અનવર વલિયાણી
જીવનમાં જ જેમને જન્નતનું વચન આપવામાં આવ્યું તે સદ્ગુણોના ભંડાર અને વિદ્વતા, શૌર્યતાના સ્વામી અમીરૂલ મોમેનીન હઝરત અલી અલૈયહિસ્સલ્લામનું મુબારક નામ અલી, કુન્નિયત અબુલ હસન અને અબૂ તુરાબ છે. હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલયહે વસલ્લમના કાકા અબૂ તાલિબ આપના વાલિદ (પિતા) છે. આપ કિશોરોમાં સૌથી પ્રથમ ઈમાન લઈ આવ્યા.
આપ હુઝૂરે અનવર અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના પિત્રાઈ ભાઈ હોવા ઉપરાંત ખાતૂને જન્નત હઝરત ફાતમતુઝઝહરા અલૈયહિસ્સલામ સાથે નિકાહ થતાં પયગંબરે ઈસ્લામના દામાદ થવાનું સદ્ભાગ્ય પણ આપ પામ્યા હતા. આજ સુધી આપના સદ્ગુણો, વિદ્વતા અને શૌર્યના ગુણગાન ગવાય છે અને કયામત સુધી ઉદાહરણરૂપ બની રહેશે. અરબ અને અજમમાં આપના બાહુબળની ધાક હતી અને આજે પણ નારએ હયદરી ‘યા અલી’ સાંભળીને ભલભલા વીરોનાએના છક્કા છૂટી જાય છે અને મેદાનમાંથી કદમ ઉખડી જાય છે.
આપ વિલાયતના પણ ધણી છે. કરોડો અવલિયાને આપના દરથી વિલાયત મળી છે અને આપની બોધવાણીએ આ પૃથ્વી પર સત્યનો પ્રકાશ ફેલાવ્યો છે.
આપનો મરતબો બહુ બુલંદ છે. આપ શહીદોના પિતા છે. જાતે પણ શહીદ છે અને હઝરત ઈમામ હુસૈન અને હઝરત ઈમામ હસન એમ બંને શહીદોના પિતા પણ છે. સાદાતે-કિરામ અને ઔલાદે રસૂલ્લાહનો સિલસિલો પરવરદિગારે આલમે આપનાથી જારી ફરમાવ્યો. આપને રસૂલે કરીમ (સ. અ. વ.)મે ફરમાવ્યું હતું કે, આપને અમારી બારગાહમાં એ મરતબો હાસિલ (પ્રાપ્ત) છે જે હઝરત મુસા અલૈયહિસ્સલ્લામની બારગાહમાં હઝરત હારૂન (અ. સ.)ને હાસિલ છે.
હુઝૂર અન્વર (સ. અ. વ.) કેટલાંક સ્થળોએ આપને ‘લવા’ (ઝંડો) અતા ફરમાવ્યો હતો. ખાસ કરીને ખયબરનાં યુદ્ધમાં પયગંબર સાહેબે એવી ખબર આપી હતી કે, હઝરત અલી (અ. સ.)ના હાથે ફતેહ થશે. હઝરત અલી સાહેબે ખયબરનો તોતિંગ દરવાજો ઉખેડીને પોતાની પીઠ ઉપર ઊંચકી લીધો હતો અને મુસલમાનોએ દરવાજા ઉપર ચઢીને કિલ્લાને ફતેહ કરી લીધો હતો. વિજય પછી એ દરવાજો ખસેડવાની કોશિશ કરી તો ચાલીસથી ઓછા માણસો એને ખસેડી શક્યા નહીં.
હઝરત અલી સાહેબને પોતાના નામોમાં સૌથી વધુ વહાલું નામ ‘અબૂ તુરાબ’ પસંદ હતું. એ નામ સાંભળીને આપ ઘણાં ખુશ થતા હતા. એેક દિવસ આપ મસ્જિદની દીવાલ પાસે સૂતા હતા. પવિત્ર પીઠ માટીથી ખરડાઈ ગઈ હતી. પયગંબર સાહેબ તશરીફ લાવ્યા અને પોતાના મુબારક હાથે વાંસા પરની માટી ખંખેરીને ફરમાવ્યું - ‘ઈજલસ અબાતુરાબ’. અર્થ: ‘બેઠા થઈ જાવ હે અબૂ તુરાબ!’ હુઝુરે આ ખિતાબ અતા ફરમાવ્યો, તેથી હઝરત અલી અલૈયહિસ્સલ્લામને એ બહુ પ્રિય હતો.
હઝરત અલી અલૈયહિસ્સલ્લામના પ્રસંગો પુષ્કળ અને વર્ણવ્યા ન વર્ણવી શકાય એટલા છે.’ ‘ગઝવએ-તબૂક’ પ્રસંગે પયગંબર સાહેબે આપને મદીનામાં અહે બૈતની હિફાઝત (રક્ષા) માટે નીમ્યા હતા. આપ મુર્તુઝા અલીએ અરજ કરી કે - ‘યા રસૂલલ્લાહ! આપ મને ઔરતો અને બાળકો પર ખલીફા (સત્તાધીશ) બનાવો છો?’ હુઝૂરે ફરમાવ્યું - ‘શું તમે એ વાત પર રાજી નથી કે, આપને મારા દરબારમાં એ મરતબો હાસિલ થાય, જે હઝરત હારૂનને હઝરત મૂસા અલૈયહિસ્સલ્લાના દરબારમાં પ્રાપ્ત હતો. જોકે મારા પછી નબી આવવાનો નથી.’
તિરમિઝીમાં હઝરત અબૂ સઈદ ખુદરીથી રિવાયત છે. તે ફરમાવે છે અમારી નજીક હઝરત અલીથી દૂરી રાખવી મુનાફિઝની (ઢોંગી - બેઈમાનીની) નિશાની હતી. એ ઉપરથી જ અમે બેઈમાનને ઓળખી લેતા હતા. હાકિમે હઝરત અલીથી રિવાયત કરી છે, ફરમાવે છે - ‘મને રસુલલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમને યમનનો કાઝી બનાવીને મોકલ્યો (કાઝી એટલે ન્યાયકર્તા). મેં અરજ કરી, હુઝૂર! મારી ઉંમર નાની છે. ન્યાયનું કાર્ય હું નથી જાણતો. મારાથી એ કેમ થઈ શકે? રસૂલે કરીમે પોતાનો મુબારક હાથ મારા સીના (છાતી) પર ઠપકારીને દુઆ ફરમાવી, પરવરદિગારની કસમ; (ત્યારબાદ) કોઈપણ બાબતનો ચુકાદો આપવામાં મને જરા પણ શંકા થઈ નહીં.
પયગંબરે ઈસ્લામે મુર્તુઝા અલીના સીના પર દસ્તે મુબારક મૂક્યો અને તે ન્યાયશાસ્ત્રમાં નિપૂણ થઈ ગયા. જેમના હાથના સ્પર્શથી સીનાઓમાં જ્ઞાનના મહાસાગર ઊમટી પડે, તેમના જ્ઞાનનું કોઈ શું વર્ણન કરી શકે છે?
શેરે ખુદા હઝરત અલી અલૈયહિ સલ્લામના હકમાં ઘણી આયતો નાઝિલ થઈ હોઈ, કેટલીક અત્રે રજૂ કરી છે: હુઝૂરે ફરમાવ્યું - ‘અલીને જોવા એ ઈબાદત છે.’ જેણે અલીને ઈજા પહોંચાડી તેણે મને ઈજા પહોંચાડવા બરાબર છે.’ હઝરત અલી અલૈયહિ સલ્લામની શાનમાં જેટલું લખીએ એટલું ઓછું છે. જનાબ ફાઝિલે બરેલ્વીનો આ શે’ર ઈર્શાદ છે.
અસ્લે નસ્લે સફા, વજહે વસ્લે ખુદા
બાબે ફઝલો-વિલાયત પે લાખો સલામ
શેરે શમ્શીરઝન, શાહે ખૈબર શિકન
પરતવે દસ્તે કુદરત પે લાખોં સલામ.
* * *
સ્ત્રી અને પુરુષ: એક ગાડીના બે પૈડાં.
* સ્ત્રી અડધી ઈન્સાનિયત (માણસાઈ) છે.
* પુરુષ ઈન્સાનિયતના એક ભાગનું પ્રતિબિંબ ધરાવે છે તો બીજા ભાગનું પ્રતિબિંબ સ્ત્રી દર્શાવે છે.
* સ્ત્રીને અવગણીને માનવજાતના કાજે જે કોઈપણ યોજના બનશે તે ઊણપયુક્ત અને સંપૂર્ણ હશે.
* સમાજ એવી કોઈ સોસાયટીની કલ્પના કરી શકતો નથી જે કેવળ પુરુષો પર નિર્ભર હોય અને જેમાં સ્ત્રીની આવશ્યકતા ન હોય.
* સ્ત્રી અને પુરુષ એકબીજાના સરખાં મોહતાજ (જરૂરતમંદ) છે.
* ન સ્ત્રી પુરુષથી બેપરવાહ થઈ શકે છે, ન પુરુષ સ્ત્રીથી બેપરવાહ થઈ શકે છે.
* તેમની જરૂરતનું મહત્ત્વ સામાજિક રીતે પણ છે અને જાતીય રીતે પણ છે.
* એક તરફ સામાજિક જિંદગી તેમનાથી માગણી કરે છે કે તેઓ (સ્ત્રી-પુરુષ) કદમથી કદમ અને ખભેખભા મિલાવીને કામ કરે અને વંશવેલાને આગળ વધારે.
બોધ: સ્ત્રી તથા પુરુષ એક ગાડીના બે પૈડાં છે. તેમાંથી એક પણ જો ખરાબ થઈ જાય તો જિંદગીનો કાફલો એક ડગલું પણ આગળ વધી શકતો નથી.
* * *
સાપ્તાહિક સંદેશ:
ત્રણ વસ્તુઓ એવી છે કે જે વ્યક્તિમાં એ હોય તેને ઈમાનની મીઠાશ નસીબ થશે:
1- અલ્લાહ અને તેના રસૂલ (હઝરત મુહંમદ-સલ) તેને બીજી તમામ વસ્તુઓ કરતાં પ્રિય હોય.
2- તેને જે વ્યક્તિથી પ્રેમ હોય અલ્લાહ માટે જ હોય અને
3- કુફ્ર (એક ઈશ્વર સિવાય અન્યત્ર ભટકનારો) તરફ પાછા ફરવું તેને એટલું જ અપ્રિય હોય કે જેટલું અપ્રિય તેને આ વાત છે કે તેને આગમાં નાખી દેવામાં આવે. (બુખારી શરીફ, મુસ્લિમ શરીફ).
- આ હદીસમાં જે ત્રણ બુનિયાદી વાતોનો ઉલ્લેખ નબીએ કરીમ (સલ)એ કર્યો છે, એ પૂર્ણ ઈમાનની ઓળખ છે. ઈમાન (અલ્લાહ જ એકમાત્ર પૂજનિય) હોવાવાળાઓ પર અલ્લાહ અને તેના મહેબૂબનો પ્રેમ સ્પષ્ટ થઈ જાય છે.
- એમ. કાઝી નિઝામી