વોશિંગ્ટન: ગ્રીનલેન્ડ પર અમેરિકાની માલિકી સ્થાપિત કરવાના હેતુંથી ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશો પર આવતા મહિને 10 ટકા અને જૂન સુધીમાં 25 ટકા ટેરિફ ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ડૉનાલ્ડ ટ્રમ્પના આ વલણને લઈને ડેનમાર્ક અને યુરોપિયન યુનિયને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી." ડૉનાલ્ડ ટ્રમ્પની આ મનમાનીના વિરોધમાં યુરોપિયન સંસદે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ રદ્દ કરી હતી. જેને લઈને હવે ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના ટેરિફ વધારવાના નિર્ણય અંગે યુ-ટર્ન લીધો છે.
NATO અમેરિકા સાથે રહેશે
થોડા દિવસો પહેલા જ ગ્રીનલેન્ડને અમેરિકાનો હિસ્સો બનાવવાની વાત કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌને ચોંકાવી દીધા છે. કારણ કે, ડૉનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશો પર લાદવામાં આવનાર પ્રસ્તાવિત આયાત જકાતને અચાનક રદ કરવાની જાહેરાત કરી છે. જોકે, ટ્રમ્પના આ નિર્ણય પાછળ NATO સાથે થયેલો કોઈ ગુપ્ત કરાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ટ્રમ્પના કડક વલણને કારણે NATO જોડાણ તૂટી જવાની ભીતિ સેવાતી હતી. જોકે, NATO ના સેક્રેટરી જનરલ માર્ક રુટે દ્વારા ખાતરી આપવામાં આવી કે કોઈપણ કટોકટીમાં જોડાણ અમેરિકાની સાથે રહેશે. આ નિવેદન બાદ ટ્રમ્પે ટેરિફ રદ કરીને નરમ વલણ અપનાવ્યું છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તેઓ આર્કટિક સુરક્ષા માટેના ભવિષ્યના માળખા પર NATO વડા માર્ક રુટે સાથે સહમત થયા છે. ટ્રમ્પે આ કરારને "કાયમ માટેનો સોદો" (A deal for all time) ગણાવ્યો છે. જોકે આ સોદાની સત્તાવાર વિગતો ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ માનવામાં આવે છે કે ગ્રીનલેન્ડ અને આર્કટિક ક્ષેત્રમાં અમેરિકાના વ્યૂહાત્મક હિતોને સુરક્ષિત રાખવા માટે NATO એ કેટલીક છૂટછાટો આપી છે.
ટ્રમ્પના ધમકીભર્યા નિવેદનોથી ગ્રીનલેન્ડ એલર્ટ
આ રાજકીય ખેંચતાણ વચ્ચે ગ્રીનલેન્ડની સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. નાગરિકોને ઓછામાં ઓછા 5 દિવસ માટે જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા જણાવાયું છે. સરકાર દ્વારા કટોકટી વ્યવસ્થાપન માર્ગદર્શિકા (Emergency Guidelines) જારી કરવામાં આવી છે. સ્થાનિક લોકો ટ્રમ્પના નિવેદનોને ગંભીર ધમકી તરીકે જોઈ રહ્યા છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. ટ્રમ્પનો આ નિર્ણય યુરોપિયન દેશો માટે મોટી રાહત સમાન છે, પરંતુ આર્કટિક ક્ષેત્રમાં અમેરિકાની વધતી દખલગીરી ભવિષ્યમાં નવા વિવાદો સર્જી શકે છે.