Sun May 17 2026

Logo

તાઈવાને 'ડ્રેગન'ને આપ્યો 'જડબાતોડ' જવાબઃ અમે ચીનના ગુલામ નથી, એશિયામાં નવા સંકટના એંધાણ

Taiwan   2026-05-17 18:57:28
Author: Devayat Khatana
Article Image

ટ્રમ્પની ચીન મુલાકાત બાદ તાઈવાનના તેવર બદલાયાઃ તાઈવાનના રાષ્ટ્રપતિએ કહ્યું અમારું ભવિષ્ય માત્ર અમારી જનતા નક્કી કરશે

તાઈપેઈ: દુનિયાના નકશા પર ભૌગોલિક રીતે નાનું હોવા છતાં તાઇવાન હંમેશાં વૈશ્વિક રાજનીતિનું કેન્દ્રબિંદુ રહ્યું છે. બીજિંગના સતત વધી રહેલા દબાણ અને ચીન-અમેરિકા વચ્ચે તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ હવે તાઇવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેનું એક ખૂબ જ મહત્વનું અને આક્રમક નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તાઇવાન કોઈ પણ કાળે બીજિંગના અધીન નથી. 'તાઇવાનની આઝાદી'નો સીધો અર્થ એ જ છે કે અમારો દેશ ન તો ચીનનો હિસ્સો છે અને ન તો કોઈના ઈશારે કામ કરે છે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે તાઇવાનનું ભવિષ્ય માત્ર અને માત્ર ત્યાંના 2.3 કરોડ લોકો જ નક્કી કરશે, કોઈ બહારનો દેશ નહીં.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. અહેવાલ મુજબ, આ બેઠક બાદ વૈશ્વિકસ્તરે ચર્ચા તેજ થઈ હતી કે શું તાઇવાન અંગે અમેરિકાનું વલણ બદલાઈ રહ્યું છે? 

ટ્રમ્પે ચીન પ્રવાસ બાદ નિવેદન આપ્યું હતું કે અમેરિકા એવું વાતાવરણ નથી ઈચ્છતું જેમાં કોઈ દેશ માત્ર અમેરિકી સમર્થનના ભરોસે પોતાની આઝાદીની વાત કરવા લાગે. આ પ્રવાસ દરમિયાન ચીને અમેરિકાને આડકતરો સંદેશ પણ આપ્યો હતો કે તે હવે માત્ર ઊભરતી તાકાત નથી, પરંતુ અમેરિકાની સમકક્ષ છે અને તાઇવાન તેનો જ ભાગ છે.

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રમ્પના નજીકના સલાહકારો ચીન પ્રવાસ બાદ એક મોટા જોખમને લઈને ચિંતિત છે. તેમને ડર છે કે આગામી પાંચ વર્ષમાં શી જિનપિંગ તાઇવાન પર લશ્કરી હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. જો આવું થશે તો તેની અસર માત્ર એશિયા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વ પર પડશે. 

તાઇવાન વિશ્વની તે મહત્વની સેમિકન્ડક્ટર ચિપ્સનું સૌથી મોટું હબ છે, જેના આધારે અમેરિકાની મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓ અને વૈશ્વિક ટેક્નોલોજી બિઝનેસ ચાલે છે. તાઇવાન પર સંકટનો અર્થ આખી દુનિયાના વેપાર અને ટેક્નોલોજીને મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

અમેરિકાના બદલાતા વલણ અને ચીનની જૂની દાદાગીરીનો જવાબ આપવા માટે રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ પોતાની પાર્ટી (DPP)ના 40માં સ્થાપના દિવસના મંચને પસંદ કર્યો હતો. તેમણે ઇતિહાસ યાદ અપાવતા કહ્યું કે 1949ના ગૃહયુદ્ધ બાદથી બંને દેશોની વ્યવસ્થા અલગ છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયા ભલે અમને 'રિપબ્લિક ઓફ ચાઇના' કે 'તાઇવાન' તરીકે ઓળખે, પણ અમારી સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ પર કોઈ તરાપ મારી શકે નહીં. જો કે, રાષ્ટ્રપતિ લાઈના આ આકરા પ્રહાર પર હાલ ચીન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી અને અમેરિકાએ પણ તાઇવાન અંગે પોતાની ભવિષ્યની રણનીતિ હજુ સ્પષ્ટ કરી નથી. ચીન અને તાઈવાન વચ્ચે જો સંઘર્ષ વધે તો એશિયામાં નવા ઘર્ષણનું નિર્માણ થઈ શકે છે, જે દુનિયાને પણ ભારે પડી શકે છે.