Sun Oct 04 2026

Logo

સુરતમાં ભાજપના નેતાની ધોળા દિવસે હત્યાથી ખળભળાટ

2026-05-18 12:00:00
Author: Mayur Patel
સુરતમાં ભાજપના નેતાની ધોળા દિવસે હત્યાથી ખળભળાટ

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની ધોળા દિવસે કરપીણ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી.

ઉપરાછાપરી ઘા ઝીંક્યા

મળતી વિગત પ્રમાણે, ઉધના વિસ્તારના  ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા અને તેમની સાથે રાજકીય-સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલ પર અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે સરેઆમ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જય દલાલ પર ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

રાજકીય આલમમાં ખળભળાટ

હત્યાનો ભોગ બનનાર મૃતક જય દલાલ પોતે પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સક્રિયપણે જોડાયેલો હતો. તે ભાજપના ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળતો હતો અને પક્ષની કામગીરીમાં હંમેશા મોખરે રહેતો હતો. સત્તાધારી પક્ષના જ એક સક્રિય યુવા પદાધિકારીની આ રીતે ધોળા દિવસે, જાહેર રોડ પર ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સુરત અને ભાજપના રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. 

કાયદાની સ્થિતિ પર સવાલ

સામાન્ય જનતામાં પણ આ ઘટનાને પગલે ભારે આક્રોશ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ધોળા દિવસે થયેલી આ હત્યાએ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટા સવાલો ઊભા કર્યા છે.

વધુ જુઓ...