નાગોયાઃ એશિયન ગેમ્સમાં ભારતના પુરુષ ક્રિકેટરોની ટી-20 ટૂર્નામેન્ટ સત્તાવાર રીતે હજી શરૂ પણ નથી થઈ, ત્યાં ભારતની મહિલા ક્રિકેટરો ગોલ્ડ મેડલ જીતીને પરવારી પણ ગઈ અને આ સુવર્ણકાળમાં કૅપ્ટન હરમનપ્રીત કૌરે પત્રકારો સાથેની વાતચીતમાં મહિલાઓની ટી-20 સ્પર્ધા જીત્યાનો આનંદ વ્યક્ત કરવાની સાથે ભારતના અન્ય ઍથ્લીટો અને ખેલાડીઓને સંબોધતા મંગળવારે કહ્યું હતું કે `અમે સુવર્ણ ચંદ્રક જીતવાનો દરવાજો ખોલી આપ્યો છે. આશા છે કે ભારતીયો હજી બીજા ઘણા ગોલ્ડ મેડલ જીતશે. અમે ધાર્યું નહોતું કે આ વખતની એશિયન ગેમ્સમાં ભારત વતી ગોલ્ડ મેડલ જીતનારા અમે હોઈશું.'
ભારત (India)ની મહિલા ટીમે શ્રીલંકાને મંગળવાર સવારની ફાઇનલ (Final)માં 147 રનથી હરાવીને સતત બીજી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. 2022ની હાન્ગઝોઉ એશિયન ગેમ્સમાં પણ હરમનપ્રીતની કૅપ્ટન્સીમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું.
Repeating a monumental feat 😌🤩#AsianGames Gold Medal successfully defended 🏅#TeamIndia pic.twitter.com/VGl2BX37TQ
— BCCI Women (@BCCIWomen) September 22, 2026
હરમનપ્રીતે પત્રકારોને વધુમાં કહ્યું, `ગોલ્ડ મેડલ જીતવા બદલ અમને બધાને બેહદ ખુશી થઈ રહી છે. ગોલ્ડ મેડલ જીતવો કોઈ પણ ઍથ્લીટ કે ખેલાડીનું સપનું હોય. અમે ગોલ્ડ જીતવાનો દરવાજો ખોલી આપ્યો, આશા છે કે ભારત વધુને વધુ ગોલ્ડ જીતશે. અમે બુધવારે ભારત પાછા જઈશું, પરંતુ અમે અન્ય રમતોની ઇવેન્ટને જરૂર ફૉલો કરીશું. અમે જાપાનમાં એક જ લક્ષ્ય સાથે આવ્યા હતા કે અમારે ગોલ્ડ મેડલ જીતવો જ છે. આ રમતોત્સવમાં અમે ભારતનો રાષ્ટ્રધ્વજ ઊંચે ફરકતો જોવા માગતા હતા.'
કૅપ્ટને એવું પણ જણાવ્યું હતું કે `અમને ટૂર્નામેન્ટની અગાઉ જાણવા મળ્યું હતું કે જાપાનમાં સુવિધાઓ ઠીક નથી, પરંતુ અમે ખુલ્લા મન સાથે આવ્યા હતા. અમે પહેલા જ દિવસે મેદાનની સુવિધાઓ તેમ જ ખાસ કરીને હાઇબ્રિડ પિચ જોઈ હતી અને અમે બધાએ સંતોષ અનુભવ્યો હતો. કોઈને ઈજા ન થઈ એનો અર્થ થયો કે અહીં જાપાનમાં મેદાન સારા હતા. અમે એ પણ જાણતા હતા કે જાપાન ક્રિકેટ માટે ખાસ કંઈ જાણીતું નથી એટલે સુવિધાઓ કદાચ અપૂરતી હોઈ શકે. જોકે અમને એની ખાતરી હતી કે જાપાન જેવો દેશ ખેલાડીઓને કેમેય કરીને પૂરતી અને સારી સુવિધા પૂરી પાડશે જ.'