Sun May 17 2026

Logo

શરદ પવારને એસઓએસ મેસેજ ‘સાહેબ, કંઈક કરો, પાર્ટીમાં રહેવું મુશ્કેલ છે...’

2026-05-17 18:21:58
Author: Vipul Vaidya
Article Image

Ai generated images


અજિત પવાર જૂથના વિધાનસભ્યોની કાકલૂદી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રાજ્યમાં સત્તાધારી મહાયુતિ માટે આગામી દિવસોમાં માઠા સમાચાર આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભાજપ દ્વારા ઓપરેશન લોટસ અને શિવસેના દ્વારા ઓપરેશન ટાઈગરને અત્યારે વિરામ આપવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે સત્તાધારી ગઠબંધનના ત્રીજા મોટા પક્ષ એનસીપીમાંથી મોટાપાયે હિજરત જોવા મળે એવી શક્યતાઓ નિર્માણ થઈ છે. મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મજબૂત સ્તંભ તરીકે ઓળખાતા શરદ પવારને એસઓએસના મેસેજ પાઠવવામાં આવી રહ્યા છે અને જાણવા મળ્યા મુજબ આ સંદેશ મહાયુતિના ઘટકપક્ષ એનસીપીના વિધાનસભ્યો દ્વારા મોકલવામાં આવ્યા છે. 

મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં મોટી ઘટનાઓએ વેગ પકડ્યો છે. અજિત પવારની એનસીપીના વિધાનસભ્યો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. સૂત્રોએ વિશ્ર્વસનીય માહિતી આપી છે કે આ અસ્વસ્થતાને કારણે કેટલાક વિધાનસભ્યોએ ફોન પર એનસીપીના સિનિયર નેતા શરદ પવારનો સંપર્ક કર્યો છે. ‘સાહેબ, વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં પાર્ટીમાં રહેવું મુશ્કેલ બની ગયું છે, હવે તમે કંઈક કરો’, એવી કાકલૂદી આ ફોન પર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આંતરિક અશાંતિ અને ભવિષ્યની રાજકીય અનિશ્ર્ચિતતાને કારણે વિધાનસભ્યો અત્યંત ચિંતિત હોવાનું કહેવાય છે. 

અજિત પવારના મૃત્યુ પછી એનસીપી પક્ષનું નેતૃત્વ સુનેત્રા પવારના હાથમાં સોંપવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ અનેક રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યા છે. એનસીપી દ્વારા 29 એપ્રિલે કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્રમાં પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓને બાકાત રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

આને પગલે એનસીપીમાં શાંતિ નથી. એનસીપીનું નેતૃત્વ સુનેત્રા પવાર પાસે નહીં, પરંતુ તેમના પુત્ર પાર્થ પવાર અને જય પવાર પાસે ગયું હોવાનું કહેવાય છે. આને કારણે જ પટેલ અને તટકરેની પાંખો કાપવામાં આવી રહી હોવાની ચર્ચા શરૂ થઈ છે. એવું કહેવાય છે કે એનસીપીના અજિત પવાર જૂથના વિધાનસભ્યોની બેચેની વધી રહી છે. બીજી તરફ, સૂત્રોએ માહિતી આપી હતી કે આમાંથી કેટલાક શરદ પવારનો સંપર્ક કરી ચૂક્યા છે.
એનસીપીના અજિત પવાર જૂથના વિધાનસભ્યોએ વરિષ્ઠ નેતા શરદ પવારનો સંપર્ક કર્યો છે. 

આ બધી ઘટનાઓ ચાલી રહી હતી, ત્યારે મુંબઈમાં એક મોટી ગુપ્ત રાજકીય બેઠકમાં નાટકીય ઘટના બની. અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે શરદ પવારને મળવા માટે સમય માગ્યો હતો. જોકે, સૂત્રોએ આપેલી માહિતી મુજબ શરદ પવારને ખ્યાલ નહોતો કે આ બેઠક દરમિયાન સુનીલ તટકરે પણ ત્યાં હશે.

સુનીલ તટકરે શરદ પવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા, પરંતુ મીડિયાને આ ગુપ્ત બેઠકની જાણ થઈ ગઈ હતી. મીડિયા પ્રતિનિધિઓને ત્યાં ભીડ જોઈને સુનીલ તટકરે ખૂબ જ નારાજ થયા હતા. મીડિયાની હાજરીથી ઉદ્ભવતા રાજકીય વિવાદને ટાળવા માટે, તટકરે શરદ પવારને એક પણ શબ્દ બોલ્યા વિના સ્થળ છોડી ગયા હતા.

એક તરફ, જ્યારે પાર્ટીમાં રાષ્ટ્રીય કારોબારીને લઈને વિવાદ પહેલાથી જ ચાલી રહ્યો હતો, ત્યારે હવે વિધાનસભ્યોએ સીધી શરદ પવારને હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરી છે, જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે અજિત પવાર જૂથમાં બધું સમુસૂતરું નથી. આ ફોન કોલ્સ અને તટકરેની નાટકીય વાપસી ફરી એકવાર મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેત આપે છે.