Thu Jul 23 2026

Logo

બીમારી નહીં, ‘આરામ’ દરદીને વધુ નુકસાનકર્તા છે...!

2026-07-23 11:44:00
Author: Neela Sanghvi
Article Image

નીલા સંઘવી

ઘણી વાર કેટલીક ખોટી માન્યતાઓ આપણા મનમાં ઘર કરી ગઈ હોય છે. એ માન્યતા પર ફક્ત આપણે જ નહીં, મોટા ભાગના લોકો વિશ્ર્વાસ કરતા હોય છે, પણ ક્યારેક એ માન્યતા સાચી ન હોય તેવું પણ બને.

મોટેભાગે આપણે વૃદ્ધોને આરામ કરવાનું કહીએ અને એમાંય જો કોઈ વૃદ્ધ બીમાર હોય અને લાંબા સમય સુધી પથારીવશ હોય તો તેમનાં સંતાનો તેમજ સ્વજનો આરામ કરવાનું જ કહેશે. 

આને લઈને આ અમારા વૉટ્સઍપ ‘આવકાર’ ગ્રુપમાં મને એક અનુભવી ડૉક્ટર દ્વારા રજૂ થયેલી વાત વાંચવા મળી. મને એ સાચી પણ લાગી. થયું કે, આ વાત વાચકો સુધી પહોંચાડવી જોઇએ.

 ચોપન વર્ષીય ડો. સોંગ યુઆનમિંગ કહે છે, ‘વૃદ્ધ વ્યક્તિ માટે પથારીમાં પડ્યા રહેવું સરળ હોય છે, પરંતુ ફરી ઊભા થવું અત્યંત મુશ્કેલ હોય છે. ઘણી વાર કોઈ રોગ માણસને મારતો નથી, પરંતુ લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવું તેને મારી નાખે છે...’   

ડૉક્ટર સોંગને સત્તાવીસ વર્ષનો અનુભવ છે અને હજારો દર્દીઓની સારવાર તેમણે કરી છે. તેમણે સારવાર કરેલ એક વૃદ્ધ જેમને આપણે અહીં રમેશભાઈ કહીશું તેમની વાત કહે છે.     

રમેશભાઈને બાથરૂમમાં પડી જવાને કારણે જાંઘના હાડકાનું ફ્રૅક્ચર થયું. સર્જરી કરાવી, જે સફળ રહી. ત્રીજા દિવસથી ડૉક્ટરોએ તેમને વૉકરની મદદથી ચાલવાનું કહ્યું હતું, પરંતુ રમેશભાઈના દીકરાએ ના પાડી. દીકરાએ કહ્યું, ‘પપ્પાની ઉંમર થઈ છે. ચાલવા જતાં  ફરી પડી જશે તો શું થશે? તેથી તેમને આરામ કરા દો.’

ડૉ. સોંગ કહે છે: ’છેલ્લાં સત્તાવીસ વર્ષમાં મેં ‘આરામ કરો’ આ શબ્દ ઓછામાં ઓછા પાંચસો વખત સાંભળ્યા છે અને દરેક વખતે એ સાંભળતાં મારા શરીરે કંપારી ફરી વળી છે, કારણ કે એંશી વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ બે શબ્દો ઘણી વાર મૃત્યુ તરફ દોરી જતા હોય છે...’ 

રમેશભાઈએ તેમના પુત્રની વાત માની લીધી. ચાલવા માટે ઊભા થયા નહીં અને તે પથારીવશ જ રહ્યા. સાતમા દિવસે તેમને સખત તાવ આવ્યો અને સીટીસ્કૅન કરતાં તેમનાં ફેફસાંમાં ન્યુમોનિયા જોવા મળ્યો. અઢારમા દિવસે તેમને આઇસીયુમાં દાખલ કર્યા અને ત્રેવીસ દિવસે તેમનું અવસાન થયું. તેમનું મૃત્યુ ફ્રૅક્ચરને કારણે કે શસ્ત્રક્રિયાની જટિલતાને કારણે નહોતું થયું, તેમનું મૃત્યુ લાંબા સમય સુધી પથારીમાં રહેવાને કારણે થયેલા ન્યુમોનિયાના કારણે થયું હતું. હાડકું તો સારું થઈ ગયું હતું, પરંતુ ફેફસાં પથારીમાં રહેવાને કારણે નિષ્ફળ થઈ ગયાં હતાં.

ડૉ. સોંગ તેમના બીજા એક દર્દી વિશે  વાત કરતા કહે છે, 78 વર્ષીય એક વૃદ્ધ ‘સુરેશભાઈ’ને  પક્ષાઘાત એટલે કે સ્ટ્રોક આવ્યો. તેના દસ દિવસ પછી સ્થિર સ્થિતિમાં આવ્યા હતા. મેં તેમની દીકરીને કહ્યું કે હવે સૌથી મહત્ત્વની બાબત પુનર્વસન છે. મેં તેમને સમજાવ્યું કે દર્દીને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ત્રીસ મિનિટ સુધી બેસાડો, શક્ય હોય તો ઊભા કરો અને થોડું ચલાવો. પુત્રી ખૂબ સેવાભાવી હતી અને ચોવીસ કલાકની સંભાળ માટે એક કૅરટેકર પણ રાખ્યો હતો. 

ભોજન, દવા, સ્નાન, ડાયપર બધું જ યોગ્ય રીતે થતું હતું, પણ એક વસ્તુ નહોતી થતી: દર્દીને ચલાવવામાં જ આવતા ન હતા, કારણ કે પુત્રીને ડર લાગતો હતો કે ચલાવવાથી તેમને દુખશે, થાકી જશે કે પછી પડી જશે. જ્યારે કૅરટેકર સુરેશભાઈને બેસાડવાનો પ્રયત્ન કરતો ત્યારે દીકરી કહેતી જબરદસ્તી ન કરો અને તેમને આરામ કરવા દો. ત્રણ મહિના પછી તેમનો બીજો પગ પણ નિષ્ક્રિય થઈ ગયો, જે બીજો સ્ટ્રોક ન હતો, પરંતુ લાંબા સમય સુધી પથારીમાં રહેવાથી સ્નાયુઓનું ઝડપી ક્ષીણ થવું એટલે કે મસલએટ્રોફી થયું હતું. 

લાંબા સમય સુધી પથારીમાં રહેવાથી દર અઠવાડિયે દોઢથી ત્રણ ટકા સ્નાયુ નષ્ટ થાય છે. ત્રણ મહિનામાં લગભગ ચાલીસ ટકા સ્નાયુઓ ઘટી જાય છે. પરિણામ એ આવ્યું કે તે સંપૂર્ણ અશક્ત બની ગયા. હજુ ઊભા રહી શકે એ સ્થિતિમાંથી તે હવે ક્યારેય ઊભા નહીં રહી શકે એવી સ્થિતિમાં મુકાઈ ગયા

અન્ય એક ઘટના વર્ણવતાં ડૉ. સોંગ કહે છે: ‘મનીષભાઈની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી થઈ હતી. તેમનો દીકરો હવે શું કરવાનું છે તે સમજવા માટે આવ્યો. મેં તેને જણાવ્યું કે પ્રથમ દિવસે ઘૂંટણ અને પગની કસરત દર કલાકે વીસ વખત કરાવવી ને બીજા દિવસે પગ ઊંચા કરવાનો વ્યાયામ કરવાનો. ત્રીજા દિવસે વૉકરની મદદથી બે મિનિટ ઊભા રહેવું. પાંચમા દિવસે ચાર વખત દસ પગલાં ચાલવું. આ કસરતોથી તેમને દુખાવો થતો હતો. 

ત્રીજા દિવસે ઊભા રહેતાં તેમને પરસેવો થઈ ગયો હતો અને હોઠ સફેદ પડી ગયા હતા, પણ દીકરાએ તેમને આરામ કરવાનું ન કહ્યું. તેણે માત્ર એટલું જ કહ્યું ‘પપ્પા, માત્ર ત્રીસ સેકન્ડ ઊભા રહો. મેં ટાઇમર લગાવ્યો છે.’ મનીષભાઈએ દાંત ભીંસીને ત્રીસ સેકન્ડ પૂરા કર્યા અને એ જ ત્રીસ સેકન્ડ તેમના જીવનની સૌથી અસરકારક દવા બની ગયા. ચૌદમા દિવસે તે પોતાના પગે ચાલીને વૉર્ડની બહાર આવ્યા. ધીમે ધીમે પણ તે પોતાના પગે ચાલી શક્યા અને પછી સંપૂર્ણ સાજા થઈ ગયા...’ 

ડૉ. સોંગના મતે બે અઠવાડિયાંથી વધારે પથારીમાં રહેવું એટલે સ્નાયુઓનો ઝડપી ક્ષય થવો. પથારી આરામ નહીં, પણ વિનાશની શરૂઆત બની શકે છે. સર્જરી પછીના પ્રથમ બોત્તેર કલાક સુવર્ણ સમય હોય છે. આ સમય દરમિયાન હલનચલન શરૂ થાય છે કે નહીં તેના પર આગળનું જીવન નિર્ભર રહે છે.

ડૉ. સોંગ એક સોનેરી સલાહ આપે છે, ‘દર્દીનું દરેક કામ આપણે જ કરી આપવું એ ખોટો સેવાભાવ છે. સાચી સેવા એટલે દર્દીને ફરી ઊભા કરવાનો પ્રયાસ કરવો. પોતાના પગે ચાલીને શૌચાલય સુધી જવું એ વૃદ્ધો માટે સૌથી વધુ જરૂરી બાબત છે.

અહીં એક વાત નોંધવી જરૂરી છે. દરેક દર્દીની પરસ્થિતિ અલગ હોય છે. સર્જરી, સ્ટ્રોક અથા ગંભીર રોગ પછી હલનચલન શરૂ કરવાનો નિર્ણય હંમેશાં દર્દીની સારવાર કરતા ડૉક્ટરની સલાહ મુજબ જ લેવો જોઈએ.
 
તમે દર્દી હો તો અહીં આ વાંચીને પાછા તમારા ડૉક્ટરને પૂછ્યા વિના ચાલવા ના માંડતા...!