Thu Jul 09 2026

Logo

મેલ મેટર્સઃ ધ બર્નઆઉટ પેરાડોક્સ: સફળતાની આંધળી દોટમાં હોમાતું પુરુષનું અસ્તિત્વ

2026-07-09 10:18:00
Author: Ankit Desai
Article Image

અંકિત દેસાઈ


આધુનિક સભ્યતાએ પુરુષને એક અદ્ભુત ભ્રમમાં જીવતા શીખવી દીધું છે: ‘તમે જેટલા વધુ વ્યસ્ત છો એટલા જ વધુ સફળ છો.’ સવારના સાત વાગ્યાથી શરૂ થતો અને મોડી રાત સુધી લૅપટૉપની બ્લુ સ્ક્રીન સામે પૂરો થતો દિવસ આજે પ્રતિષ્ઠાનું પ્રતીક બની ગયો છે.

 
ઑફિસના અતિશય કામના કલાકો, વીકએન્ડમાં પણ સતત રણકતા ઑફિશિયલ મેસેજ અને રજાના દિવસે પણ ક્લાયન્ટના ઈમેલનો ત્વરિત જવાબ આપવો એ જાણે આજના પુરુષ માટે ‘મેડલ ઑફ ઓનર’ છે, પરંતુ આ અવિરત દોડની પાછળ એક ભયાનક સત્ય છુપાયેલું છે, જેને મનોવિજ્ઞાનની ભાષામાં ‘બર્નઆઉટ પેરાડોક્સ’ કહેવામાં આવે છે. 


આ એક એવો વિરોધાભાસ છે જ્યાં પુરુષ પોતાની જિંદગીને સિક્યૉર અને સમૃદ્ધ બનાવવા માટે લોહી-પાણી એક કરે છે, પણ અંતે એ જ સમૃદ્ધિ ભોગવવા માટે તેનું શરીર અને મન સાબુત બચતા નથી. સફળતાની આ કિંમત શું ખરેખર ચૂકવવા જેવી છે? આ સવાલ આજે દરેક વર્કહૉલિક પુરુષે ખુદને પૂછવાની જરૂર છે.


ઐતિહાસિક અને સામાજિક દૃષ્ટિએ જોઈએ તો પુરુષના ખભા પર હંમેશાંથી ‘પ્રોવાઈડર’એટલે કે ઘરનું ભરણપોષણ કરનાર હોવાનો એક અદૃશ્ય બોજ રહ્યો છે. બાળપણથી જ છોકરાઓને શીખવવામાં આવે છે કે તમારી કિંમત તમારી કમાણી અને તમારા સ્ટેટસ પરથી નક્કી થશે. આ માનસિકતા કૉર્પોરેટ કલ્ચરમાં આવીને એક રાક્ષસી સ્વરૂપ ધારણ કરે છે. પરિણામે પુરુષ પોતાની જાતને સાબિત કરવા માટે ‘વર્કહોલિઝમ’ એટલે કે કામના નશા તરફ વળે છે. શરૂઆતમાં આ નશો બહુ રોમાંચક લાગે છે. 


પ્રમોશન, હાયર સેલેરી, સોસાયટીમાં માન-પાન અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ... આ બધું જ મહેનતનું યોગ્ય પરિણામ લાગે છે. જોકે પાછળથી ધીમે-ધીમે આ કામ વળગણ બની જાય છે. પુરુષને એવું લાગવા માંડે છે કે જો તે થોડી વાર માટે પણ આ દોડમાંથી ઊભો રહેશે  તો તે પાછળ રહી જશે. આ FOMO એટલે  કે ‘ફિયર ઑફ મિસિંગ આઉટ’તેને સતત થાકેલો હોવા છતાં દોડવા માટે મજબૂર કરે છે.


આ બધાની સાથે બર્નઆઉટની પ્રક્રિયા બહુ શાંતિથી અને ચુપકેથી શરીરમાં પ્રવેશે છે. તે કોઈ એક દિવસે અચાનક નથી આવતી, પણ રોજબરોજની જિંદગીમાં  આછાં પાતળાં  લક્ષણો સાથે દેખાય છે. સવારે ઊઠતી વખતે જ તીવ્ર થાક લાગવો, પથારીમાંથી ઊભા થવાનું મન ન થવું, નાની નાની વાતોમાં ચીડચીડા થઈ જવું અને જે કામ પહેલાં ગમતું હતું તેમાં સાવ રસ ઊડી જવો એ બર્નઆઉટના પ્રારંભિક સંકેત છે. પુરુષો આ લક્ષણોને કાં તો નજરઅંદાજ કરે છે અથવા તો વધુ પડતી કોફી પીને કે એનર્જી ડ્રિંક્સના સહારે તેને દબાવવાનો પ્રયત્ન કરે છે. 


આપણી સામાજિક રચના એવી છે કે પુરુષ પોતાની નબળાઈ કે થાક સહેલાઈથી સ્વીકારી શકતો નથી. ‘હું થાકી ગયો છું’ અથવા ‘મારાથી આ કામ હવે નહીં થાય’ એવું કહેવું એ નબળાઈની નિશાની માનવામાં આવે છે. આથી અંદરથી તૂટી ગયેલો પુરુષ પણ બહારથી ‘આઈ એમ ઓકે’નું મહોરું પહેરીને ફરે છે. આ ભરાઈ રહેલો ડૂમો અને સતત સ્ટ્રેસ હૉર્મોન્સનું હાઈ લેવલ આખરે હાર્ટ એટેક, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર કે અલ્સર જેવી ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે. આજના સમયમાં 30થી 40 વર્ષની ઉંમરના પુરુષોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ આ બર્નઆઉટ પેરાડોક્સનું જ જીવતું જાગતું પરિણામ છે.


આ વિરોધાભાસની સૌથી મોટી કિંમત સંબંધીઓએ  ચૂકવવી પડે છે. એક પુરુષ પોતાના પરિવારને સારું ભવિષ્ય આપવા માટે દિવસ-રાત એક કરે છે, પણ વિડંબના એ છે કે એ જ પરિવારને તે પોતાની હાજરી આપી શકતો નથી. ઑફિસથી મોડા ઘરે આવ્યા પછી પણ તેનું મગજ ઑફિસના પ્રોજેક્ટ્સમાં જ અટવાયેલું હોય છે. પત્ની સાથે સંવાદના નામે માત્ર ઔપચારિક વાતો થાય છે અને બાળકો માટે પપ્પા એટલે રવિવારે ઘરે આવીને આખો દિવસ ઊંઘતા રહેતું એક પાત્ર બની જાય છે. 


આ ભૌતિક હાજરી હોવા છતાં જે માનસિક ગેરહાજરી છે તે સંબંધોમાં એક ન પૂરી શકાય તેવી ખાઈ ઊભી કરે છે. પુરુષ અંદરથી એવું વિચારીને પીડાય છે કે ‘હું આ બધું આ લોકો માટે જ તો કરું છું, તો પણ કોઈ મને સમજતું નથી.’ જ્યારે પરિવારની ફરિયાદ એ હોય છે કે ‘અમારે તમારા પૈસા કરતાં તમારી વધુ જરૂર છે.’ આ કમ્યુનિકેશન ગૅપ પુરુષને વધુ એકલવાયો અને ચિડચિડો બનાવી દે છે.


બર્નઆઉટ પેરાડોક્સનો બીજો ભયાનક પક્ષ એ છે કે પુરુષ પોતાના જૂના મિત્રો અને શોખથી સાવ કપાઈ જાય છે. જે મિત્રો સાથે ક્યારેક કલાકો સુધી ચાની ટપરી પર બેસીને દુનિયાભરની વાતો થતી હતી, જે ક્રિકેટ રમવાનો કે સંગીત સાંભળવાનો શોખ હતો તે બધું જ ‘ટાઈમ વેસ્ટ’ લાગવા માંડે છે. જિંદગી માત્ર મિકેનિકલ બની જાય છે: ઘરથી ઑફિસ અને ઑફિસથી ઘર. 


મનોવૈજ્ઞાનિકો કહે છે કે પુરુષો માટે ‘મેલ બૉન્ડિંગ’એક અદ્ભુત સ્ટ્રેસ બસ્ટર છે. મિત્રો વચ્ચે પુરુષને કોઈ જજમેન્ટનો ડર નથી હોતો, ત્યાં તે મુક્ત હોઈ શકે છે. પરંતુ કામના ભાર હેઠળ જ્યારે આ મિત્રવર્તુળ છૂટી જાય છે ત્યારે પુરુષ પાસે પોતાના મનની નબળાઈઓ કે ડર વ્યક્ત કરવા માટે કોઈ જગ્યા બચતી નથી. આ એકલતા તેના બર્નઆઉટને વધુ તીવ્ર બનાવે છે.

આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો?

સૌથી પહેલું કદમ છે સફળતાની વ્યાખ્યા બદલવી. સફળતા એટલે માત્ર બેંક બૅલેન્સ કે મોટું ડેઝિગ્નેશન નથી, પણ એક હેલ્ધી બૉડી, શાંત મન અને ખુશહાલ પરિવાર પણ સફળતાનો જ હિસ્સો છે. પુરુષોએ ‘ના’ પાડતાં ંશીખવું પડશે. ઑફિસમાં તમારી ક્ષમતા બહારનું કામ જ્યારે તમારા પર લાદવામાં આવે ત્યારે વ્યાવસાયિક રીતે મર્યાદા નક્કી કરવી જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘વર્ક-લાઇફ બૅલેન્સ’એ માત્ર વાતો કરવા માટેનો વિષય નથી, પણ તેને અમલમાં મૂકવાની કળા છે. 


સાંજે ઑફિસ સબમિટ કર્યા પછી લૅપટૉપ બંધ કરવાની અને ઑફિસના ગ્રુપને મ્યૂટ કરવાની હિંમત કેળવવી પડશે. આ ઉપરાંત, જિંદગીમાં ફરીથી કોઈ શોખને જીવંત કરવો કે અઠવાડિયામાં એક દિવસ મિત્રો માટે અનામત રાખવો એ કોઈ લક્ઝરી નથી, પણ માનસિક સ્વાસ્થ્ય માટેની અનિવાર્યતા છે. જેને આપણે ‘વિંગ્ઝ ડાઉન’ થવું કહીએ છીએ એટલે કે બધી જ જવાબદારીઓ બાજુ પર મૂકીને થોડી ક્ષણો માટે સાવ હળવા થઈ જવું તે ખૂબ જરૂરી છે. મશીનને પણ લાંબો સમય ચલાવવા માટે ઑઇલિંગ અને આરામની જરૂર પડે છે તો આ તો હાડચામનું બનેલું માનવશરીર છે.


આખરે પુરુષોએ એ સ્વીકારવું પડશે કે તે સુપરમેન નથી અને હોવાની જરૂર પણ નથી. થાક લાગવો, હારી જવું કે ક્યારેક અસહાય અનુભવવો એ મનુષ્ય હોવાની નિશાની છે, કમજોરીની નહીં. જિંદગી એક મૅરેથોન છે, સ્પ્રિન્ટ નથી. જો શરૂઆતમાં જ બધી ઊર્જા વાપરી નાખશો તો અંત સુધી પહોંચી નહીં શકાય. આથી દોડવાની સાથે-સાથે રોકાતાં પણ શીખો, શ્વાસ લેતાં શીખો અને જિંદગીને માણતાં શીખો. ક્યાંક એવું ન થાય કે જ્યારે તમે તમારી કારકિર્દીની ટોચ પર પહોંચો ત્યારે તમારી આસપાસ સેલિબ્રેટ કરવા માટે કોઈ સંબંધ જ ન બચ્યો હોય અને એ સેલિબ્રેશન માણવા માટે તમારું પોતાનું સ્વાસ્થ્ય જ સાથ ન આપતું હોય. બર્નઆઉટના આ પેરાડોક્સને ઓળખો અને સમય રહેતાં જિંદગીની લગામ પોતાના હાથમાં લો. મશીન બનવા કરતાં માણસ બનીને જીવવામાં જ સાચી સાર્થકતા છે.