Tue Jan 27 2026

Logo

White Logo

યુએસ ઈમિગ્રેશન એજન્ટોએ માત્ર 5 વર્ષના બાળકની અટકાયત કરી, કમલા હેરિસે રોષ વ્યક્ત કર્યો

Washington DC   4 days ago
Author: Savan Zalariya
Video

ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળ યુએસમાં ગેરકાયદે ઈમિગ્રેશન સામે કડક કાયવાહી કરવામાં આવી રહી છે, જે ખુબજ વિવાદાસ્પદ રહી છે. એવામાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)  એજન્ટોએ મિનેસોટામાં એક 5 વર્ષના બાળકને અટકાયતમાં લેતા હોબાળો મચી ગયો છે. ડેમોક્રેટીક પક્ષના નેતા કમલા હેરિસે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને બાળકના પરિવારને સમર્થન આપ્યું છે.

અહેવાલ મુજબ પાંચ વર્ષનો લિયામ કોનેજો રામોસ પ્રિસ્કુલથી તેના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ICEના એજન્ટોએ તેની અને તેના પિતાની અટકાયત કરી અને ટેક્સાસના એક ડિટેન્શન ફેસિલિટીમાં લઈ ગયા.

શાળાના અધિકારીઓનાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા મિનિયાપોલિસ ઉપનગરમાં ચોથા વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે. પરિવારના વકીલના જણાવ્યા મુજબ બાળકના પિતા ઇક્વાડોરના છે અને તેઓ અસાઇલમ એપ્લીકન્ટ તરીકે યુએસમાં કાયદેસર રહે છે.

કમલા હેરિસે રોષ વ્યક્ત કર્યો છે:
ડેમોક્રેટીક પક્ષના નેતા કમલા હેરિસ બાળક અને તેના પરિવારને સમર્થન જાહેર કર્યું. બાળકની અટકાયત કરવામાં આવી તે સમયની  તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા કમલા હેરિસે લખ્યું, "લિયામ રામોસ હજુ બાળક છે. તેને તેના ઘરે પરિવાર સાથે હોવો જોઈએ, ICE દ્વારા તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેને ટેક્સાસ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં ન આવે. હું રોષે ભરાયેલી છું, અને તમારે પણ રોષે ભરાવું જોઈએ."

 

જે ડી વાન્સે બચાવ કર્યો:
ઉપ રાષ્ટ્રપતિ જે ડી વાન્સે સ્પષ્ટતા કરતા કહ્યું, “બાળકને ફક્ત અટકાયતમાં લેવામાં આવ્યો હતો, ધરપકડ કરવામાં આવી ન હતી. બાળકના પિતા એક ગેરકાયદે વિદેશી છે, અને જ્યારે અધિકારીઓ તેની  ધરપકડ કરવા ગયા હતા, ત્યારે તે ભાગી હયો.. શું અધિકારીઓ પાંચ વર્ષના બાળકને એકલું છોડી દે?  શું યુ.એસ.માં ગેરકાયદે વિદેશીની ધરપકડ ન કરવામાં આવે?”
ICE ના જણાવ્યા અનુસાર ઇક્વાડોરનો ગેરકાયદે ઈમિગ્રન્ટ એડ્રિયન એલેક્ઝાન્ડર, ઇમિગ્રેશન એજન્ટોને જોતા જ બાળકને છોડીને પગપાળા ભાગી ગયો હતો. બાળકની સલામતી માટે એક ICE અધિકારી તેની રહ્યા, જયારે અન્ય અધિકારીઓએ કોનેજો એરિયાસને પકડવા ગયા હતાં.
 

પિતાને પકડવા બાળકનો ઉપયોગ:
પબ્લિક સ્કૂલ્સના શિક્ષકના જણાવ્યા મુજબ ICE એજન્ટોએ બાળકને ડ્રાઇવ વેમાં અટકાયતમાં લીધો હતો. અધિકારીઓએ તેને કહ્યું કે તે ઘરનો દરવાજો ખખડાવે અને ખાતરી કરે કે અન્ય કોઈ અંદર છે કે નહીં, પાંચ વર્ષના બાળકને “ચારા” તરીકે ઉપયોગ કર્યો હતો.