Mon May 18 2026

Logo

અલખનો ઓટલોઃ જ્ઞાની રે ધ્યાની તમે જુઓને વિચારી રે...

2026-05-18 10:40:00
Author: Dr. Niranjan RajyaGuru
Article Image

ડૉ. નિરંજન રાજ્યગુરુ

આપણી ભારતીય પરંપરામાં પ્રાચીન સમયના વિચારકો ૠષિ-મુનિઓએ ‘જ્ઞાન’ શબ્દ વિશે ખૂબ ઊંડાણથી ચિંતન કર્યું છે. ‘જ્ઞાન’ એટલે જાણકારી કે જાણવું, સમજણ, પ્રતીતિ, માહિતી, જીવ; જગત; માયા; બ્રહ્મ કે પરમતત્ત્વ વિશેનો સાચો ખ્યાલ, નિર્ણયાત્મક સ્થિતિ, સમજ-શક્તિ. ‘જ્ઞાન’ની અનેક શાખાઓ છે. જેમાં મુખ્ય બે છે -એમાં પ્રથમ આવે સ્થૂલ-લૌકિક જ્ઞાન. 

શરીરની પાંચે કર્મેન્દ્રિય અને પાંચે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા જગતના પદાર્થોના બોધને આપણે ‘જ્ઞાન’ શબ્દથી ઓળખાવીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ,રસ,ગંધથી આપણને જે અનુભવ થાય છે તે છે લૌકિક જ્ઞાન. એ જ્ઞાન જ્યારે  જીવનમાં પ્રયોગાત્મક ભૂમિકાએ પ્રયોજાય ત્યારે એ ‘વિજ્ઞાન’- વિશેષ જ્ઞાન બની જાય.

બીજું જ્ઞાન તે અલૌકિક કે દાર્શનિક દિવ્ય જ્ઞાન. જેને શાસ્ત્રજ્ઞાન, આત્મજ્ઞાન, અંતર્જ્ઞાન, બ્રહ્મજ્ઞાન, સમ્યક્જ્ઞાન, યથાર્થ જ્ઞાન, મોક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, પરોક્ષજ્ઞાન, ગુરુગમ જ્ઞાન, સવિકલ્પ કે નિર્વિકલ્પ જ્ઞાન જેવા શબ્દોથી ઓળખાવવામાં આવે છે. જ્ઞાની માણસ માટે આપણે બુદ્ધિવાન, પ્રજ્ઞાવાન, જ્ઞાનવાન જેવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. પ્રાચીન ભારતીય શિક્ષાપ્રણાલી જીવનનો સર્વાંગી વિચાર કરીને -જ્ઞાનધારાના વિકાસ માટે ઘડાયેલી હતી. એ શિક્ષણનો અભ્યાસક્રમ અધ્યાત્મજ્ઞાનને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલો. એમાં વિજ્ઞાન-એટલે કે વિશેષ જ્ઞાન, પ્રયોગાત્મક પ્રત્યક્ષ જ્ઞાન કે વ્યવહારૂ જ્ઞાનનો પણ સમાવેશ હતો.

શિક્ષણ દ્વારા શારીરિક, માનસિક, આર્થિક, ભાવનાત્મક-સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ થાય એવી નેમ રાખવામાં આવેલી. આવું  જ્ઞાન મળે કઈ રીતે ? (1) પોતાના સ્વયં અનુભવથી... સ્વાનુભવથી. (2) કોઈ ઉત્તમ માર્ગદર્શક કે ગુરુ દ્વારા. (3) પોતાના દ્વારા શાસ્ત્રગ્રંથોના અભ્યાસથી. (4)સાધના દ્વારા- અંતર્યાત્રા કરવાથી- અધ્યાત્મજ્ઞાન-આત્મજ્ઞાન મળે.

‘જ્ઞાન’ કે ‘વિદ્યા’ શબ્દનો આજે આપણે બહુ સંકુચિત અર્થ કરીએ છીએ. પણ ત્યાં સુધી પહોંચવાનાં આઠ પગથિયાં છે. માહિતિ, કેળવણી, શિક્ષણ, અભ્યાસ (તાલીમ-સતત આવર્તન), જ્ઞાન, સ્વાધ્યાય, વિજ્ઞાન અને  છેલ્લે આવે વિદ્યા. બાળકને માટે માતા, પિતા, પરિવાર, વાતાવરણ, ભાષા વગેરેની સ્થૂળ માહિતી મેળવ્યા પછીનું બીજું પગથિયું છે કેળવણી. માતા બાળકને કેળવે, સમાજને જોઈને મનુષ્ય કેળવાય. પછી આવે શિક્ષણ. શિક્ષણ શબ્દ શીખ શીખવું પરથી ઊતરી આવ્યો છે. 

શિખા બાંધીને ગુરુકૂળોમાં બાળક જીવતરની અનેક વિધાઓનું  શિક્ષ્ાણ મેળવે એ પછી એનો અભ્યાસ કરે એટલે સતત રિયાજ-આવર્તનથી એની સમજણ ઘડાતી જાય, એનાથી મળે જે તે વિષયનું જ્ઞાન. એની પણ તાલીમ લેવી પડે અને એ તાલીમને પોતાના જીવનમાં પ્રયોગાત્મક રીતે ઉતારવામાં આવે એ  થયું  વિજ્ઞાન. એ વિશેષ જ્ઞાન જ્યારે સિદ્ધ થાય ત્યારે જ એને કહેવાય વિદ્યા. જે આપણને મુક્તિ અપાવી શકે.

આ વિદ્યાની પણ બે શાખાઓ- પરા વિદ્યા અને અપરા વિદ્યા. શુદ્ધ સાત્ત્વિક સૌમ્ય, નિષ્કામ અને પવિત્ર હોય તે પરા વિદ્યા અને સકામ, મલિન, તામસી, સ્વાર્થી, શોષણ કરનારી વિદ્યા કે જેને આપણે સાંસારિક જ્ઞાન કહીએ છીએ તે અપરા વિદ્યા. પરા વિદ્યા પ્રાપ્ત થાય કોઈ સિદ્ધ, કોઈ સંત, કોઈ જાગૃત બ્રહ્મનિષ્ઠ બુદ્ધપુરુષ સમા સદગુરૂ પાસેથી. એટલે તો આપણા સાધકો અને સંતો-ભક્તો માં સૌથી પહેલાં ગુરુની ખોજ કરીને એમણે શરણે જવાની રસમ ચાલી આવે છે. એ સાધનાની પહેલી સીડી એ જ છે. ગુરુની પ્રાપ્તિ. 

જ્ઞાનનો આરંભ શિક્ષ્ાણ-કેળવણીથી થાય છે. જેનાં મુખ્ય ત્રણ પાસાં છે- શ્રવણ, સ્મરણ અને મનન  કે  ચિંતન-નિદિધ્યાસન. બાળકને માતા તરફથી કેવી કેળવણી મળે? સૌથી પહેલાં તો બાળક પાસે માત્ર દર્શનેન્દ્રિય સક્રિય  હોય છે. કુતૂહલભરી વિસ્મિત આંખે એ બધું જોયા કરે છે. ગર્ભાવસ્થાના બંધનયુક્ત એકાન્ત-અંધારાંને બદલે એ નવા પ્રકાશ અને નવા નવા અવાજોથી ટેવાય છે. બાળક અબુધ છે, પ્રબુદ્ધ નથી પણ શુદ્ધ છે. એના ચિત્ત પર કોઈપણ પ્રકારના માયાનાં આવરણો નથી ચડ્યાં. એ આંખથી અને કાનથી આ સૃષ્ટિનું જ્ઞાન મેળવતું રહે છે.

 ભાષા કે શબ્દજ્ઞાન, ઉચ્ચારણ, સ્વર, માત્રા, લય, ધ્વનિશુદ્ધિ, વાક્વ્યવહા2, દૈનિક વ્યવહારોની સમજ- ખાવું, પીવું, બેસવું, ઊઠવું, ચાલવું, દોડવું. એમ બાળકને અનુભવથી પ્રત્યક્ષ્ાજ્ઞાન મળે. અગ્નિથી દાઝી જવાય એટલે એનાથી છેટાં રહેવું, ભૂખ લાગે એટલે ભોજન કરવું, તરસ લાગે એટલે પાણી પીવું, ઊંઘ આવે એટલે સૂઈ જવું, ટાઢ, તડકો, વરસાદ, કુદરતી આપત્તિથી શરીરને બચાવવું, નદીમાં તરવું, ખોરાક માટે શોધ કરવી...

જ્ઞાન એટલે માત્ર કંઠસ્થ કરેલી સામગ્રી જ નહીં. શ્રીમદ્ ભગવદ્ગીતાના બધા અઢારેય અધ્યાયના તમામ શ્ર્લોક કંઠસ્થ હોય તે બ્રહ્મજ્ઞાની ન બની જાય. પ્રાચીન સમયમાં શિષ્ય માત્ર શ્રોતા જ નહોતો, પ્રશ્નકર્તા તો હતો જ સાથોસાથ સક્રિય સંશોધક પણ હતો, ગુરુની જીવનદૃષ્ટિને અપનાવીને એ માર્ગે ચાલનારો પ્રયોગશીલ વૈજ્ઞાનિક પણ હતો. 

આપણી પ્રાચીન જ્ઞાનપરંપરા સાહિત્યમાં કઈ રીતે આવી ? ખાસ કરીને પ્રાચીન સાહિત્યમાં તો જ્ઞાનના ભંડારો હતા, પણ એ જ્ઞાન સંસ્કૃત ભાષામાં હતું, એ પછી એનાં ભાષ્યો પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં અને ત્યારબાદ એ જ્ઞાનરાશિ દરેક પ્રાદેશિક ભાષામાં મધ્યકાલીન સર્જકો દ્વારા તરી આવી.

આ જ્ઞાનરાશિમાં ભાષાજ્ઞાન, વ્યવહારૂ સામાજિક જ્ઞાન અને અધ્યાત્મજ્ઞાન કે આત્મજ્ઞાન મુખ્ય હતાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સમયમાં-પદ, ભજન, કીર્તન,આખ્યાન, ફાગુ, પવાડા, પદ્યવાર્તાઓ, ગીતાકાવ્યો, સંવાદકાવ્યો, પ્રશ્નોત્તરી, ગોષ્ઠિ, તિથિ, વાર, બારમાસી...જેવા અગણિત સ્વરૂપ અને  પ્રકારોમાં આપણો પરંપરિત જ્ઞાનવારસો આપણી ભાષામાં સાચવવામાં આવ્યો છે.