Thu Jul 23 2026

Logo

ક્લેપ એન્ડ કટ..!:

2026-07-17 08:19:41
Author: Siddhath Chaya
Article Image

સિદ્ધાર્થ છાયા

14 નો ચમત્કાર...

ગોવિંદા કમબેક કરી રહ્યો છે. આમ જુઓ તો એ ન્યૂઝમાંથી તો ક્યાંય ગયો ન હતો, થેન્ક્સ ટુ સુનીતા. જોકે હવે તે ફિલ્મોમાં કમબેક કરી રહ્યો છે. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં ગોવિંદાએ પોતાની આગલી ફિલ્મની જાહેરાત કરી હતી. ગોવિંદાની આ ફિલ્મનું નામ ‘રૂપા’ હશે. આ હીરો નંબર વનના દાવા અનુસાર એની નવી ફિલ્મ આજના યુથને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે. તેનું કહેવું છે કે યુથ આ ફિલ્મને જોઇને ચોક્કસ કનેક્ટ થશે.

કમબેકની જાહેરાત કરતી વખતે ગોવિંદાએ પોતાનો ગુસ્સો પણ જાહેર કર્યો હતો. તેનું કહેવું હતું કે કદાચ એનું નસીબ હતું કે આટલા વર્ષ તેણે એક પણ ફિલ્મ ન કરી, જે જોઇને ઇન્ડસ્ટ્રીનાં અમુક લોકોએ ધારી લીધું હતું કે હવે તે ક્યારેય ફિલ્મોમાં પરત નહીં આવે, પરંતુ તે ચોક્કસ સમયની રાહ જોઈ રહ્યો હતો. ‘રૂપા’માં ગોવિંદા સાથે જોડી જમાવશે એક નવો ચહેરો રાની સ્વરનકર.

ગોવિંદાએ આ પ્રસંગે પોતાનાં ન્યૂમરોલોજી પ્રત્યેની આસ્થા વિશે પણ જણાવ્યું હતું. તે 14 વર્ષનો હતો ત્યારથી 14 નંબરમાં વિશ્વાસ કરે છે. એક સમયે તેણે એક સાથે એક અઠવાડિયામાં 14 ફિલ્મ સાઈન કરી હતી. તેણે 14 વર્ષ સુધી સ્ટારડમનો આનંદ લીધો હતો, તે 14મી લોકસભામાં સંસદ સભ્ય બન્યો હતો. ઓફિશીયલ કમબેક કરતાં પહેલાં તેણે 14 વર્ષની રાહ જોઈ છે...
તો આશા કરીએ કે ગોવિંદાની આ કમબેક ફિલ્મ ‘રૂપા’ 14 શો નહીં પણ 14 વિક બોક્સ ઓફીસ પર ટકી રહે!

કૌન બનેગા ‘AI પતિ’?

‘સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા’ એ ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની નવી સીઝન માટે ગૂગલ જેમિની સાથે ભાગીદારી કરી છે.

આ સહયોગનો હેતુ સ્પર્ધકો અને દર્શકોને વધુ સ્માર્ટ, ઇન્ટરેક્ટિવ અને AI આધારિત અનુભવ આપવાનો છે. એટલે હવે કેબીસી માટે રજીસ્ટ્રેશનથી માંડીને હોટ સીટ પર બેસવા સુધીની અને એ પછીની પણ તમામ પ્રક્રિયા ગૂગલ મહારાજ અને એમનાં જેમિની બહેન દ્વારા કરવામાં આવશે.

જ્યારે તમે કેબીસી માટે સિલેક્ટ થઇ જશો અને પ્રથમ દસ સ્પર્ધકો સુધી પહોંચવા માટે અને પહોંચ્યા બાદ પણ જેમિની બહેનની મદદથી પ્રશ્નોનાં ઉકેલ લાવી શકશો. એટલે એવું નથી હોં, જ્યારે બચ્ચન બાબુ સામે બેસો એ પહેલાં તમારા પ્રશ્નોનું પેપર ઓલરેડી ફૂટીને તમારી પાસે આવી ગયું હશે. વાત એવી છે કે ગૂગલ જેમિની દરેક સ્તરે આવનારાં પ્રશ્નોનાં ઉત્તર શું હોઈ શકે તેની પ્રેક્ટિસ તમને કરાવશે જેથી ખરેખર જવાબ આપતી વખતે તમારો આત્મવિશ્વાસ વધે.

‘સોની’  ટેલિવિઝન અને કેબીસીના આયોજકોનું માનવું છે કે આ પ્રક્રિયા દ્વારા સ્પર્ધકો માટે શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ અને વધુ ઝડપી બનશે. એ શક્યતાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારી સિઝન દરમિયાન કેબીસીમાં બચ્ચન બાબુ સાથે AI  પણ સ્પર્ધક સાથે વાતચીત કરશે અને શોને વધુ રસપ્રદ બનાવશે. આશા કરીએ કે અત્યારે જે ભીતિ મને કે તમને છે કે ક્યાંક AI  આપણી નોકરી તો નહીં ખાઈ જાય? એવી ભીતિ આ ગૂગલના બહેન જેમિની ખુદ બચ્ચન બાબુને જ ન કરાવે... !

‘માતૃભૂમિ’ હજી ભાઈજાનથી દૂર છે

જનની જન્મભૂમિ સ્વર્ગસમી દીસે છે, પણ અત્યારે આ સ્વર્ગ સલમાન ખાનથી જોજનો દૂર છે. ગયા વર્ષે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ વર્ષે એપ્રિલમાં ‘ધ બેટલ ઓફ ગલવાન’ રિલીઝ થશે અને ભાઈજાન છવાઈ જશે. પણ હાય રી કિસ્મત! ગત ડિસેમ્બરમાં ધૂળ ઉડાડતી ‘ધુરંધર’ આવી અને તેણે ભારતીય ઓડિયન્સ પર એવી ભૂરકી છાંટી કે બધે ‘ધુરંધર’ ‘ધુરંધર’ જ થઇ ગયું. આ ફિલ્મનાં અંતે એવી જાહેરાત થઇ કે 19 માર્ચ 2026ના દિવસે આ ફિલ્મનો બીજો ભાગ આવશે.

બસ, આ ઘડીએ ભાઈજાનની માઠી દશા બેસી ગઈ. જે પ્રકારે ‘ધુરંધર’નાં બીજા ભાગે બોક્સ ઓફીસ પર રાજ કર્યું એ જોતાં એપ્રિલની એમની રિલીઝ તારીખ પાછળ ખસેડવાનાં નિર્ણય પર માન થઇ ગયું. પણ આ ઘટના ઘટ્યા પછી એવી શંકા થાય છે કે ફિલ્મ રિલીઝ થશે કે કેમ? કારણકે પહેલાં તો સેન્સર બોર્ડે કહ્યું કે આ ગલવાનવાળું ટાઈટલ બદલો. એટલે એને બદલીને ‘માતૃભૂમિ’ કરી નાખવામાં આવ્યું. પછી આ જ વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થશે એવી જાહેરાત થઇ. એનું ટીઝર પણ રિલીઝ થયું. પણ લોકોને એમાં મજા ન આવી. ઊલટું એનાં મીમ્સ બની ગયાં.

હજી આ ઓછું હોય તેમ કેન્દ્ર સરકારનાં અમુક મંત્રાલયોએ અમુક વાંધા ઉઠાવ્યા. ચીનનું નામ ફિલ્મમાંથી હટાવી લેવાનો આદેશ થયો. તો સંરક્ષણ મંત્રાલયે ક્લિયરન્સ આપવામાં વાર કરી. એટલે હવે બધું ભેગું કરીને એવું નક્કી થયું છે કે જો છેલ્લું ક્લિયરન્સ જે-તે ખાતાનું બાકી છે એ આ મહીને આવી પણ જાય તો પણ ‘માતૃભૂમિ’ 2026માં તો રિલીઝ નહીં જ થાય.

કેમ? કારણકે હવે એક પછી એક એવી ફિલ્મો લાઈનબંધ ઊભી છે કે એમાં ‘માતૃભૂમિ’ ટકી શકે એમ નથી. આથી હવે આવતે વર્ષે આ ફિલ્મ રિલીઝ થશે એવું લગભગ નક્કી થઇ ગયું છે. જો એમ થશે તો આવતે વર્ષે સલમાનની બે ફિલ્મો આવશે, કારણકે ભાઈજાન અત્યારે નયનતારા સાથે એક ટાઈટલ વગરની ફિલ્મનું શૂટ કરી રહ્યા છે.                         

કટ એન્ડ ઓકે...

એમનાં દીકરા સિવાય મારી બીજી કઈ ઓળખ છે ખરી? ફિલ્મોનાં ક્રેડિટ ટાઈટલ્સમાં ‘Dharmendra's son Sunny Deol’ લખાવવા પાછળ સની દેઓલનો ઈમોશનલ ખુલાસો.