કેટલાક લોકો બીજાનો જીવ બચાવવા માટે જન્મ્યા હોય છે.
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
ઝૈનાબના અબુ-અમ્મી ભારે કશ્મકશમાં હતાં. તેઓ એક અલગ જ ઉલઝનમાં હતાં. પોતે પકડાઈ ગયાં એથી વિશેષ એમને ઝૈનાબને કઈ રીતે ખબર પડી... અને ઝૈનાબની અસલિયત શું છે એ બાબતે હતી. જીવ બચાવવો હોય તો અજમલને શોધી કાઢવાનું કહીને ઝૈનાબ બ્લૅકમેઇલ કરે છે... ઝૈનાબની જગ્યાએ બીજું કોઈ હોત તો આટલા સવાલ-જવાબનો એને ચાન્સ પણ ન આપત... સીધી ગોળી મારી દેત, પણ પોતાનું લોહી સામે હતું. મૂંઝવણની ચરમસીમા પર હતી. અજમલનો સ્કેચ બતાવ્યો એ જ એ દિવસે ઝૈનાબે બંનેને સામે બેસાડીને સાફ શબ્દોમાં કહી દીધું હતું.
‘અજમલ કહાં હૈ, ઉસકા ક્યા પ્લાન હૈ? મુઝે બતાઓ વર્ના આપલોગોં કે બચને કી કોઈ ઉમ્મીદ નહીં.’
‘હમે સિર્ફ ઉનકો પનાહ દેના થા... આગે કી કૂછ ખબર નહીં...’ અમ્મીએ કહ્યું.
‘અબ્બુ, અજમલ કો પનાહ દેને કે લિયે આપકો કિસ કા ફોન આયા થા?’ ઝૈનાબે પૂછ્યું. અબ્બુ નીચું જોઈ ગયો.
‘બતાઓગે નહીં તો બચોગે નહીં.’ ઝૈનાબ બોલી.
‘સમંદર ખાન કા ફોન આયા થા,’ અમ્મીએ કહ્યું. અબ્બુએ ગુસ્સામાં એની સામે જોયું.
‘આગે કા પ્લાન ભી બતાયા હોગા,’ ઝૈનાબે કહ્યું.
‘વો નહીં માલૂમ, અલ્લાહ કસમ...’ અબ્બુ બોલ્યો.
‘પતા લગાઓ. ઉસકા પ્લાન ક્યા હૈ,’ ઝૈનાબે કહ્યું.
*******
દેવીપ્રસાદજી ડૉ. જૈનની કૅબિન પર બે ટકોરા મારીને અંદર પ્રવેશ્યા.
‘દેવીપ્રસાદજી, આપ... યહાં...?’ ડૉ. જૈનને આશ્ર્ચર્ય થયું.
‘જયગોપાલા...’ દેવીપ્રસાદજીના કોડવર્ડે ડૉ. જૈનને આંચકો આપ્યો.
‘પોસ્ટમૉર્ટમ રિપોર્ટ લેને કે લિયે આપકો ભેજા હૈ?’ ડૉ. જૈને પૂછ્યું.
‘જી, કોડવર્ડ તો યહી કહેતા હૈ...’ દેવીપ્રસાદ હસી પડ્યા. ‘પહેલે યે બતાઓ, ડૉ. જૈન તુમ કૈસે હો...?’
‘સર, મૈં ઠીક હૂં... લેકિન આપ...’ સ્વભાવિક રીતે ડૉ. જૈનને રિપોર્ટમાં શું છે એની ખબર હતી... તેઓ મૂંઝવણમાં હતા કે રાધાએ પહેલાં રાઘવ સાથે રિપોર્ટ નહીં મોકલવાનું કહ્યું અને હવે રિપોર્ટ લેવા માટે બેજલમેડના એક સુપ્રસિદ્ધ ચિત્રકારને મોકલ્યા. દેવીપ્રસાદજી આમાં કઈ રીતે સંકળાયેલા હશે. ડૉ. જૈનને સહજ વિચાર આવ્યો.
‘હાં, મૈં યહાં પોસ્ટમૉર્ટમ રિપોર્ટ લેને આયા હું... જયગોપાલા’, દેવીપ્રસાદજી બીજીવાર કોડવર્ડ બોલ્યા.
ડૉ. જૈને ઉપરથી મળેલી સૂચના મુજબ રિપોર્ટ સિક્રેટ રાખવાનો હતો. એટલે એમના હોઠ સીવાયેલા હતા. એમણે દેવીપ્રસાદજીના હાથમાં રિપોર્ટ મૂક્યો.
‘ડૉક્ટર, ગોપાલેશ્ર્વર કે દર્શન કરને નહીં આયે... કાફી સાલ હો ગયે,’ દેવીપ્રસાદજીએ કહ્યું.
‘હાં, અબ તો ઝરૂર આના પડેગા...’ થોડીવાર અટકીને બોલ્યા: ‘આપકે પેઇન્ટિંગ્સ ભી દેખને હૈ...’ ડૉ. જૈને કહ્યું.
‘ચલતા હું, જયગોપાલા.’
‘જય ગોપાલા,’ ડૉ. જૈન બોલ્યા. દેવીપ્રસાદજીના ગયા પછી ડૉ. જૈને એક કૉલ લગાડ્યો.
‘ઠીક હૈ... વો ભી હો જાયેગા... ઠીક હૈ...’ કહીને એમણે ફોન મૂક્યો.
*********
દેવીપ્રસાદજી ટૅક્સીમાં બેજલમેડ પાછા ફરી રહ્યા હતા. સૂરજ ક્ષિતિજે નમી રહ્યો હતો. શિયાળાની સાંજ ઝડપથી ઢળવા લાગી હતી. દેવીપ્રસાદજી બગલ થેલામાં સાંચવીને મૂકેલો રિપોર્ટ પર ફરી ફરી હાથ ફેરવી લેતા હતા. એમણે પાછળ ફરીને જોયું કે એક હેલ્મેટ પહેરેલો માણસ બાઇક પર એનો પીછો કરતો હોય એવું લાગ્યું. એમણે બગલ થેલા પર હાથ મૂકી રાખ્યો. ટૅક્સી હાઇ વે પર પહોંચી ત્યારે એમની સહેજ આંખ લાગી ગઈ... અને અચાનક એક પ્રચંડ અવાજ આવ્યો. એમની ટૅક્સી સામેથી આવતી ટ્રક સાથે ટકરાઈ ને ટૅક્સીમાંથી અવાજ આવ્યો: ‘જય ગોપાલા...’
********
રાત પડવાની રાહ જોઈ રહેલી રાધા ગુપ્તાની દુકાન નજીક ઊભી હતી. ગુપ્તા રોજનો હિસાબ લખી રહ્યો હતો. હિસાબ લખ્યા બાદ એણે નાની ડાયરી ખાનામાં મૂકી. ગલ્લામાંથી દિવસભરનો વકરો લઈને બહાર નીકળ્યો. સ્કૂટી સ્ટાર્ટ કરીને ઘર તરફ જવા રવાનો થયો. રાધા સ્કૂટી પર એનો પીછો કરી રહી હતી. થોડે આગળ ગયા પછી એણે હૉર્ન વગાડ્યું. ગુપ્તાએ અરીસામાં જોયું. ‘ગપ્તાજી, એક મિનિટ રુકિયે,’ રાધા બોલી. ગુપ્તાએ સ્કૂટી સાઇડ પર લીધું.
‘ગુપ્તાજી, આપકે સાથે કુછ ઝરૂરી બાત કરની થી...’
‘બોલો.’ ગપ્તા દુકાનમાંથી અગાઉ સામાન ખરીદવા ગયેલી રાધાને ઓળખી ગયો.
‘લેકિન યે બાત હમારે બીચ રહેગી...’ રાધાએ કહ્યું.
‘ઐસી ક્યા બાત હૈ... બતાઓ તો સહી...’
રાધા બોલવા ગઈ ત્યાં એના મોબાઇલની રિંગ વાગી. એણે કૉલ લીધો. હેલો...
‘ક્યા...? કબ...? કહાં...? મૈં પહોંચતી હું.’ રાધાએ મોબાઇલ કટ કરીને ગુપ્તાને કહ્યુ: ‘ફિર બાત કરેંગેં.’ રાધાએ જગદીશને કૉલ લગાડ્યો.
‘હેલો જગદીશ... ઉદયપુર કે લિયે અર્જન્ટ ટૅક્સી બુક કરો.’ રાધાએ ધરમશાળા જઈને જગદીશને સ્કૂટી સોંપ્યું. ટૅક્સી તૈયાર હતી.
‘ક્યા હુઆ...?’ જગદીશ કંઈ સમજી શકતો નહતો.
‘કુછ નહીં... આ કર બતાતી હૂં.’ રાધા નીકળી ગઈ.
******
રાધાની ટૅક્સી અકસ્માતના સ્થળ નજીકથી પસાર થઈ... પણ ત્યાં ઊભી ન રહી... અકસ્માતવાળી ટૅક્સીને હાઇવેની સાઇડમાં ઊભી કરી દેવાઈ હતી. એના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. પોલીસપાર્ટી હજી કારવાઈ કરી રહી હતી. રાધા એક લાંબો નિ:સાસો નાખીને જોતી રહી. એની ટૅક્સી ઉદયપુરની સરકારી હૉસ્પિટલ નજીક ઊભી રહી. રાધા ઝડપભેર ઉપર ગઈ. ડૉ. જૈનની કૅબિન પર ટકોરા માર્યા વિના જ અંદર ધસી ગઈ.
‘આઓ મેરે સાથે...’ ડૉ. જૈન ઊભા થઈ ગયા. બંને જનરલ વૉર્ડમાં ગયાં.
‘જય ગોપાલા...’ દેવીપ્રસાદજીનો અવાજ આવ્યો. રાધા દોડીને એમને વળગી પડી...
‘મામૂલી ચોટ આઇ હૈ. અચ્છા હુઆ... આપકે કહેને સે મૈંને પોલીસ હવાલદાર કો પીછે ભેજા થા.’ બાજુમાં સાદા ડ્રેસમાં ઊભેલો હવાલદાર સ્મિત આપીને જતો રહ્યો.
‘ડૉ. જૈન, મૈં કોઈ રિસ્ક લેના નહીં ચાહતી થી...’ રાધા બોલી.
‘રિપોર્ટ...’ દેવીપ્રસાદજીએ બગલ થેલામાંથી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બતાવતાં કહ્યું.
‘ડૉક્ટર, ક્યાં મૈં દેવીપ્રસાદજીકો લેજા સકતી હૂં.’
‘હાં... સબ ફૉર્માલિટી હો ગઈ હૈ... બસ હમ આપકી રાહ દેખ રહે થે...’
‘થૅન્ક યુ ફોર એવરીથિંગ ડૉક્ટર,’ રાધા બોલી.
રાધા, દેવીપ્રસાદજી અને ડૉ. જૈન લૉબીમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે બે વૉર્ડબૉય સ્ટ્રેચર પર ટૅક્સી ડ્રાઇવરની લાશ લઈને જઈ રહ્યા હતા.
********
ટૅક્સી ફરી એ જ રસ્તા પરથી પસાર થઈ. કચ્ચરઘાણ નીકળી ગયેલી ટૅક્સી રોડની સાઇડમાં પડી હતી. પોલીસ પાર્ટી પ્રોસીજર પતાવીને ત્યાંથી નીકળી ચૂકી હતી.
‘ટૅક્સી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને સ્ટિયરિંગ ઘૂમાવ્યું ન હોત તો તું મારો મૃતદેહ લઈને પાછી જઈ રહી હોત. કેટલાક લોકો બીજાનો જીવ બચાવવા માટે જનમ્યા હોય છે. જેમ કે તું,’ દેવીપ્રસાદજી રાધાની સામે જોતાં બોલ્યા. રાધા પોસ્ટમૉર્ટમ રિપોર્ટ વાંચી રહી હતી.
*********
જગદીશ રાધાના અચાનક ઉદયપુર જવાના કારણનો વિચાર કરતો બેઠો હતો.
રાધા અચાનક ટૅક્સીમાં ઉદયપુર શા માટે ગઈ. એક તબક્કે એણે રાઘવને ફોન કરીને પૂછી જોવાનું વિચાર્યું. દેવીપ્રસાદજી પણ ગામમાં નથી. એટલામાં એના મોબાઇલની રિંગ વાગી.
‘હેલો...’ એ બોલ્યો.
‘જગદીશ, રાધા ફોન નહીં ઉઠા રહી... કહાં હૈ...?’ રાઘવે પૂછ્યું.
‘પતા નહીં...’ જગદીશે કહ્યું. રાધા અર્જન્ટ ઉદયપુર ગઈ છે... એવું કહેવાની ઇચ્છા થઈ, પણ રાધાએ શીખવેલા પાઠ મુજબ મોં બંધ રાખવું હિતાવહ હતું.
‘દેવીપ્રસાદજી ભી બહાર ગયે હૈ. પતા નહીં ક્યા હો રહા હૈ?’ રાઘવે ચિંતા દર્શાવીને ફોન કાપ્યો.
*********
ટૅક્સી દેવીપ્રસાદજીના ઘર પાસે પહોંચી. રાધા કાઈ વિચારમાં ગૂમ હતી. રાધાનું આમ વિચારોમાં ખોવાઈ જવા પાછળનું કારણ પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ હતો જેનો દેવીપ્રસાદજીને ખ્યાલ આવી જ ગયો હતો.
‘રાત બહુ થઈ ગઈ છે... મને ઉતારીને તું ધરમશાળા જતી રહે... હું વાઇફને સંભાળી લઈશ,’ દેવીપ્રસાદજીએ હાથ અને માથા પરની ઈજા બતાવતાં કહ્યું.
‘આજે તમને જો કાંઈ થઈ ગયું હોત તો હું ખરેખર મને માફ ન કરત... પુરોહિતના કેસમાં તો હું મને ક્યારેય માફ નહીં કરુંં,’ રાધા બોલી.
‘રિપોર્ટમાં શું છે મને કહી શકે...?’ બોલીને એમણે ટૅક્સી ડ્રાઇવરને કહ્યુ: ‘બસ, યહાં રોક દો.’ રાધાએ પહેલાં ઊતરીને દેવીપ્રસાદજીને હાથ આપ્યો. ટૅક્સી ડ્રાઇવરને પૈસા આપીને એમને ડેલી સુધી મૂકવા ગઈ.
‘પુરોહિતનું મોત કાતિલ ઝેરથી થયું છે, પણ ખોરાકમાં આપ્યું કે ઇન્જેક્શનથી જેવી કોઇ ડિટેલ નથી...’ રાધા બોલી.
‘મને હતું જ... સરકારી હૉસ્પિટલમાં આવી બેદરકારી શક્ય હતી,’ દેવીપ્રસાદજી બોલ્યા.
‘પુરોહિત શંકરના મંદિરની દાનપેટીમાં ચિઠ્ઠી મૂકવા ગયા હતા. હું ચિઠ્ઠી લેવા ગઈ ત્યારે દાનપેટી જ ગૂમ હતી... મતલબ કે ચિઠ્ઠી વાંચનારે જ ઝેર આપ્યું...’ રાધા બોલી.
‘ચિઠ્ઠીમાં કોઈ એવું રહસ્ય હતું જેને લીધે પુરોહિતે જીવ ગૂમાવ્યો...’ દેવીપ્રસાદજીએ કહ્યું.
‘ઝેર આપ્યું કઈ રીતે...? શું ખવડાવ્યું...? ક્યારે ખવડાવ્યું...? આ બધા પ્રશ્ર્નોના જવાબ કોણ આપી શકે?’ રાધા બોલી.
‘કદાચ પુરોહિતની પત્ની ઇરાવતી. ઘરે પહોંચ્યો પછી શું થયું એ જ કહી શકે...’ દેવીપ્રસાદજીએ કહ્યું.
‘શંકરનું મંદિર, દાનપેટી, ચિઠ્ઠીનું રહસ્ય, ઝેર. દેવીપ્રસાદજી, આ બધી કડીઓ જોડાયેલી છે, જે આપણને કાતિલ સુધી લઈ જશે.’
(ક્રમશ:)