- આશુ પટેલ
સુરતમાં 7જુલાઈ, 2026ના દિવસે ભારે વરસાદને કારણે લાખો લોકો તકલીફમાં મુકાઈ ગયા અને સંખ્યાબંધ વેપારીઓને આર્થિક ફટકો પડ્યો. મોબાઈલ ફોનના વેપારી સંદીપ ભંડેરીના ગોડાઉનમાં પાણી ભરાઈ ગયું અને મોબાઈલ ફોન્સ, મોબાઈલ ફોનની એસેસરીઝ,સ્માર્ટ વોચ,સ્માર્ટ બેન્ડ,ઈયર બર્ડ્સ, ઈયર બેન્ડ,રમકડાં અને બાળકો માટેની સાઈકલ સહિતની અનેક વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ. ચાલીસ લાખ રૂપિયાથી વધુ રકમનો માલ પાણીમાં ડૂબી ગયો હતો. ભંડેરી આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા.
એ વાતની ખબર પડી એટલે તેમના સ્કૂલ સમયના બે મિત્ર મનોજ ક્યાડા અને અલ્પેશ માલાણી10લાખ રૂપિયા લઈને તેમની પાસે પહોંચી ગયા. તે બંને 25 વર્ષ અગાઉ ‘નવચેતન’ સ્કૂલમાં સાથે ભણતા હતા ત્યારથી તેમની દોસ્તી થઈ ગઈ હતી. તેમણે કહ્યું, ‘આ પૈસા રાખ, દોસ્ત.’ ભંડેરી ગદ્ગદ્ થઈ ગયા. તેમણે મદદ લેવાની ના પાડી, પણ ક્યાડા અને માલાણીએ કહ્યું, ‘ખરા સમયે અમે દોસ્તને કામ ન આવીએ તો એવી દોસ્તીનો કોઈ અર્થ નથી!’
યુવાન મિત્ર જલ્પેશ કાલેનાના માધ્યમથી આ કિસ્સો જાણવા મળ્યો એટલે મને કુન્દનિકા કાપડિયાએ ‘પરમ સમીપે’માં મિત્રો વિશે લખેલી એક અદભુત પ્રાર્થના યાદ આવી ગઈ. કુન્દનિકાબહેને લખ્યું છે:
હે પરમેશ્વર, તેં અમને ઉત્તમ મિત્રો આપ્યા છે
તે માટે હું તારો આભાર માનું છું.
મિત્રો - જેમના સાથમાં દુ:ખો વહેંચાઈ જાય છે
અને આનંદ બેવડાય છે,
જેમની સમક્ષ અમે જેવા છીએ
તેવા જ પ્રગટ થઈ શકીએ છીએ
અને જેમની પાસે નિખાલસપણે હૃદય ખોલી શકીએ છીએ.
જેઓ અમારી નિર્બળતાની જાણ સાથે અમને સ્વીકારે છે
અને અમારામાં એવી લાગણી પ્રેરે છે
કે તેમને અમારી જરૂર છે.
જેમને મળીને અમે હળવા થઈએ છીએ
અને સમૃદ્ધ પણ થઈએ છીએ.
ગેરસમજ થવાના કે મૈત્રી જોખમાવાના ભય વિના અમે જેમના
વિચારો કે કાર્યોનો વિરોધ કરી શકીએ છીએ
અને એ વિરોધ પાછળનો પ્રેમ જેઓ પારખી શકે છે.
જેઓ લાંબા સમયથી ટકી રહ્યા છે,
બધાં વાવાઝોડામાં સાથી બન્યા છે,
અને ભવિષ્યમાં પણ તેઓ સાથે જ હશે
એવો વિશ્વાસ જેમના માટે રાખી શકાય છે,
જેઓ અમારા માટે ઘસાય છે
અને એ વિશે સભાન હોતા નથી,
આવા મિત્રો તેં અમને આપ્યા છે
તે માટે અમે તારા કૃતજ્ઞ છીએ.
પરમાત્મા, અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે
કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓ પિછાણી શકીએ
અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ.
અમારી ઊણપો,નબળાઈઓ,ભૂલો દૂર કરવાના
અને સાત્ત્વિકતા,સત્યનિષ્ઠા,નિર્ભયતા વધારવાના
પ્રયત્નોમાં અમે એકમેકને સક્રિય સાથ આપીએ.
અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતા
તેમનો માર્ગ દુર્દશાની ખીણમાંથી પસાર થાય ત્યારે
અમે તેમને વિસરીએ નહીં.
ઈશ્વરત્વનો અંશ જેમાં ઝલકે છે તેવા આ
ઉત્તમોત્તમ માનવ સંબંધનું અમને વરદાન આપ,પ્રભુ!
મિત્રતાં વિષેનો આ લેખ લખતી વખતે બે સૈનિક મિત્રોની એક નાનકડી કથા યાદ આવી ગઈ, જે ઘણા સમય પહેલાં વાંચી હતી. બે દેશ વચ્ચે અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું. એ યુદ્ધમાં એક દેશના સૈન્યએ પીછેહઠ કરવી પડી. એ દેશના ઘણા સૈનિકો ઘવાયા એમાં બે ગાઢ સૈનિક મિત્રમાંથી એક પણ ગંભીર ઈજા પામ્યો. તેનો મિત્ર યુદ્ધની છાવણીમાં હતો.
યુદ્ધના સ્થળેથી નાસી છૂટેલા સૈનિકોએ આવીને તેને કહ્યું કે તારો મિત્ર ઘવાયો છે અને તે બચે એવી કોઈ શક્યતા નથી. પોતાનો મિત્ર ઈજા પામ્યો છે એ વાતની ખબર પડી એટલે તે સૈનિક જીવનું જોખમ લઈને ઘવાયેલા દોસ્ત પાસે જવા તૈયાર થયો. સાથી સૈનિકોએ તેને કહ્યું, ‘તારો દોસ્ત અને બીજા સૈનિકો ઘવાઈને કે મૃત્યુ પામીને યુદ્ધના મેદાનમાં પડ્યા છે ત્યાં જવું એ નરી મૂર્ખાઈ જ છે. એ વિસ્તારમાં દુશ્મનોનું પ્રભુત્વ છે અને ત્યાં હજી દુશ્મન સૈન્યની ટુકડી હશે તો તું પણ જીવતો પાછો નહીં આવી શકે અને આમ પણ તું તેને બચાવી તો શકવાનો નથી.’
જો કે તે સૈનિક બધાની સલાહને અવગણીને પોતાના ઘવાયેલા મિત્ર પાસે પહોંચ્યો. એ જગ્યાએ હૃદય વલોવાઈ જાય એવી સ્થિતિ હતી. સૈનિકોના ક્ષતવિક્ષત મૃતદેહો પડ્યાં હતાં અને કેટલાક સૈનિકો તરફડિયાં મારતાં-મારતાં છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તે સૈનિક તેના દોસ્ત સૈનિક પાસે પહોંચ્યો. સદ્ભાગ્યે દુશ્મન સૈનિકો એ જ્ગ્યાએથી બીજી તરફ રવાના થઈ ગયા હતા. જીવનના આખરી શ્વાસ લઈ રહેલા સૈનિકે પોતાના દોસ્તને આવેલો જોયો એ સાથે ભયંકર વેદના વચ્ચે પણ તેના હોઠો પર એક સ્મિત આવ્યું અને તેની આંખોમાં ચમક આવી.
મિત્રએ તે સૈનિક મિત્રનું માથું પોતાના ખોળામાં લીધું. તેની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં અને ઘવાયેલા મિત્રના ચહેરા પર પડ્યા. મૃત્યુ પામી રહેલા મિત્રની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે ત્રૂટક અવાજે કહ્યું, ‘તેં મારા છેલ્લા શ્વાસ સુધી દોસ્તી નિભાવી. મને ભરોસો હતો કે તને મારા વિશે ખબર પડશે એટલે તું ગમે એમ કરીને મારી પાસે આવીશ.’ એટલું બોલીને તે સૈનિક મૃત્યુ પામ્યો.
મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરવા પહોંચી જાય એ સાચો મિત્ર ગણાય. ઘણી વાર આપણે અંગત મિત્રોને મદદ કરી શકીએ એમ ન હોઈએ છતાં આપણે તેની સાથે છીએ એવો સધિયારો પણ કાફી હોય છે.
આજના સમયમાં મોટા ભાગના માણસો મિત્રતા પણ પોતાનો સ્વાર્થ જોઈને કરતાં હોય છે ત્યારે આવા કિસ્સાઓનું નિત્ય પ્રાત:કાળે સ્મરણ કરવું જોઈએ.