Mon May 18 2026

Logo

અબડાસાના લુણા ટાપુ પરથી મળ્યું ડ્રગ્સનું રહસ્યમય પેકેટ: નવા પેકિંગે સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી!

2026-05-18 10:29:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના સાગરકાંઠે આવેલા દુર્ગમ લુણા ટાપુ પરથી સીમા સુરક્ષા દળની પેટ્રોલીંગ પાર્ટીને રવિવારે વધુ એક બિનવારસ શંકાસ્પદ પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. આ પેકેટનું પેકિંગ અગાઉ આ દરિયાકાંઠેથી મળી આવેલા ચરસ કે અન્ય માદક પદાર્થના પેકેટ્સ કરતાં તદ્દન અલગ હોવાથી તેની અંદર કયો કેફી પદાર્થ છે તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બીએસએફની ટીમ જખૌ નજીક આવેલા લુણા ટાપુ પર નિયમિત પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ટાપુના કિનારે રેતીમાંથી આ શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. પેકિંગની નવી રીતભાતને જોતાં સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. હાલ આ બિનવારસુ પેકેટને જખૌ મરીન પોલીસ મથકે જમા કરાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પેકેટને વધુ તપાસ અર્થે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેના રિપોર્ટ આવ્યા બાદ જ અંદર રહેલા કેફી પદાર્થની સાચી ઓળખ થઈ શકશે.

થોડા દિવસ પહેલા અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયા કિનારેથી વિવિધ સુરક્ષા દળોના સંયુક્ત પેટ્રોલીંગ દરમિયાન માદક પદાર્થ ચરસના 10 બિનવારસ પેકેટ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે વિવિધ એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન અને પેટ્રોલીંગ ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પિંગલેશ્વરના દરિયાકિનારે સુરક્ષાકર્મીઓને અવાવરૂ જગ્યાએથી ૧૦ શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. જખૌ પોલીસ ઇન્ચાર્જ પી.આઇ. રાજવીરાસિંહ ગોહિલ, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના બી.બી. સંઘાર તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જોરાવરાસિંહ જાડેજા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

સંયુક્ત સુરક્ષા દળો અને એસઆરડીની ટુકડીએ દરિયાકાંઠેથી મળી આવેલા ચરસના તમામ ૧૦ પેકેટોનો કબજો મેળવ્યો હતો. જખૌ પોલીસે આ માદક પદાર્થનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતા. આ પેકેટો ક્યારે તણાઈને આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કેટલી છે, તે અંગે એફ.એસ.એલ.ની મદદથી આગળની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. 

(ઉત્સવ વૈદ્ય)