Sun May 17 2026

Logo

સોના પરની આયાત જકાતમાં વધારો અને ભાવ ઉછળતાં માગમાં શૂન્યાવકાશથી સોનાના ભાવ પરના ડિસ્કાઉન્ટ ઉછળીને આૈંસદીઠ 207 ડૉલર

2026-05-17 18:51:18
Author: Ramesh Gohil
Article Image

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ચીનના પ્રમુખ શિ જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધનો ઉકેલ અથવા તો અંત આવે તેવા આશાવાદે ગત સપ્તાહના આરંભિક તબક્કામાં ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ જોવા મળતાં ફુગાવો દબાણ હેઠળ આવશે અને અમેરિકી ફેડરલ રિઝવ માટે વ્યાજદરમાં કપાતનો અવકાશ સર્જાય તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સોના અને ચાંદીમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું, પરંતુ અપેક્ષાથી વિપરીત આ બન્ને મહાનુભવોની મુલાકાત બહુ ખાસ ફળદાયી રહી ન હતી. ખાસ કરીને બજારની અપેક્ષાનુસાર ઈરાન સાથેનાં યુદ્ધનો અંત આણવામાં ચીન મદદરૂપ થાય તેવા કોઈ સ્પષ્ટ સંકેતો મળ્યા ન હોવાથી ગત સપ્તાહના અંતે વૈશ્વિક સ્તરે બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ફરી તેજીનું વલણ રહેતાં વધીને બેરલદીઠ 109.47 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જમાં સપ્તાહના અંતે સોના અને ચાંદીમાં ઊંચા મથાળેથી અનુક્રમે બે ટકાનો અને 7.7 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

એકંદરે સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીમાં તેજીનું વલણ રહેવાની સાથે આગલા રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાની કટોકટી અને બંધ થયેલા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરઈયાઈ માર્ગને કારણે ક્રૂડતેલ અને નેચરલ ગૅસના વધેલા ભાવને કારણે ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિ, ચાલુ ખાતાની ખાધને દબાણ હેઠળ રાખવા અને વિદેશી હૂંડિયામણની અનામતને બચાવવા માટે દેશની જનતાને એક વર્ષ સુધી સોનાની બિનજરૂરી ખરીદી તેમ જ વિદેશ પ્રવાસો ટાળવાનું આહ્વાન કર્યું હતું. વધુમાં ગત સપ્તાહના આરંભમાં જ સરકારે સોના અને ચાંદીની આયાત જકાત જે છ ટકા હતી તે વધારીને 15 ટકા કરી હતી. તેમ જ જ્વેલરીની નિકાસ માટે થતી સોનાની આયાત મર્યાદિત કરી નાખતાં લાઈસન્સદીઠ આયાતની મર્યાદા 100 કિલોગ્રામ નિર્ધારીત કરી હતી. તથા સપ્તાહના અંતે ચાંદીની આયાતને નિયંત્રિત શ્રેણીમાં મૂકીને નિયંત્રિત કરી હતી. વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીમાં તેજીના વલણ સાથે સરકારી પગલાંને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં ગત સપ્તાહે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળા અને આંચકા જોવા મળ્યા હોવા છતાં અંતે સાપ્તાહિક ધોરણે ભાવ સુધારા સાથે બંધ રહ્યા હતા. 

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત આઠમી મેના રૂ. 1,51,078ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને રૂ. 1,50,277ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. 1,50,277ની સપાટી અને ઉપરમાં રૂ. 1,61,959ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 4.72 ટકા અથવા તો રૂ. 7132 વધીને રૂ. 1,58,210ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 2,55,600ના બંધ સામે રૂ. 2,55,300ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,55,300 અને ઉપરમાં રૂ. 2,87,720 સુધી ઉછળીને અંતે સાપ્તાહિક ધોરણે 5.04 ટકા અથવા તો રૂ. 12,900ની તેજી સાથે રૂ. 2,68,500ની સપાટીએ બંધ રહ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગત સપ્તાહે ખાસ કરીને સોનાના ભાવમાં અણધાર્યો ઉછાળો આવતાં વેચવાલીનું દબાણ વધ્યું હતું, પરંતુ તેની સામે જ્વેલરો અને રિટેલરો નવી ખરીદીથી દૂર રહ્યા હોવાથી સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં ઔસદીઠ 207 ડૉલર સુધીનાં ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરી રહ્યા હોવાનું હૈદ્રાબાદ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું, જ્યારે મુંબઈ સ્થિત એક બુલિયન ડીલરે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે સ્ક્રેપનો પુરવઠો વધવાની સાથે માગમાં શૂન્યાવકાશ થવાથી ડિસ્કાઉન્ટ ઊંચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યા છે. 

ગત સપ્તાહે ભારતે સોનાની આયાત જકાતમાં વધારો કરવાની સાથે આયાત નિયંત્રણો કડક બનાવ્યા હોવાથી સ્થાનિક સ્તરે સોનાના ઓનલાઈન વાયદામાં સાપ્તાહિક ધોરણે સુધારો જોવા મળ્યો હતો, જ્યારે વૈશ્વિક બજારમાં સોનાના વાયદામાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.  વધુમાં ગત સપ્તાહે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 132 પૈસાનું ધોવાણ થયું હોવાથી સોનાની આયાત પડતરો વધવાથી અમુક અંશે વૈશ્વિક સ્તરના ભાવઘટાડાની સ્થાનિકમાં અસર જોવા નહોતી મળી, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું. જોકે, ક્રૂડતેલના વધી રહેલા ભાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ ખૂલવા અંગે તથા અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ બાબતે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહ્યા હોવાથી તેમ જ ગત એપ્રિલ મહિનામાં અમેરિકા ખાતે જથ્થાબંધ ફુગાવો વર્ષ 2022 પછીની સૌથી ઝડપી ગતિએ વધ્યો હતો અને રિટેલ ફુગાવામાં વર્ષ 2023 પછીનો ઝડપી ઉછાળો જોવા મળ્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ હવે લાંબા સમયગાળા સુધી હાલના વ્યાજદર જાળવી રાખે એવી શક્યતા પ્રબળ બની હોવાનું તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 4400થી 4900ની રેન્જમાં અને ચાંદીના ભાવ આૈંસદીઠ 71થી 90 ડૉલરની રેન્જમાં રહે તેવી શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોના અને ચાંદીના ઓનલાઈન વાયદામાં ભાવની રેન્જ અનુક્રમે 10 ગ્રામદીઠ રૂ. 1,52,000છી 1,67,000ની અને કિલોદીઠ રૂ. 2,65,000થી 3,00,000ની રેન્જ રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ વધીને એક વર્ષની ઊંચી સપાટીએ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ બે ટકાના ઘટાડા સાથે ગત 4, મે પછી નીચી આૈંસદીઠ 4557.61 ડૉલર આસપાસની સપાટીએ બંધ રહ્યા હતા અને સાપ્તાહિક ધોરણે ભાવમાં 2.50 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે જૂન ડિલિવરી વાયદામાં ભાવ 2.7 ટકા ઘટીને આૈંસદીઠ 4561.90 ડૉલરના મથાળે બંધ રહ્યા હતા અને હાજરમાં ચાંદીના ભાવ 7.7 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 77.07 ડૉલર આસપાસના મથાળે બંધ રહ્યા હતા. હાલમાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતી ઉપરાંત અમેરિકા સહિતના બૉન્ડની યિલ્ડમાં વધારો જોવા મળી રહ્યો હોવાથી દરેક કિંમતી ધાતુઓમાં ઊંચા મથાળેથી વેચવાલીનું દબાણ રહેતું હોવાનું મેરેક્સનાં વિશ્લેષક એડવર્ડ મેઈરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું ત્યારથી અથવા તો ગત 28મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ક્રૂડતેલના ભાવમાં 40 ટકા જેટલો ઉછાળો આવવાને કારણે વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવી હોવાથી કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઓસરી જવાથી સોનાની માગ પર માઠી અસર પડી રહી છે, જ્યારે ચાંદીમાં ઓવરબોટ પોઝિશનને કારણે ભાવમાં કરેક્શન જોવા મળ્યું હોવાનું સૂત્રો જણાવે છે.