Mon Aug 31 2026

Logo

લોકોના મનમાં મુખ્યમંત્રી કોણ છે? એવો સવાલ કરતાં ખળભળાટ મચી ગયો...

2026-05-17 19:48:08
Author: Vipul Vaidya
લોકોના મનમાં મુખ્યમંત્રી કોણ છે? એવો સવાલ કરતાં ખળભળાટ મચી ગયો...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય બનતાની સાથે જ બચ્ચુ કડુએ નવો વિવાદ છેડ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે દિવ્યાંગોના અધિકાર માટે સંગઠન ચલાવતા અને ખેડૂતોની સમસ્યાઓ માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરીને રાજ્યમાં જાણીતા થયેલા બચ્ચુ કડુ એક સમયે દેવેન્દ્ર ફડણવીસની નજીક હતા, પરંતુ વિવાદાસ્પદ નિવેદનો અને પોતાની સરકારના વિરોધમાં આંદોલન કરવાને લીધે તેમને દૂર કરી દેવામાં આવ્યા હતા અને તેઓ વિધાનસભાની ચૂંટણી પણ હારી ગયા હતા અને ઘરે બેઠા હતા, પરંતુ ફરી વિધાનસભ્ય બનતાં જ તેમણે વિવાદ છેડ્યો છે. 

લોકોના મનના મુખ્ય પ્રધાન કોણ છે? આ સવાલ એક વખત કરનારા પંકજા મુંડેની કારકિર્દી પર પોઝ બટન લગાવી દીધું હતું. હવે આ જ સવાલ બચ્ચુ કડુએ ઉઠાવીને ફરી એકવખત દેવાભાઉને નારાજ કરી દીધા છે. 
પ્રહાર સંગઠન દ્વારા શિંદે સેનામાં જોડાયેલા બચ્ચુ કડુએ મુખ્ય પ્રધાન તરીકે લોકો કોને પસંદ કરે છે તે અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કહ્યું કે પાર્ટીનો એજન્ડા આગળ ધપાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેમણે વિગતવાર કંઈ કહ્યું નહીં.

એકનાથ શિંદે એક એવા નેતા છે જે રાત્રે બે વાગ્યે સામાન્ય માણસ માટે દરવાજા ખોલે છે. તેથી, આવા મજબૂત નેતા રાજ્યના મુખ્ય પ્રધાન બનવા જોઈએ. જો હવે સર્વે કરવામાં આવે તો પણ, એકનાથ શિંદે ફરીથી મુખ્ય પ્રધાન બનવા જોઈએ એવું જ તારણ આવશે. તેથી સવારે ભગવાનને પ્રાર્થના કરવાને બદલે, આપણે લોકોની આગળ જઈને એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બને તે માટે સાથે મળીને પ્રાર્થના કરીશું, એમ બચ્ચુ કડુએ કહ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભ્ય બચ્ચુ કડુ પંઢરપુર દર્શન કરવા આવ્યા હતા. તે સમયે તેમણે  પોતાની લાગણી વ્યક્ત કરી હતી. હવે આ ટિપ્પણીના આગામી દિવસોમાં કેવા પડઘા પડે છે તે જોવાનું રહેશે.