Mon May 18 2026

Logo

તીર્થયાત્રાઃ તીર્થનું દૈવત રાત્રે અનુભવાય છે

2026-05-18 10:18:00
Author: Bhandev
Article Image

ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

(18) શક્ય હોય ત્યાં શ્રીવિગ્રહની સામે બેસીને, અન્યથા મંદિરના પ્રાંગણમાં અનુકૂળ સ્થાને બેસીને જે-તે દેવને અનુરૂપ સ્તોત્રપાઠ કરવો જોઈએ. શિવમંદિરમાં શતરુદ્રી કે અષ્ટાધ્યાયી રુદ્રી, વિષ્ણુ કે વિષ્ણુના અવતારોના મંદિરમાં વિષ્ણુસહસ્રનામનો પાઠ, દેવીના મંદિરમાં શ્રીસુક્ત, લઘુસ્તવન કે અન્ય દેવીસ્તોત્ર, હનુમાનજીના મંદિરમાં હનુમાનચાલીસાનો પાઠ કરવો જોઈએ. 

(19) મંદિરમાં એક જ વાર દર્શન કરીએ તેટલું પૂરતું નથી. તીર્થમાં જેટલા દિવસ રોકાઈએ તેટલા દિવસ વારંવાર દર્શન કરવા માટે જવું. એકાદ દિવસ તો બધા સમયની આરતીમાં હાજર રહેવું જોઈએ. તીર્થસ્થાન છોડતી વખતે દેવ પાસે રજા લેવા જવું જોઈએ.

(20) તીર્થમાં નદી હોય તો જેટલા દિવસ રોકાઈએ તેટલા દિવસ નદીમાં નિત્ય સ્નાન કરવું જોઈએ. હરિદ્વાર કે વારાણસીમાં દસ દિવસ રોકાઈએ તો નિત્ય ગંગાસ્નાન કરવું જોઈએ. વારાણસીમાં વિશ્વનાથ ભગવાનને નિત્ય ગંગાજળ અને બિલ્વપક્ષો ચડાવવા જોઈએ અને શતરુદ્રીનો નિત્યપાઠ કરવો જોઈએ.

(21) દરેક તીર્થસ્થાનમાં પેટાતીર્થો પણ હોય છે. આ બધાં પેટાતીર્થોનાં દર્શન ઓછામાં ઓછાં એક વાર તો કરવાં જોઈએ.

(22) તીર્થમાં રાત્રિનિવાસ કરવો જોઈએ. રાત્રે પથારીમાં ઢબુરાઈને સૂઈ ન જવું. કોઈ એકાંત સ્થાન શોધી જપ-ધ્યાન કરવાં. તીર્થનું દૈવત રાત્રે અનુભવાય છે.

(23) યાત્રા દરમિયાન સાધનપરાયણ રહેવું. પૂજાપાઠ કરતાં હોય તેમણે પૂજા, સંધ્યા યાત્રા દરમિયાન નિયમિત રીતે ચાલુ રાખવી જોઈએ. પસંદગીનો સ્તોત્રપાઠ કરીને સૂવાની ટેવ રાખવી. ચાલતી વખતે યથાશક્ય જપ ચાલુ રાખવા.

(24) તીર્થમાં પૂજારી, પુરોહિત, મંદિરના અધિકારી વગેરેને મળી તીર્થોના માહાત્મ્ય, ઈતિહાસ, પૂજાવિધિ આદિ સમજવાનો પ્રયત્ન કરવો.

(25) યાત્રા દરમિયાન જ્યાં-જ્યાં શક્ય હોય ત્યાં સાધુ-સંતોનાં દર્શન કરવાં, તેમની સાથે બેસવું, પ્રશ્ર્નો પૂછવા, સત્સંગ કરવો અને પ્રણામ કરવાં, આ બધું યાત્રાનો ભાગ છે.

(26) જ્યાં-જ્યાં શક્ય હોય ત્યાં શ્રાદ્ધ, તર્પણ, પૂજન આદિ ધાર્મિક વિધિઓ કરવી. આ ક્રિયાઓ મૂલ્યવાન છે. તેમને અંધશ્રદ્ધા કે જુનવાણી ક્રિયાકલાપ માનીને છોડી ન દેવી. લોકો જુનવાણી ગણશે કે એ બીકે સારી બાબતો છોડવી નહીં.

(27) તીર્થયાત્રા માટે નીકળીએ ત્યારે આનંદ-પ્રમોદ માટે નહીં, પણ તપશ્ર્ચર્યા માટે નીકળ્યા છીએ તેમ માનવું અને તેમ આચરવું,.

(28) યાત્રા દરમિયાન તીર્થસ્થાનો સિવાયનાં દર્શનીય સ્થાનોમાં પણ જવું. સૌન્દર્યસ્થાનો, ઐતિહાસિક સ્થળો, આશ્રમો, સંસ્થાઓ આદિ સ્થાનોનાં દર્શનનું પણ મૂલ્ય છે.

સ્નાનવિધિ:

(1) પ્રાર્થના: નદીના આધિદૈવિક રૂપને પ્રણામ કરવા. બંને હાથ જોડી શ્રદ્ધાથી અને નમ્રતાપૂર્વક પોતાના ચિત્તની અને જીવનની શુદ્ધિ માટે તે દેવતાને પ્રાર્થના કરવી.

(2) આચમન: 

આચમનના મંત્રો: 
1. ૐ કેશવાય નમ:
2. ૐ નારાયણાય નમ:
3. ૐ માધવાય નમ:
4. ૐ ગોવિંદાય નમ:

પ્રથમ ત્રણ મંત્રોથી ત્રણ આચમન લેવાં. ચોથા મંત્રથી હાથ ધોઈ નાખવા આ રીતે બે વાર આચમન કરવું.

(3) પ્રોક્ષણ: પ્રોક્ષણના મંત્રો બોલીને જમણા હાથની તર્જની, મધ્યમા તથા અનામિકા પાણીમાં બોળીને તેના વડે નાભિ ઉપર ત્રણ વાર, હૃદય ઉપર ત્રણ વાર અને મસ્તક ઉપર ત્રણ વાર પાણી છાંટવુ. 

પ્રોક્ષણના મંત્રો:

ૐ आपोहिष्ठा मयोभुवः| तान उर्जेदघातन|
महेरणाय चक्षसे ॥१॥
योवः शिवतमो रसः| तस्यभाजयते हनः|
उशतीरिव मातरः ॥२॥
तस्मा अरंग नामवो | यस्य क्षयाय जिन्वथा
आयोजन यथा च नः ॥३॥
ૐ शंनो देवीरभीष्यते आपो भवतुं पीतये
शं योरभिस्रवंतु नः|
ૐ आपो अस्मान्मातरः शुंघयन्तु ॥४॥

(4) સ્નાન: શાંતભાવે પાણીમાં પ્રવેશ કરી ઈષ્ટદેવના સ્મરણપૂર્વક ડૂબકી મારવી અથવા કિનારે બેસી સ્નાન કરવું.
(5) અર્ઘ્ય: ગાયત્રીમંત્રપૂર્વક સૂર્યને અર્ઘ્ય આપવા. સૂર્યોદય પહેલાં ત્રણ અને પછી ચાર અર્ઘ્ય અપાય છે.
(6) તર્પણ: પિતૃઓને યાદ કરી જલ અર્પણ કરવું. પીપળો હોય તો ત્યાં પાણી રેડવું. 

હિમાલય ભારતનું મસ્તક છે અને ઉત્તરાખંડ હિમાલયનું હૃદય છે. હિમાલયના બધા વિભાગોમાં ઉત્તરાખંડ મધ્યમાં છે. કાશ્મીર અને હિમાચલપ્રદેશ ઉત્તરાખંડની પશ્ર્ચિમમાં છે અને નેપાલ તથા પૂર્વાંચલ ઉત્તરાખંડની પૂર્વમાં છે. તિબેટ ઉત્તરાખંડની ઉત્તરે છે. ધર્મ, સંસ્કૃતિ, તીર્થસ્થાનો, નદીઓ અને પહાડોને દૃષ્ટિ સમક્ષ રાખીને વિચારીએ તો પણ ઉત્તરાખંડ હિમાલયનો સૌથી મહત્ત્વપૂર્ણ ખંડ છે.

આમ જોઈએ તો આખો હિમાલય ભારતનો ઉત્તર તરફનો ભાગ છે અને તે અર્થમાં આખો હિમાલય ઉત્તરાખંડ ગણાય, પરંતુ ‘ઉત્તરાખંડ’ શબ્દ આખા હિમાલય માટે નહીં, પણ હિમાલયના એક ખાસ ખંડ માટે વપરાય છે. આ શબ્દપ્રયોગ ઉત્તરાખંડનું ગૌરવ અને મહત્ત્વ સૂચિત કરે છે.

ગઢવાલ અને કુમાઉ સાથે મળીને ઉત્તરાખંડ બને છે. ગઢવાલ માટે પ્રાચીન નામ કેદારખંડ અને કુમાઉં માટે પ્રાચીન નામ કૂર્માંચલ છે. એટલે ઉત્તરાખંડમાં કેદારખંડ અને કૂર્માંચલ ખંડ સમાયેલા છે. પહેલાં ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશનો ઉત્તર તરફનો ભાગ હતો, પરંતુ હવે ‘ઉત્તરાખંડ’ ભારતનું એક સ્વતંત્ર રાજ્ય છે.   (ક્રમશ:)