Sun Jul 19 2026

Logo

મહિલા સુરક્ષાના મુદ્દા પર બનેલી 'મારણ'ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ!

2026-07-18 21:10:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી/અમદાવાદ: આજે કેન્દ્ર સરકરે  72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરી છે, જેમાં આર્ટિકલ 370 શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ઉભરી આવી હતી અને કાર્તિક આર્યન, મામૂટી, યામી ગૌતમ, સંજય મિશ્રા, રોપાશ્રી વરકાડી અને સચના નમિદાસને અભિનય સન્માન મળ્યા હતા. આ સાથે જ બેસ્ટ ગુજારતી ફિલ્મનો એવોર્ડ અભિષેક જૈનની ફિલ્મ 'મારણ'ને મળ્યો છે. 

 અભિષેક જૈન નિર્મિત ગુજરાતી ફિલ્મ 'મારણ' વર્ષ 2025માં રિલીઝ થઈ હતી. જેમાં યશ સોની અને દીક્ષા જોશી બંને મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ એક સોશિયલ થ્રિલર છે, જે મનોરંજનના સીમાડાને ઓળંગીને દર્શકોને સમાજના ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ તરફ આંગળી ચીંધે છે. મહિલાઓની સ્થિતિ અને સુરક્ષા,  સામાજિક વાસ્તવિકતા જેવી બાબતો ફિલ્મમાં દર્શાવાય છે. આ ફિલ્મે નેશનલ એવોર્ડની યાદીમાં સ્થાન પામ્યા પહેલા 15મા શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફીચર ફિલ્મ (જ્યુરી)નો એવોર્ડ જીત્યો છે. 

ઉલ્લેખનીય છે કે આજે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ફિલ્મ 'આર્ટિકલ 370' એ સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મલયાલમ ફિલ્મ નિર્માતા જયરાજની અધ્યક્ષતાવાળી જ્યુરીએ 1 જાન્યુઆરી 2024 થી 31 ડિસેમ્બર 2024 વચ્ચે સેન્સર બોર્ડ (CBFC) દ્વારા પ્રમાણિત ફિલ્મો માટે આ એવોર્ડ્સની જાહેરાત કરી હતી. 

આ વર્ષે 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'ભ્રમયુગમ' માટે મમૂટીને બેસ્ટ એક્ટરનો (શ્રેષ્ઠ અભિનેતા) એવોર્ડ મળ્યો છે, જ્યારે 'આર્ટિકલ 370' માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ (શ્રેષ્ઠ અભિનેત્રી) અને 'અમરન' માટે રાજકુમાર પેરિયાસામીને બેસ્ટ ડિરેક્ટરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

અન્ય મહત્વપૂર્ણ કેટેગરીની વાત કરીએ તો, બ્લોકબસ્ટર ફિલ્મ 'કલ્કિ 2898 AD' ને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોવાઈડિંગ હોલસમ એન્ટરટેઈનમેન્ટનો (સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી ફિલ્મ) એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત, રાજકુમાર રાવ સ્ટારર 'શ્રીકાંત' ને બેસ્ટ હિન્દી ફિલ્મ અને ધનુષની 'કેપ્ટન મિલર' ને રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. સહાયક અભિનય ક્ષેત્રે 'ભક્ષક' માટે સંજય મિશ્રાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, જ્યારે 'મિથ્યા' માટે રૂપાશ્રી વરકાડી અને 'મહારાજા' માટે સચના નમિદાસને સંયુક્ત રીતે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.