Sat Sep 12 2026

Logo

ઈઝરાયલને મોટી સફળતા: 7 ઓક્ટોબરના હુમલાનો મુખ્ય સૂત્રધાર અને હમાસ ચીફ ઠાર

Gaza   2026-05-17 15:53:21
Author: Devayat Khatana
ઈઝરાયલને મોટી સફળતા: 7 ઓક્ટોબરના હુમલાનો મુખ્ય સૂત્રધાર અને હમાસ ચીફ ઠાર

ગાઝા: ગાઝામાં ચાલી રહેલા લાંબા સંઘર્ષ વચ્ચે ઇઝરાયલી સૈન્યને એક મોટી સફળતા મેળવી હતી. ઇઝરાયલી સેનાએ સત્તાવાર જાહેરાત કરી હતી કે ગાઝામાં કરવામાં આવેલા એક ભીષણ હવાઈ હુમલામાં હમાસની સૈન્ય પાંખના વડા ઇઝ અલ-દિન અલ-હદાદને ઠાર કરવામાં આવ્યા છે. અલ-હદાદ 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર થયેલા ભયાનક આતંકી હુમલાના મુખ્ય સૂત્રધાર પૈકીનો એક હતો અને તે જીવિત બચેલા ગણતરીના વરિષ્ઠ કમાન્ડરોમાં સામેલ હતો.

ઇઝરાયલી સેનાના દાવા બાદ સૈન્ય પાંખના વડા અલ-હદાદના પરિવારે પણ મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે પુષ્ટિ કરી હતી કે આ હુમલામાં અલ-હદાદ સહિત અન્ય છ લોકોના મોત થયા છે. શનિવારે ગાઝા સિટીમાં તેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં તેના મૃતદેહને હમાસ અને પેલેસ્ટાઈનના ધ્વજમાં લપેટવામાં આવ્યો હતો.

ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, મોહમ્મદ સિનવારના મોત બાદ અલ-હદાદે આ પદ સંભાળ્યું હતું. તે હમાસની સર્વોચ્ચ કમાન્ડર કાઉન્સિલના સભ્ય હતા. યુદ્ધ દરમિયાન ઇઝરાયેલી હુમલાથી બચવા માટે તેણે પોતાની આસપાસ ઇઝરાયલી બંધકોને 'હ્યુમન શીલ્ડ' તરીકે રાખ્યા હતા. ઇઝરાયલના આર્મી ચીફ ઓફ સ્ટાફે આ ઓપરેશનને ખૂબ મહત્વનું ગણાવ્યું છે અને દેશના દુશ્મનોને શોધીને ખતમ કરવાનો સંકલ્પ દોહરાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2023 ના હમાસના હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 250થી વધુને બંધક બનાવાયા હતા. તેના જવાબમાં ઇઝરાયેલે કરેલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે, જેની પુષ્ટિ ગાઝાના આરોગ્ય મંત્રાલયે કરી હતી. ઓક્ટોબરથી અમલમાં આવેલો યુદ્ધવિરામ અત્યંત ખૂબ જ નાજુક સ્થિતિમાં છે, કારણ કે હમાસના નિઃશસ્ત્રીકરણ જેવા મુખ્ય મુદ્દાઓ પર મડાગાંઠ સર્જાઈ છે.