સુરેન્દ્રનગર: જિલ્લાના મુખ્ય માર્ગો પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લીંબડી-રાજકોટ હાઈવે પર મોડી રાત્રિના સમયે વાહનો વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરને કારણે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. છાલિયા તળાવ પાસે બનેલી આ ઘટનામાં એકસાથે ચાર મોટા વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી હતી.
મળતી માહિતી અનુસાર, બોલેરો પિકઅપ, આઈશર, ટ્રક અને ડમ્પર જેવા ભારે વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે તમામ વાહનોને મોટું નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સૌથી પહેલા હાઈવે પર અટવાયેલા ટ્રાફિકને હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કયા વાહનચાલકની બેદરકારી હતી અને અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ અકસ્માતને લઈને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે રાત્રિના સમયે વિઝિબિલિટી ખૂબ જ ઓછી રહે છે. અંધારાના કારણે વાહનચાલકોને સામેથી આવતા વાહનોનો અંદાજ આવતો નથી, જેને કારણે અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે. તંત્ર દ્વારા વહેલી તકે લાઈટોની સુવિધા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.