નીલા સંઘવી
મંદિરે જવું અને દર્શન કરવા, મંદિર બંધાવવાં એ જ માત્ર સેવા નથી. સાચી સેવા તો માનવ સેવા છે. તેથી જ તો આપણે કહીએ છીએ કે ‘જન સેવા એજ પ્રભુ સેવા.’ જે વ્યક્તિ બીમાર હોય તેઓ બહુ પરેશાન હોય છે, સાથે સાથે તેના પરિવારજનો પણ દુ:ખી હોય છે. આવા સમયે જો કોઈનો સાથ સહકાર મળી જાય, કોઈ દવા લાગુ પડી જાય તો કેવો હાશકારો થાય! આજે વાત કરવી છે આવો જ હાશકારો કરાવનાર (સ્વ.) શેઠશ્રી મણિકાન્ત મહેતાની.
95 વર્ષની જૈફ ઉંમરે સ્વસ્થતાથી શ્રીજીશરણ થયેલા મણિકાન્તભાઈ આખી જિંદગી સ્વસ્થ, સમૃદ્ધ, સુખી જીવન જીવ્યા. કાપડનો મોટો વ્યવસાય ધરાવનાર, ત્રણ-ચાર દુકાનના આ માલિક પોતાની યુવાન વયથી જ સાદું જીવન જીવતા હતા. ‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’ એ જ તેમનો જીવન મંત્ર હતો. તે ડૉક્ટર તો ન હતા, પણ આયુર્વેદમાં તેમને બહુ રસ. આયુર્વેદનાં પુસ્તકોનું વાચન તેમનો શોખ.
આયુર્વેદનાં પુસ્તકો વાંચે તેમાં આપેલ પ્રયોગના અખતરા કરે, આપેલ વિધિ પ્રમાણે દવા બનાવે પછી જેને તે તકલીફ હોય તે પ્રમાણે આપે. આમ પણ આ દવાઓની ખાસ આડઅસર હોતી નથી. શરૂઆતમાં પરિવારજનો પર પ્રયોગ કયા પછી તેનું પરિણામ જોઈને પાડોશી, સગાંસંબંધીઓને દવા આપતા. તેમના પરિવારના વૈદરાજ સાથે એમને સારો સંબંધ.
વૈદરાજને ત્યાં અઠવાડિયામાં બે-ત્રણ વાર તો મણિકાન્તભાઈ જાય જ. વૈદરાજ સાથે પોતે અભ્યાસ કરેલ દવા, પ્રયોગ વિશે ચર્ચા કરે. જ્યાં ન સમજાય ત્યાં વૈદરાજની સલાહ લે. મણિકાન્તભાઈ આયુર્વેદ પ્રત્યે પૂર્ણપણે સમર્પિત. એમના ત્રણ પુત્ર ધંધામાં સેટલ થઈ ગયા પછી તો તે પોતાનો સંપૂર્ણ સમય આયુર્વેદને જ આપતા.
આયુર્વેદ ઉપરાંત સમાજના લોકોને શિક્ષણ સહાય, વૈદ્યકીય સહાય પણ કરતા. કોઈના પરિવારમાં કંઈ પ્રૉબ્લેમ હોય તો તે સૉલ્વ કરવામાં પણ મદદ કરતા. તેમના પાડોશીની દીકરી સાસરેથી પાછી આવી. સાસરામાં બહુ તકલીફ હતી. પાડોશીએ મણિકાન્તભાઈની મદદ માગી. મણિકાન્તભાઈએ પૂરતી મદદ કરી, દીકરીને છૂટાછેડા અપાવ્યા અને ત્રાસમાંથી મુક્ત કરી.
આ પરિવાર જીવનભર તેમનો ઋણી બની ગયો. તે પાંડુરંગ શાસ્ત્રીજીના પણ શિષ્ય. બહુ માને ‘દાદા’ને. પોતાની માલિકીની કેટલીક જમીન તેમણે શાસ્ત્રીજીને દાનમાં આપી દીધી હતી. ગીતાનો અભ્યાસ પણ આ વડીલ કરતા અને ગીતાના નિયમો પ્રમાણે જીવન વ્યતીત કરતા હતા. ખાસ કરીને ‘કર્મ કર ફળની આશા ન રાખ’ આ ઉપદેશ તેમને આકર્ષતો હતો.
આયુર્વેદના અભ્યાસ સાથે આયુર્વેદના પ્રયોગો કરતાં કરતાં મણિકાન્ત દાદાને આયુર્વેદમાં સારો એવો સૂઝકો પડવા માંડ્યો. વિવિધ ફાંકી અને આસવ તે બનાવતા. પરિવાર, સગાંસંબંધી, મિત્રો, પાડોશીઓ તેમની વિદ્યાનો લાભ લેતાં હતાં, પણ ધીમે ધીમે માઉથ પબ્લિસિટી દ્વારા બીજા લોકોને પણ આ વાતની ખબર પડી, એટલે અજાણ્યા લોકો પણ આયુર્વેદની દવા લેવા પહોંચી જતા. તે આ સેવા એક પણ પૈસો લીધા વગર કરતા હતા.
ગાંઠનું ગોપીચંદન કરીને પણ જો લોકોની તંદુરસ્તી સુધરતી હોય તો એ માટે કાંઈ પણ કરવા તે તૈયાર રહેતા હતા અને તેમની મહેતન, તેમની નિષ્ઠા રંગ લાવી. તેમની દવાથી લોકોની તકલીફમાં રાહત થવા લાગી. લોકોની લાઇન લાગવા માંડી તેમના ઘરે. હવે કાંઈક વ્યવસ્થા કરવાની આ વૈદ્યરાજ દાદાને જરૂર લાગી. પત્ની સાથે ચર્ચા વિચારણા કરી. પોતાના મોટા ફ્લૅટનો એક રૂમ દવાખાનામાં ફેરવાઈ ગયો.
રૂમ અને પૅસેજ મળીને આવનાર દર્દીઓ માટે પોતાનો નંબર આવે ત્યાં સુધી બેસવાની સરસ વ્યવસ્થા થઈ ગઈ. અઠવાડિયામાં બે વાર લોકો મણિકાન્તદાદાની મુલાકાત લઈ શકતા હતા.. દાદાને પત્ની અને પરિવારનો સંપૂર્ણ સહકાર હતો. જીવ્યા ત્યાં સુધી મણિકાન્તભાઈએ આ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો. એ પોતે પણ આયુર્વેદના નિયમ પાળતા. આયુર્વેદના નિયમો પ્રમાણે જ તે જીવ્યા. એને જ કારણે જીવ્યા ત્યાં સુધી સ્વસ્થ-તંદુરસ્ત રહ્યા. તેમનાં સંતાનોને પણ તે આયુર્વેદના નિયમો પાળવાનું કહેતા. તેમના ઘરમાં વર્ષો સુધી સાકરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
સાકરની જગ્યાએ મધનો ઉપયોગ થતો. આવાં તો કેટલાયે નિયમો તેમના ઘરમાં-પરિવારમાં પાળવામાં આવતા હતા. તેમના પરિવારમાં બહારનું-હોટેલનું ખાવાનું મનાઈ હતી. મણિકાન્તભાઈ માનતા હતા કે બહારનું ખાવું એટલે બીમારીને સામે ચાલીને નિમંત્રણ આપવું. તેમના દર્દીઓને પણ તે કહેતા, ‘મારી દવાથી સાજા થવું હોય તો બહારનું બિલકુલ ખાતા નહીં. બહારનું ખાશો તો સાજા થવાના ચાન્સ ઓછા છે.’
જો ઈશ્ર્વરે તમને આપ્યું હોય તો સમાજ માટે કાંઈ કરી છૂટવું જ જોઈએ એવું આ વડીલશ્રીનું માનવું હતું. સમાજે તમને ખૂબ આપ્યું છે, તમે ખૂબ કમાયા છો તો તે ધન તમારા એકલાનું નથી. એ ધનમાં સમાજનો પણ ભાગ છે એવું દૃઢપણે એ માનતા હતા અને આચરણમાં મૂકતા હતા. મણિકાન્તભાઈની આર્થિક સહાયથી ભણીને આગળ વધેલી વ્યક્તિઓને તે સલાહ આપતા, ‘તમે હવે સક્ષમ છો, સમાજે તમને મદદ કરી છે તો તમે ભૂલતા નહીં, હવે તમે બીજાને મદદ કરીને તમારા જેવા સક્ષમ બનાવજો.’