અનવર વલિયાણી
મોમીનોમાં વધતો જતો ખૌફ અને અસલામતીની ભાવના પાછળના કેટલાક કારણો આપણે ગયા અંકમાં વાંચી ગયા. ઈસ્લામ તેની ઉમ્મતને જે માર્ગદર્શન આપે છે તે માત્ર જાણી લેવાથી અર્થ સરવાનો નથી. જ્યાં સુધી હિદાયતો પર ચિંતન-મનન અને એ પછી અમલમાં મુકવામાં ન આવે ત્યાં સુધી બેહાલી પીછો છોડવાની નથી. કાલ્પનિક ભય પર નિયંત્રણ મેળવવામાં આજનો મુસલમાન નિષ્ફળ જઈ રહ્યો છે. ખોટા ભયના રોગનો ભોગ બનેલા શખસો ગભરાટ જેવી બીમારીથી પણ પીડાતા જોવા મળે છે. જતે દિવસે તબિયત લથડતી જાય છે અને માનસિક શાંતિ સાથે શારીરિક તંદુરસ્તી જોખમાય છે.
આવા ભયથી મુક્તિ મેળવવા માટે ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ સહિત અનેક ભાષામાં પુસ્તકો લખાયા છે, જેમાં દર્શાવાયું છે કે હિમ્મતથી ભયનો સામનો કરો. બીજાના ડર ઉપર વિશ્ર્વાસ ન રાખો, તમારા ખૌફને ઉચ્ચ શક્તિમાં ફેરવી નાખો તેમજ ભયનું કારણ શોધવા દિલથી પ્રયત્ન કરો. હા, એક અલ્લાહ અને તેની રહેમત ઉપર એતબાર રાખશો તો યકિનથી આમાંથી મુક્તિ મેળવી શકશો.
હઝરત અલી અલૈયહિસ્સલ્લામના એક કથનનો સાર એવો છે કે સૌથી પહેલા પોતાની જાતને ઓળખો અને જેણે પોતાની જાતને ઓળખી તેણે તેના અલ્લાહને પણ ઓળખ્યો અને એક વખત અલ્લાહ ઓળખાયો તો પછી તેના પ્રત્યે બહેદ મહોબ્બત પેદા થવાની અને જેવી અલ્લાહ અને બંદા વચ્ચે પરસ્પર મહોબ્બત જન્મી એટલે ભય નાબૂદ થવાનો. કારણ એકબીજા તરફ ખેંચતાણ થતી રહેશે ત્યારે એક પ્રકારની રૂહાની શક્તિ ઉત્પન્ન થશે. આવી પરિસ્થિતિમાં કાલ્પનિક ભય સદાને માટે દૂર થશે. તવારીખે ઈસ્લામમાં ભયમુક્ત થવાના આવા અનેક દાખલા મૌજુદ છે.
દીને ઈસ્લામમાં એક લાખ અને ચોવીસ હજાર જેટલા પયગંબરો થઈ ગયા. આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસ્સલ્લમે પરવરદિગારે આલમને એવી દુઆ ગુજારી હતી કે -‘યા અલ્લાહ, મારા ઈલ્મમાં તું વૃદ્ધિ કર અને મને દરેક ચીજોનું ઈલ્મ અતા કર જેથી હું તારી કુદરતના ઊંડાણને સમજુ અને સાથે મારી જાતને ઓળખી ફક્ત તારો જ તથા આખેરતના ખૌફ સિવાય તમામ પ્રકારના દુન્યવી ખૌફથી નજાત મેળવું.’
રસૂલ સલ.ની આ દુઆ પોતાની જાતને અને અલ્લાહને ઓળખવા માટે કયામત સુધી દરેક માનવીને મદદરૂપ થવાની. ઈલ્મ મેળવવા માટેનો એક ઉમદા તરીકો-પદ્ધતિ એ પણ, છે કે ધાર્મિક પુસ્તકો-સાહિત્યનો બને તેટલો અભ્યાસ કરવો. દુન્યવી જંજાળ અને મોહમાયામાંથી મન હટાવી, થોડો સમય આ માટે ફાળવવામાં આવશે તો ચમત્કારિક પરિણામ અનુભવશો. હઝરત અલી અલૈયહિસ્સલ્લામ આ અંગે ફરમાવે છે કે- ‘અય ઈનસાન, તારું શરીર આ દુનિયામાંથી ઉઠી જાય તે પહેલાં તારું દિલ આ જગતમાંથી હટાવી લે તો જન્નતનો શોખ તથા આખેરતનો ખૌફ પેદા થશે અને બાકીના તમામ પ્રકારના ભયથી મુક્તિ મળશે.’
હઝરત આદમ અલૈયહિસલ્લામ ભયમુક્ત થઈ જન્નતમાં રહેતા હતા, પરંતુ સેતાને તેમને લલચાવી જન્નત છોડાવી, કારણ સેતાન ઈબ્લીસે તો ઈલ્મ સાથે ક્યારનો નાતો તોડી નાખ્યો હતો. જ્યારે હઝરત આદમ અલૈયહિસલ્લામનું પૂતળું તૈયાર થયું અને તેમાં રૂહ ફૂંકવાનું બાકી હતું ત્યારે અલ્લાહતઆલાએ સેતાન ઈબ્લીસ સહિત દરેક ફરીસ્તાઓને ફરમાવ્યું હતું કે, હું જ્યારે આમાં રૂહ મૂકું ત્યારે તમે દરેક તેને સજદો (નમન) કરજો ત્યારે પહેલા તો એ ફરીશ્તાઓએ વિરોધ નોંધાવેલ, પણ જ્યારે અલ્લાહતઆલાએ હઝરત આદમ (અ.સ.)ને દરેક ચીજોના નામનું ઈલ્મ આપ્યું અને ફરીશ્તાઓને ફરમાવ્યું, કે કહો, તમે એ જાણો છો? ત્યારે તેઓ બોલ્યા, નહીં.
અમે તો ફક્ત તારા ફરમાબરદાર છીએ અને જે તું જાણે છે, તે અમે નથી જાણતા. અર્થાત્: ફરીશ્તાઓએ હઝરત આદમ અ.સ.ને આપેલા ઈલ્મનો એકરાર કર્યો અને ઈલ્મની ફઝીલત (કૃપા) સ્વીકારી તેને સજદો કર્યો, પરંતુ સેતાન ઈબ્લીસે તો અલ્લાહની અદાલતને ચેલેંજ કરી. પરિણામે તેણે પોતાનું આગલું ઈલ્મ પણ ખોયું અને અકડી બેઠો, કે હઝરત આદમ અસ.થી પોતે અફઝલ, ચઢિયાતો, શ્રેષ્ઠ છે, કારણ તે આગમાંથી બન્યો છે! બસ, તે દિવસથી તે કયામત સુધી મરદુદ અને હડધુત બન્યો છે અને અલ્લાહના બંદાને ઈલ્મથી દૂર ભગાડી પોતાના સાથી બનાવે છે તેમજ ખોટા ખોટા ભય પેદા કરતો રહે છે.
- માટે દુન્યવી જંજાળમાંથી મનને હટાવી લેશો તો સેતાનની બાજી ઊંધી વળી જશે અને આખેરતના ખૌફ સિવાયના તમામ પ્રકારના ભયથી નજાત મળશે.
‘ખુદા સિવાય કોઈ માબુદ (પૂજનીય) નથી. તે બાદશાહ છે, હક્ક ઝાહિર છે. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ અલ્લાહના રસૂલ વાયદાના સાચા અમાનતદાર છે. ‘આ વિર્દ (કલમો) રોજ એકસો વખત પઢનારાની રોજી બહોળી થશે. કબ્રના અઝાબથી બચશે. મરતી વેળા જન્નતમાં જવા માટે સર્વે દરવાજા ખુલી જશે. આ કલમો રોઝ-એ-અનવર સલ. (પયગંબર હઝરત મુહંમદ સલ.ની મઝાર મુબારક)ની જાલી પર લખવામાં આવેલ છે.