Sun May 17 2026

Logo

એપ્રિલમાં જેમ અને જ્વેલરીની નિકાસ 9.07 ટકા ઘટી

2026-05-17 18:47:16
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે ગત એપ્રિલ મહિનામાં દેશની જેમ અને જ્વેલરીની નિકાસ એપ્રિલ, 2025નાં 244.853 કરોડ ડૉલર ( રૂ. 20,952.26 કરોડ) સામે 9.07 ટકા ઘટીને 222.645 કરોડ ડૉલર (રૂ. 20,825.01 કરોડ)ની સપાટીએ રહી હોવાનું જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. ગત એપ્રિલ મહિનામાં નિકાસમાં જોવા મળેલો ઘટાડો મુખ્યત્વે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે છે. આ ભૂરાજકીય વિવાદને કારણે વિશ્વભરના વેપારો પર માઠી અસર થઈ છે. વધુમાં ભારતીય જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટેની મુખ્ય નિકાસ બજાર અમેરિકામાં ટૅરિફની સ્પષ્ટતાના અભાવને કારણે નિકાસ પર અસર થઈ હોવાનું જીજેઈપીસીનાં ચેરમેન કિરીટ ભણસાળીએ જણાવ્યું હતું. 

કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલ મહિનામાં કટ અને પૉલિશ્ડ ડાયમંડની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે 19.65 ટકા ઘટીને 89.091 કરોડ ડૉલર (110.874 કરોડ ડૉલર)ના સ્તરે અને લેબગ્રોન ડાયમંડની નિકાસ 15.53 ટકા ઘટીને 9.328 કરોડ ડૉલર (11.043 કરોડ ડૉલર)ની સપાટીએ તથા રંગીન રત્નોની નિકાસ ગત સાલના સમાનગાળાના 3.043 કરોડ ડૉલર સામે સાધારણ 1.98 ટકા વધીને 3.103 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. આ સિવાય સોનાના આભૂષણોની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે 21.77 ટકાના ઘટાડા સાથે 84.154 કરોડ ડૉલર (107.567 કરોડ ડૉલર)ના સ્તરે રહી હતી. જેમા પ્લેઈન અથવા તો સાદા સોનાના આભૂષણોની કુલ નિકાસ ગત સાલના સમાનગાળાના 64.433 કરોડ ડૉલર સામે 47.06 ટકાના ઘટાડા સાથે 34.108 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, સ્ટડેડ સોનાના આભૂષણોની નિકાસ 16.02 ટકા વધીને 50.046 કરોડ ડૉલર (43.135 કરોડ ડૉલર)ના સ્તરે રહી હતી. 

વધુમાં કાઉન્સિલની માહિતી અનુસાર ગત એપ્રિલ મહિનામાં ચાંદીના આભૂષણોની નિકાસ એપ્રિલ, 2025ના 4.933 કરોડ ડૉલર સામે 444.04 ટકાના વધારા સાથે 26.838 કરોડ ડૉલરની સપાટીએ, પ્લેટિનમના આભૂષણોની નિકાસ 90.29 ટકા વધીને 2.210 કરોડ ડૉલર (1.162 કરોડ ડૉલર તથા અન્ય નિકાસ 27.11 ટકા વધીને 7.920 કરોડ ડૉલર (6.231 કરોડ ડૉલર)ની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.