અમદાવાદ: શહેરના ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોના-ચાંદીના દાગીનાના વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અમદાવાદના માણેકચોક સ્થિત દેવડીની પોળમાં આવેલી 'જય રણછોડ એન્ડ કુ.' નામની આંગડિયા પેઢીના સંચાલકોએ અલગ-અલગ વેપારીઓના સોનાના દાગીનાના પાર્સલો નિર્ધારિત સમય છતાં ગ્રાહકો કે વેપારીઓ સુધી ન પહોંચાડીને મોટું ઠગાઈનું કૌભાંડ આચર્યું છે.
આ સમગ્ર પ્રકરણે સોની વેપારી અને ફરિયાદી મૌલિકભાઈ સોનીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર થઈને કાયદેસરની લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આંગડિયા પેઢીના માણેકચોક તેમજ વડોદરા સ્થિત મુખ્ય કાર્યાલયના સંચાલકોએ વેપારીઓનો લાંબા સમયનો ભરોસો અને વિશ્વાસ કેળવીને અચાનક પોતાની ઓફિસોને તાળા મારી દીધા હતા અને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પેઢીના ભાગીદારો દ્વારા પાર્સલ પરત ન આપી અથવા તો કોઈ સંતોષકારક પ્રત્યુત્તર ન આપીને વેપારીઓ સાથે સ્પષ્ટ રીતે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.
આ કૌભાંડની વિગતવાર વાત કરીએ તો, ફરિયાદી મૌલિકભાઈ સોની તેમજ તેમના અન્ય બે વેપારી મિત્રો—મૈનાક મહાવીરકુમાર જૈન અને ભાવેશભાઈ રાજમલભાઈ ઘાંચીના કુલ મળીને 6 પાર્સલો આ પેઢીમાં ફસાયેલા છે.આ તમામ છ પાર્સલોમાં કુલ 78.520 ગ્રામ વજનના સોનાના તૈયાર દાગીના મોકલવામાં આવ્યા હતા, જેની કુલ બજાર કિંમત રૂપિયા 12,02,374 જેટલી થાય છે. આ દાગીના ગુજરાતના ભરૂચ, કાલોલ, પાદરા અને વડોદરા સહિતના અલગ-અલગ શહેરોમાં આવેલા વેપારીઓને તેમના ઓર્ડર મુજબ પહોંચાડવાના હેતુથી જમા કરાવવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે અગાઉ વેપારીઓ દ્વારા પ્રાથમિક સ્તરે લેખિત અરજીઓ આપવામાં આવી હતી, પરંતુ પેઢીનાસંચાલકો તરફથી કોઈ જ નિકાલ કે રકમ પરત ન મળતા અંતે ખાડિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને નાસી છૂટેલા આરોપીઓની સઘન શોધખોળ ચાલુ છે.