Thu Sep 03 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદના અહેવાલ અને ક્રૂડતેલના ભાવ પર બજારની વધઘટ અવલંબિત

2026-05-17 18:43:50
Author: Ramesh Gohil
અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદના અહેવાલ અને ક્રૂડતેલના ભાવ પર બજારની વધઘટ અવલંબિત

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનાં ભૂરાજકીય તણાવના અહેવાલો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આંતરપ્રવાહ અને ક્રૂડતેલના ભાવની સપ્તાહ દરમિયાન સ્થાનિક ઈક્વિટી માર્કેટ પર અસર જોવા મળશે. વધુમાં ગત સપ્તાહે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાએ 96ની સપાટી કુદાવી હોવાથી વર્તમાન ડૉલર સામે રૂપિયાની વધઘટની પણ બજાર પર અસર જોવા મળે તેવી શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. 

વર્તમાન સપ્તાહે બજાર વર્તુળોની નજર અમેરિકા અને ઈરાનના વિવાદ ઉપરાંત ફુગાવાની વધઘટ માટે અસરકારક ગણાતા ક્રૂડતેલના ભાવ પર મંડાયેલી રહેશે. આ ઉપરાંત ગત સપ્તાહે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ગબડીને 96ની સપાટી વટાવી ગયો હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાનું વલણ કેવું રહેશે તેની ધારણાઓની પણ બજાર પર અસર રહેશે, એમ રેલિગેર બ્રોકિંગ લિ.ના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું. 

તે જ પ્રમાણે ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એનરિચ મનીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ પણ જણાવ્યું હતું કે અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવ અંગેની રાજદ્વારી વાટાઘાટોના અહેવાલો તથા તેની ક્રૂડતેલના ભાવ પર થતી અસરને ધ્યાનમાં લેતા આ સપ્તાહે પણ બજારમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી શકે છે.

ખાસ કરીને વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના પુરવઠા માટે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ મહત્ત્વનો હોવાથી તે અંગેના અહેવાલો પ્રત્યે બજાર વધુ સંવેદનશીલ છે. મુખ્યત્વે અમેરિકા-ઈરાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ જવાના નિર્દેશો મળતાં ઈક્વિટી, કૉમૉડિટી અને કરન્સી બજારમાં માનસ ખરડાતું જોવા મળી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહના અંતે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધીને 109 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લે-વેચની પણ બજાર પર અસર જોવા મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં સ્વસ્તિક ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન રોકાણકારોનું ધ્યાન અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય અહેવાલો અને ક્રૂડતેલના ભાવ પર કેન્દ્રીત રહેશે. તેમ જ સપ્તાહ દરમિયાન જાહેર થનારા ચીન, અમેરિકા અને ભારતનાં આર્થિક ડેટાઓ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની સપ્તાહ દરમિયાન જાહેર થનારી મિનિટ્સ પર બજાર વર્તુળોની મીટ મંડાયેલી રહેશે. જોકે, સપ્તાહ દરમિયાન આઈઓસી, બીપીસીએલ, ગેઈલ અને એનટીપીસીનાં ગત નાણાકીય વર્ષનાં ચોથા ત્રિમાસિકગાળાનાં પરિણામોની સ્ટોક આધારિત વધઘટ જોવા મળશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 2.7 ટકા અથવા તો 2090.20 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 2.2 ટકાનો અથવા તો 532.65 પૉઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.