કૌશિક મહેતા
ડિયર હની,
તારો અને મારો સબંધ કેવી રીતે થયો હતો, ખબર છે ને! આપણા બન્ને પરિવારને જાણતાં એક સંબંધીએ વાતચીત કરી હતી. બાદમાં તારા પપ્પા અને મારા થનાર સસરા મને મળવા ઑફિસે આવેલા. બાદમાં અમે તારે ઘેર આવ્યા અને વાત આગળ વધી.તારી મમ્મીએ મારું ઘર જોવાનો આગ્રહ રાખેલો પણ પેલા સંબંધીએ કહ્યું હતું કે કોઈ જરૂર નથી. હું પરિવારને જાણું છું. ચિંતા ના કરો. તમારી દીકરી સુખી થશે.
આખરે સગપણ થયું. જોકે આજના સમયમાં આવું બનવું મુશ્કેલ બનતું જાય છે, કારણ કે હવે છોકરા છોકરીનાં ઠેકાણાં બતાવનારાની સંખ્યા ઘટી ગઈ છે. એનાં કારણ તપાસી લેવાં જેવાં છે. થોડા દાયકાઓ પહેલાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી અને લોકો એક જ વિસ્તાર કે સમાજમાં વર્ષોથી રહેતા હતા.ત્યારે કોઈ પણ છોકરો કે છોકરી સંબંધ માટે આવે ત્યારે પડોશીઓ, દૂરના સંબંધીઓ કે ગામના આગેવાનો દ્વારા સરળતાથી સાચી માહિતી મળી જતી હતી કે પરિવાર કેવો છે અને વ્યક્તિનું ચારિત્ર્ય કેવું છે.
આજે વિભક્ત કુટુંબોનો વ્યાપ વધ્યો છે. લોકો પોતાના કામધંધા અર્થે કે નોકરી માટે પોતાના મૂળ વતનથી દૂર અન્ય શહેરોમાં સ્થાયી થયા છે. આજના એપાર્ટમેન્ટ કે સોસાયટી કલ્ચરમાં પરિસ્થિતિ એવી છે કે બાજુના ફ્લૅટમાં કોણ રહે છે તેની પણ પડોશીઓને ખબર હોતી નથી. એક કારણ એ પણ છે કે આજના સમયમાં યુવાનો અને માતા-પિતા બન્ને વ્યસ્ત જીવનશૈલી જીવે છે. કોઈની પાસે એટલો સમય નથી હોતો કે તે સંબંધ જોડતાં પહેલાં સામેવાળી વ્યક્તિના ભૂતકાળની રૂબરૂ જઈને લાંબી તપાસ કરી શકે. કદાચ આ જ કારણે મૅરેજ બ્યુરો અને મેટ્રિમોનિયલ સાઇટ્સ કે સોશ્યલ મીડિયા ઍપ્સ દ્વારા સબંધો માટે વાતચીત આગળ વધે છે.
એમાં મળતી માહિતી કેટલી સાચી છે તે ચકાસ્યા વિના અંધાધૂંધ વિશ્વાસ કરવો પરિવાર માટે જોખમી બની શકે છે. છેતરપિંડી કરનારાઓ ખોટી ડિગ્રી, મોટો પગાર કે ખોટી જીવનશૈલી દર્શાવીને સરળતાથી લોકોને ફસાવી લે છે. આવા કિસ્સાનું પ્રમાણ વધ્યું છે. પહેલાં કોઈ પણ સબંધી કે સગા કે મિત્ર ઠેકાણું બતાવતાં એ જે તે પરિવારની ગૅરેંટી પણ લેતા. આજે એ શક્ય નથી. કારણ કે ઘણા કિસ્સામાં વિપરીત બને છે.
સંબંધો તૂટે છે. એટલે ઠેકાણું બતાવનારા આંગળી ચીંધી કહી દે છે, તમારી રીતે તપાસ કરી લેજો, પછી આગળ વધજો. આવાં બધાં કારણોસર મા-બાપ માટે પોતનાં સંતાન માટે નવા સંબંધ બાંધવાનું મુશ્કેલ બનતું જાય છે. એટલે જ લગ્ન પહેલાં જાસૂસ પાસે બૅકગ્રાઉન્ડ ચેકનો ટ્રેન્ડ વધતો જાય છે. 10 વર્ષમાં આવા કિસ્સામાં પાંચ ગણો વધારો થયો છે. એક અહેવાલ મુજબ અગાઉ 30 વર્ષ પહેલાં એજન્સી પાસે મહિનામાં 6-7 કેસ આવતા, જે હવે વધી દર મહિને 200થી વધુ થયા છે.
રોજ 50-60 કૉલ્સ આવે છે. માત્ર અરેન્જડ મૅરેજ જ નહીં, પ્રેમ લગ્ન કરનારા પણ લગ્ન પહેલાં એકબીજાની પૃષ્ઠભૂમિ તપાસી રહ્યા છે. આ રીતે થતી તપાસમાં 15થી 20 દિવસ લાગે છે. પ્રી-મૅરેજ બૅકગ્રાઉન્ડ ચેકની ફી સામાન્ય રીતે અલગ-અલગ કેસમાં જુદી-જુદી હોય છે. નાનાં અને મધ્યમ શહેરોમાં 20-25 હજાર રૂપિયા લેવાય છે, જ્યારે મોટાં શહેરોમાં ફી વધીને 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધી પહોંચે છે. જો તપાસ એકથી વધુ શહેરોમાં કે વિદેશમાં કરવાની હોય તો ફી વધી જાય... તપાસમાં જે તે વ્યક્તિના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ, બૅન્ક એકાઉન્ટ સિવાય ફીલ્ડ પર જઈને તપાસ કરવામાં આવે છે.
એ વાત પણ સાચી છે કે આજકાલ છોકરા ને છોકરીના પરિવારો કેટલીક વાતો છુપાવે છે. અને એ ખબર પડે ત્યારે સબંધોમાં કડવાશ ઊભી થાય છે અને ઘણા કિસ્સામાં વાત છેક છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આ જ કારણે વ્યક્તિગત સ્તરે માહિતી મેળવવી અશક્ય બને ત્યારે વ્યાવસાયિક જાસૂસી એજન્સીઓ પાસે લોકો જવા લાગ્યા છે.
એજન્સીઓ વ્યક્તિની નોકરી, આવક, બૅન્ક બૅલૅન્સ, ભૂતકાળનાં લગ્ન, ફોજદારી કેસો (જો કોઈ હોય તો) અને સામાજિક પ્રતિષ્ઠાની ગુપ્ત અને ચોક્કસ માહિતી મેળવી આપે છે. જોકે આ રીતે સંબંધો નક્કી થાય એ જરા વિચિત્ર લાગે છે, કારણ કે સબંધોમાં વિશ્વાસ એ સૌથી મહત્ત્વનું પાસું છે. વિશ્વાસ ના હોય તો સંબંધો ટકતા નથી.
બીજું કે મૅરેજ બ્યુરો કે મેટ્રીમોનિયલ સાઇટ પર સાચી જ માહિતી છે એની ગૅરેંટી કોણ આપે? જાસૂસી એજન્સી પર કેટલો ભરોસો રાખવો? આ બધા પ્રશ્ન તો સામે આવે જ છે. એટલે જ પહેલાંની જે પદ્ધતિ હતી કે જાણીતા લોકો ઠેકાણાની વાત લઈને આવે ત્યારે વિશ્વાસ બેસતો. આ વિશ્વાસ હવે રહ્યો નથી. એટલે લોકો વિકલ્પો શોધે છે. પણ આ વિકલ્પો પર કેટલો વિશ્વાસ રાખવો એ પ્રશ્નનો જવાબ કોણ આપે?
જોકે આજની પેઢી વધુ નિખાલસ છે. એ સબંધોમાં એની રીતે આગળ વધવા માગતા હોય છે. એ એકબીજાને સમય આપે છે. મળે છે, વાતચીત કરે છે અને પછી આખરી નિર્ણય લે છે. આ સારી વાત છે પણ લગ્ન પછી બધું બરાબર જ રહેશે એની ગૅરેંટી તો કોણ આપી શકે?
તારો બન્ની