Sun Oct 04 2026

Logo

યુએઇના અબુ ધાબીમાં બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, કોઈ જાનહાનિ નહિ

Abu Dhabi   2026-05-17 17:32:20
Author: Chandrakant Kanoja
યુએઇના અબુ ધાબીમાં બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, કોઈ જાનહાનિ નહિ

અબુધાબી: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે યુએઇના અબુ ધાબીમાં બારાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ડ્રોન હુમલા બાદ આગ લાગી હતી. અહેવાલો અનુસાર ડ્રોન હુમલા બાદ બારાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના બહારના ભાગમાં આગ લાગી હતી.

આગને કાબુમાં લીધી હતી

આ અંગે મળેલી સત્તાવાર  માહિતી મુજબ  ડ્રોન હુમલાના પરિણામે  પરમાણુ પાવર પ્લાન્ટની આંતરિક સુરક્ષા ઘેરાની  બહાર સ્થિત ઇલેક્ટ્રિકલ જનરેટરમાં આગ લાગી હતી. તેમજ તેની બાદ  અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબુમાં લીધી હતી. 

જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. યુએઈના ફેડરલ ઓથોરિટી ફોર ન્યુક્લિયર રેગ્યુલેશને પુષ્ટિ કરી છે કે પ્લાન્ટની  જરૂરી તમામ સિસ્ટમો સામાન્ય રીતે કાર્ય કરી રહી છે. રેડિયોલોજીકલ સલામતી સ્તરોને કોઈ અસર થઈ નથી.

કોઈ પક્ષે ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી નથી

જ્યારે હુમલા બાદ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને ડ્રોન હુમલો કેવી રીતે થયો તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે મધ્ય પૂર્વમાં સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતાઓ સતત વધી રહી છે. યુએઈ વહીવટીતંત્રે જણાવ્યું છે કે ઊર્જા અને પરમાણુ સ્થાપનોની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.આ ઉપરાંત હજુ સુધી કોઈ પક્ષે ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

અરબી દ્વીપકલ્પ પરનો પ્રથમ અને એકમાત્ર પરમાણુ ઉર્જા પ્લાન્ટ 

ઉલ્લેખનીય છે કે, આશરે 20 બિલિયન ડોલરના ખર્ચે બનેલ બરાકાહ પરમાણુ ઉર્જા પ્લાન્ટ યુએઈ દ્વારા દક્ષિણ કોરિયાની સહાયથી વિકસાવવામાં આવ્યો હતો. જે વર્ષ 2020 માં કાર્યરત થયો હતો. જે અરબી દ્વીપકલ્પ પરનો પ્રથમ અને એકમાત્ર પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે.