Wed Sep 02 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ ઈબાદતમાં એકાગ્રતા: ધ્યાન ધરો અને મનની શાંતિ મેળવો

2026-06-25 10:05:00
Author: Anwar Valiani
મુખ્બિરે ઈસ્લામઃ ઈબાદતમાં એકાગ્રતા: ધ્યાન ધરો અને મનની શાંતિ મેળવો

અનવર વલિયાણી

માનવી ઈબાદત શા માટે કરે છે? બેશક, અલ્લાહને રાજી કરવા અને મનની શાંતિ માટે, પરંતુ ઈબાદત કરવા છતાં મન અશાંત રહે તો? તો એનો અર્થ એ થયો કે વ્યક્તિની અંદર કંઈક ખૂટે છે અને એ ખૂટતી બાબત બીજી કોઈ નહીં પણ તેની એકાગ્રતા સાધવામાં નિષ્ફળતા છે. મોમીન ગમે તેટલી ઈબાદત કરે પણ તે ઈબાદત જો મન પરોવ્યા વિનાની હશે તો તેનાથી ન તો તેના રૂહને ફાયદો થાય છે કે ન દુન્યવી જિંદગીને. 

મોટાભાગના ઈબાદત ગુજારો એમ કહીને મનને મનાવતા હોય છે કે તેણે તો ઈબાદત-બંદગી અદા કરી છે, પરંતુ જ્યાં સુધી તેમાં એકચિતતા સધાતી નથી ત્યાં સુધી ન તો તેનો આખેરતમાં લાભ મળે છે કે ન તો આ દુનિયામાં. પરિણામે અશાંતિ તેનો પીછો છોડતી નથી અને તે હકીકતને ઝુટલાવી અંધારામાં હવાતિયા મારતો હોય છે.

એકાગ્રતા અને તેમાં ખલેલ પહોંચાડતી બાબતોને શોધવા માનસિક રોગના એક ડૉક્ટરે એક બિલાડી ઉપર કરેલો પ્રયોગ અત્રે નોંધનીય થઈ પડશે. ડૉક્ટરે સૌથી પહેલાં બિલાડીના કાન તથા મગજ વચ્ચેની નસ સાથે એક તારને જોડયો. આ તારના બીજા છેડાને વીજળીના ધબકારા નોંધતા (મલ્ટિ મીટર) સાથે જોડવામાં આવ્યું અને પછી બિલાડીના કાનમાં વાજિંત્રનો અવાજ કરવામાં આવ્યો, જેવો વાજિંત્રનો ઘોંઘાટ ચાલુ થયો કે તરત જ ડાયલમાની સોય એક ઝટકા સાથે આખીને આખી ફરી ગઈ. 

ત્યાર પછી બીજો પ્રયોગ શરૂ થયો. બિલાડીની સામે એક પીંજરું મૂકવામાં આવ્યું, જેમાં જીવતો ઉંદર પૂરવામાં આવ્યો. તરત જ બિલાડી ધ્યાનમગ્ન થઈ, એક ચિત્તે ઉંદરને જોવા લાગી એટલે ફરીથી તેના કાન પાસે વાયર અને મલ્ટિ મીટર ગોઠવી, પહેલાના જેવો જ ઘોંઘાટભર્યો અવાજ ચાલુ કરવામાં આવ્યો, પરંતુ સૌના આશ્ર્ચર્ય વચ્ચે સોય જેમની તેમ જ સ્થિર રહી. બિલાડી ધ્યાનપૂર્વક ઉંદરને નીરખતી હતી અને પેલો ઘોંઘાટ તેના એ ધ્યાનને ભગ્ન કરી શક્યો નહોતો.

એક પશુ જો પોતાની મખ્લુકને જ જોઈને ધ્યાનમગ્ન થઈ શકે છે અને તેના મગજને અશાંત કરતા પરિબળોની કોઈ અસર તેના મગજ ઉપર થવા દેતું નથી ત્યારે સર્વે જીવોમાં શ્રેષ્ઠ જીવ એવા મનુષ્યને અલ્લાહની ઈબાદતમાં એકાગ્રતા સાધવામાં નિષ્ફળતા કેમ મળે છે એ જ સમજાતું નથી?

ઈબાદતમાં મન પરોવાયેલું રહે અને અહીં-તહીંના આડાઅવળા વિચારો ખંખેરવા હોય તો સૌપ્રથમ નિયમ મુજબનું - પરહેઝગારીભર્યું જીવન જીવવાનો આગ્રહ રાખો. તમારી સાથે કોઈએ અન્યાય કર્યો હોય, દગો કર્યો હોય, છેતર્યો હોય તો તેવો જ વ્યવહાર તમે બીજા સાથે કરી ના શકો.

ઈર્ષા, ગીબત, દેખાદેખી જેવી મનને અશાંત કરતી બાબતોને ઝહેનમાંથી કાઢી નાંખો. સૌના સુખે સુખી અને સૌના દુ:ખે દુ:ખીની પરોપકારવૃત્તિ કેળવો. અલ્લાહતઆલાએ તમને બે પૈસે સુખી કર્યા હોય તો તેમાંથી જરૂરતમંદોને સહાય કરો. વૃક્ષ જેવું વૃક્ષ પણ ફળ આવતા નમી જાય છે તો આપણે તો અકલમંદ આદમી છીએ શેખી ન મારતા દુનિયામાં એક મુસાફર થઈને રહીએ. અલ્લાહના રસૂલ હઝરત મુહંમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વસ્સલ્લમ્ અને અંબિયાઓના પવિત્ર જીવન પરથી પ્રેરણા લઈએ. 

ફક્ત મનને મનાવવા માટે જ ઈબાદત ન કરીએ અને એવી ઈબાદતને કે જેમાં આપણું ધ્યાન દુન્યવી બાબતોમાં ભટકતું હોય અને મનને છેતરતા રહી, ઈબાદતની ફરજ પૂર્ણ કર્યાનો સંતોષ ના મેળવો. મગ્ન થઈ એક ધ્યાનથી અદા કરવામાં આવતી ઈબાદત અલ્લાહનો તો રાજીપો મેળવી આપે છે, સાથે મનને-દિલોદિમાગને પણ તરબતર કરી શાંતિ પ્રદાન કરે છે.
* * *
સાપ્તાહિક સંદેશ:
અલીકા હર કદમ રાહે ખુદા માલૂમ હોતા હૈ
અલીકી હર અદા મુશ્કીલકુશા માલૂમ હોતી હૈ