરીને વેચાણ કરવાનું. ઘરે બેસીને જ આ કામ થઈ જશે. આજે તો સોશ્યલ મીડિયાનો જમાનો છે, કામ ચાલશે, તારા ખર્ચા નીકળી જશે.’ 

-અને સાચે જ સુમતિબહેનની મદદથી ઉમાબહેન કમાવા માંડ્યાં, બાળકોને ભણાવ્યાં. દીકરાનાં તો લગ્ન પણ કર્યાં. દીકરી આર્કિટેક્ચરનાં છેલ્લા વર્ષમાં હતી. ઉમાબહેને ખૂબ મહેનત કરી અને એક નાનકડી દુકાન લીધી તેમાં તે ખુદ બેસતાં. દુકાન સારી આવક રળી આપતી હતી.     

હવેથી ઉમાબહેન બપોરના ત્રણ વાગ્યા પછી દુકાને જતાં હતાં. ત્યાં સુધી એક વિશ્ર્વાસુ માણસ દુકાનનું કામ જોતો હતો. દીકરીને આર્કિટેક્ચરનું છેલ્લું વર્ષ હતું. તેથી તે પણ કૉલેજ અને અભ્યાસમાં વ્યસ્ત રહેતી હતી. દીકરાની વહુને આ બંને આંખના કણાંની જેમ ખૂંચતાં હતાં. પોતાનો પતિ માતા અને બહેનને ચાહે એ તેને જરાય ગમતું ન હતું તેથી જેવો તે ઑફિસે જાય કે બડબડાટ ચાલુ કરે. ઉમાબહેનને મેણાંટોણાં મારે, નણંદને કટકટ કરે. ઉમાબહેન કહે, 

‘વહુ, તને શું તકલીફ છે. ઘરમાં રાજ છે.’

‘મને તો તમે અને તમારી દીકરીની જ તકલીફ છે. આખો દિવસ મારા પતિની આસપાસ ફર્યા કરો છો. અમને તો પ્રાઇવસી મળતી જ નથી. તમારા દીકારને મા અને બહેન સિવાય કોઈ દેખાતું જ નથી. તમે તમારા દીકરાને મારી વિરુદ્ધ ચઢાવો છો, મારી સાથે વધુ બોલવા દેતાં નથી.’

‘વહુ, આવાં ખોટાં આળ ચઢાવતી નહીં. મારાં દીકરાનું દાંપત્યજીવન ખુશીથી મઘમઘતું રહે એવી જ ઇચ્છા હંમેશાં રહે છે. મને મારો દીકરો અને દીકરી જેટલાં વહાલાં  છે તેટલી જ તું પણ વહાલી છે. તને કેમ બધું ઊલટું દેખાય છે મને સમજ નથી પડતી.’

‘તમે દંભી છો, ખોટું બોલો છો, ઉપરથી કાંઈક અને અંદરથી કાંઈક છો. બહુ લુચ્ચા છો. અને તમારી દીકરીને જુઓ. કૉલેજમાં જઈને શું ગુલ ખીલાવતી હશે કોને ખબર?’

‘વહુ, મને જે કહેવું હોય તે કહે પણ મારી દીકરી માટે કાંઈ બોલતી નહીં. જેમ આવે તેમ અમારા બંને પર આક્ષેપ કર્યા કરે છે.’ ઉમાબહેન કહે પણ વહુ કાંઈ એમ ચૂપ રહે તેમ ન હતી. ઉમાબહેનને બહુ માનસિક ઉકળાટ થતો, પણ ઘરની શાંતિ જળવાઈ રહે તેથી તે પોતાના દીકરાને કાઈ વાત કરતાં નહીં. મનમાં ને મનમાં મૂંઝાયા કરતાં હતાં. ઘણા વખતથી વહુ ઉમાબહેન અને તેની દીકરીને મેણાંટોણાં મારીને પરેશાન કરે છે. પોતાનો કંઈ વાંક ન હોવા છતાં વહુનો ત્રાસ સહન કરતાં ઉમાબહેન વિચારે છે, 

‘કરવું તો શું કરવું?’ તેમનાથી ખોટા આક્ષેપ સહન થતા નથી છતાં તે ચૂપ રહે છે.
 
તમે શું કહો- સૂચવો: ઉમાબહેને શું કરવું જોઈએ?