કૌશિક મહેતા
ડિયર હની,
અભિનેત્રી દિયા મિર્ઝાએ એક મુલાકાતમાં જે વાત કરી એ સંદર્ભે મને સ્વામી વિવેકાનંદ યાદ આવી ગયા. એમનાં વસ્ત્રો પર ટિપ્પણી થઈ ત્યારે એમણે કહેલું : ‘એક માણસનાં કપડાં તેના વ્યક્તિત્વનું નિર્માણ નથી કરતાં, પરંતુ તેના ચરિત્રના ઘડતરથી જ તે સાચો માણસ બને છે. વસ્ત્રો તો માત્ર શરીરને ઢાંકવાનું સાધન છે, જ્યારે ચરિત્ર એ આત્માનું પ્રતિબિંબ છે...’
વાત સાવ સાચી છે, પણ વાસ્તવિક દુનિયામાં અને પડદાની દુનિયામાં આ વાત કોઈ માનતું નથી. અભિનેત્રી દિયા મિર્ઝાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે એ ખૂબ યુવાન હતી અને બે સુંદરતાના ખિતાબ જીતી ચૂકેલી ત્યારે પણ તેના દેખાવમાં ફેરફાર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેને હોઠ પર ઇન્જેક્શન લેવાની અને સ્તનોનો ઉભાર વધારવાની સલાહ આપવામાં આવી હતી... આવી સલાહ આપનારા લોકો મહિલાઓ નહીં, પરંતુ પરુષો (ડાયરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ) હતા.
દિયાએ ચિંતા વ્યક્ત કરી હતી કે કેવી રીતે ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓને તેમના કુદરતી ફીચર્સ બદલવા માટે મજબૂર કરવામાં આવે છે. તેણે આને એક ‘જાળ’ ગણાવી છે, જેમાં મહિલાઓ સહજતાથી ફસાઈ જાય છે અને પોતાની જાતને તે જેવી છે તેવી સ્વીકારી શકતી નથી.
આવું માત્ર દિયા સાથે થયું એમ નથી. બોલિવૂડમાં આવા દાખલાઓનો પાર નથી. પ્રિયંકા ચોપરાએ તેની આત્મકથા ‘અનફિનિશ્ડ’માં લખ્યું છે કે કારકિર્દીની શરૂઆતમાં એક ફિલ્મના નિર્દેશકે તેને શરીરના ચોક્કસ ભાગોમાં સર્જરી કરાવવાની સલાહ આપી હતી. તે સમયે તેને એવો આઘાત લાગ્યો કે તેણે તે ફિલ્મ છોડી દીધી હતી.
શિલ્પા શેટ્ટીએ પણ ઘણીવાર વાત કરી છે કે તેની કારકિર્દીની શરૂઆતમાં તેને તેના ડાર્ક કૉમ્પ્લેક્શન (શયામ વર્ણ) અને કાયાના આકારને લઈને ઘણી નકારાત્મક ટિપ્પણીઓ સાંભળવી પડી હતી. ઝરીન ખાને ઘણીવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેના વજનને કારણે સોશ્યલ મીડિયા પર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેને હંમેશાં તેના લુકને લઈને બૉડી શેમિંગનો શિકાર થવું પડ્યું છે.
અભિનેત્રી વિદ્યા બાલનને પણ તેની કારકિર્દી દરમિયાન તેના વજન અને ડ્રેસિંગ સેન્સને લઈને સતત નિશાન બનાવવામાં આવી છે. તેણે જાહેરમાં વાત કરી છે કે કેવી રીતે લોકો તેને સલાહ આપે છે કે તેણે શું પહેરવું જોઈએ અને તેનું વજન કેટલું હોવું જોઈએ. સોનાક્ષી સિન્હાએ પણ ઘણીવાર સ્વીકાર્યું છે કે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાં તેનું વજન ઘણું વધારે હતું. તેને દેખાવને કારણે ઘણી વાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. તેણે આ દબાણને કારણે જ પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી હતી.
શ્રુતિ હાસને પણ ખૂલીને વાત કરી છે કે તેને હોઠ અને નાક વિશે ઘણી ટિપ્પણીઓ સાંભળવી પડી હતી, જેના કારણે તેણે કૉસ્મેટિક સર્જરીનો સહારો લીધો હતો. તેણે સોશ્યલ મીડિયા પર પણ ટ્રોલર્સને સણસણતો જવાબ આપીને જણાવ્યું હતું કે આ તેનો નિર્ણય છે અને બીજાએ તેના વિશે ટિપ્પણી કરવાની જરૂર નથી.
આ વાત માત્ર બોલીવૂડની જ નથી. સ્ત્રીઓ માટે જ આવા નિયમો છે. સામાન્ય માણસની જિંદગીમાં પણ આવું બનતું રહે છે. કોઈ છોકરા માટે છોકરી જોવાની વાત આવે તો પહેલાં એના લૂકને જ જોવામાં આવે છે. એનો રંગ કેવો છે, એના નાક નકશા કેવા છે એ વાત યોગ્ય હોય ત્યારે વાત આગળ વધે છે.
તને તો ખબર છે કે આ વાત સંબંધ પૂરતી નથી. લગ્ન થયા બાદ જો પત્નીનું શરીર વધી જાય તો પતિની ટીકા સાંભળવી પડે છે. ઘરના સભ્યો પણ મેણાં મારે છે. પુરુષ વિશે આવી ટિપ્પણીઓ ઓછી થાય છે. પુરુષ જરા શ્યામવર્ણો કે ઘઉંવર્ણો હોય તો ચાલી જાય છે, પણ સ્ત્રી માટે લાયકાતનાં ધોરણો બદલાઈ જાય છે. એ જ રીતે લગ્ન બાદ પુરુષનું શરીર વધે તો એને કોઈ ટોકતું નથી.
અહીં મને યાદ આવે છે આપણા વિખ્યાત લેખક તારક મહેતા. એમનાં પત્ની શરીરે સ્થૂળ હતાં. તારકભાઈ એમને પ્રેમથી ‘જાડી’ કહી બોલાવતા હતા. તમે જુઓ કે તારકભાઈની પ્રખ્યાત કૉલમ ‘દુનિયાને ઊંધા ચશ્મા’ આધારિત ટીવી સિરિયલ ચાલે છે અને એમાં અય્યર દંપતીમાં અય્યર વિજ્ઞાની છે અને એનો રંગ કાળો છે અને પત્ની બબીતા ગોરી છે અને એ રીતે હાસ્ય નીપજાવવાનો પ્રયત્ન થાય છે. ડૉક્ટર હાથીનું પાત્ર શરીરે સ્થૂળ છે. હાસ્ય સુધી તો વાત ઠીક છે પણ એ મજાક બને કે ટીકા-નિંદા બની જાય ત્યારે સમસ્યા શરૂ થાય છે.
સવાલ તો એ જ છે કે આપણે વ્યક્તિ છે એવો એને સ્વીકારી કેમ શકતા નથી? સ્વામી વિવેકાનંદની વાત ગાંઠે બાંધવા જેવી છે. જોકે પુરુષ માનસિકતા આડે આવે છે. એ ક્યારે દૂર થશે?
તારો બન્ની