નવી દિલ્હીઃ ગરમી અને બફારાથી લોકોને ટૂંક સમયમાં જ રાહત મળવાની છે. હવામાન વિભાગે 19 જુલાઈના રોજ નવું અપડેટ જાહેર કર્યું છે, જે મુજબ યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ સહિત 13 રાજ્યોમાં રવિવારના દિવસે જોરદાર વરસાદ થવાની સંભાવના છે. IMDના અપડેટ અનુસાર, બંગાળની ખાડીમાં બની રહેલી નવી સિસ્ટમના કારણે હવે વાદળો ફરી ઘેરાવા લાગ્યા છે અને વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે.
વીતેલા 24 કલાક દરમિયાન યુપી, બિહાર સહિત ઉત્તર-પશ્ચિમના અનેક રાજ્યોમાં સારો વરસાદ થયો છે. દિલ્હી-એનસીઆરમાં પણ આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડી શકે છે, ત્યારે અહીં પણ લોકોને બફારાવાળી ગરમીથી રાહત મળવાની આશા છે. પહાડી રાજ્યોમાં પણ ચોમાસું પાછું ફરી રહ્યું છે. અને અહીં ભારે વરસાદનો દોર ફરી એકવાર શરૂ થઈ ગયો છે.
19 જુલાઈનું હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 જુલાઈ એટલે કે રવિવારથી જ વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે, કારણ કે દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારના 60 થી 70 ટકા ભાગ પર કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે. આવામાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે. આગામી 24 કલાકમાં સાયક્લોનિક સર્ક્યુલેશન (cyclonic circulation) ની સ્થિતિ બની રહી છે. જેના કારણે હવામાનનો મિજાજ હવે બદલાઈ રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડાની સ્થિતિ બની રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા કલાકોમાં હવામાન બદલાવાનું છે.
યુપી-બિહાર સહિત અહીં એલર્ટ
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ-છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી-એનસીઆર, હરિયાણા જેવા રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે. અહીં આગામી થોડા કલાકોમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, ત્યારબાદ જોરદાર વરસાદની સંભાવના પણ છે. ઉત્તર પ્રદેશમાં વીતેલા 24 કલાક દરમિયાન ગોરખપુર, બલિયા, બનારસ, લખનઉ, આઝમગઢ, સોનભદ્ર, વારાણસી, પ્રયાગરાજ, દેવરિયા સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે. આવામાં અહીં આગામી 24 કલાક માટે 75 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ બિહારમાં પણ પટના, ભાગલપુર, છપરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ બની રહી છે. અહીં તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
દિલ્હી-એનસીઆરમાં બદલાશે હવામાન
દિલ્હી-એનસીઆર આ સમયે અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન છે. પરંતુ હવામાન વિભાગની નવી આગાહી મુજબ રવિવારથી દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદની શક્યતાઓ છે. હાલના સમયે અહીંનું તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. આવામાં ગરમી મુશ્કેલીઓ વધારી રહી છે, કારણ કે તાપમાનમાં વધારાને લીધે બફારો વધી રહ્યો છે. જોકે, હવામાન વિભાગનું માનવું છે કે આગામી 24 કલાકમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.