Mon Jul 20 2026

Logo

કચ્છમાં ભૂમાફિયાઓ પર તંત્રનું બુલડોઝર: મુન્દ્રાના ટુંડામાં 3.76 કરોડની સરકારી જમીન મુક્ત કરાઈ

2026-07-19 14:28:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ સરકારી જમીનો પરથી ગેરકાયદે દબાણો હટાવવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત બંદરીય મુન્દ્રા તાલુકાના ટુંડા-કાંડાગરા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧17 દુકાનો અને બે ઓફિસોના ગેરકાયદે કોમર્શિયલ દબાણો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી અંદાજે 2,512 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત બની છે, જેની બજાર કિંમત રૂપિયા 3,76,80,000 આંકવામાં આવી રહી છે. 

મળતી વિગતો મુજબ, ટુંડા ગામની સરકારી ટ્રાવર્સ નંબર 180 પૈકીની કિંમતી જમીન પર વાણિજ્ય હેતુ માટે આડેધડ બાંધકામો ખડકી દેવાયા હતા. આ અંગે કાયદેસરની નોટિસ અને હુકમ બાદ તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. જેમાં આદમ બોટી, સાહીદ આદમ અને સાલેમામદ કુંભારની બે દુકાનો (400 ચો.મી., કિંમત રૂપિયા 60 લાખ), કિશોર મહેશ્વરીની એક દુકાન (100 ચો.મી., કિંમત રૂપિયા 15 લાખ), વિમલ મહેશ્વરીની એક દુકાન (210 ચો.મી., કિંમત 31.50 લાખ રૂપિયા) તેમજ અબ્દુલ ચાકીની એક દુકાન (100 ચો.મી., કિંમત 15 લાખ રૂપિયા ) તોડી પાડવામાં આવી હતી.

આ ઉપરાંત વંકાભાઇ રબારીની બે ઓફિસો (184 ચો.મી., કિંમત 27.60 લાખ રૂપિયા), ઇશાક અબડા અને જાબી અબડાની ચાર દુકાનો (708 ચો.મી., કિંમત 1.06 કરોડ રૂપિયા), કુલદીપસિંહ જાડેજા અને મોહનસિંહ રાઠોડની સાત ગેરકાયેદેસર દુકાનો (700 ચો.મી., કિંમત 01.05 કરોડ રૂપિયા) તેમજ ગુલામહુસેન ચાકીની એક દુકાન (110 ચો.મી., કિંમત 16.50 લાખ રૂપિયા) પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

મુન્દ્રા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, મુંદરા પોલીસ ટીમ, મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને પીજીવીસીએલના સ્ટાફના સંકલન સાથે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તંત્રની આ આકરી કાર્યવાહીથી સ્થાનિક ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(ઉત્સવ વૈદ્ય)