Sat Sep 05 2026

Logo

પાવાગઢ ડુંગર પર મોટી દુર્ઘટના, વરસાદના કારણે પથ્થરો ગબડતાં બે શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત

2026-06-19 10:45:00
Author: Vimal Prajapati
પાવાગઢ ડુંગર પર મોટી દુર્ઘટના, વરસાદના કારણે પથ્થરો ગબડતાં બે શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત

પાવાગઢઃ યાત્રાધામ પાવાગઢથી એક અત્યંત દુઃખદ અને મોટા સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ડુંગર પર વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં પથ્થરો નીચે દબાઈ જવાથી બે શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. વરસાદના કારણે ડુંગર પરથી ભારે પથ્થરો ગબડ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પથ્થરો નીચે પડ્યા તેમાં કેટલાક લોકો દટાઈ ગયાં હતા. આ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. 

પાટિયાપુલ નજીક વહેલી સવારે ઘટી ઘટના

મળતી વિગતો અનુસાર, આ હૃદયકંપાવનારી ઘટના આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહ અને માટી ધોવાઈ જવાના કારણે પાટિયાપુલ નજીક આવેલા મોટા અને ભારે પથ્થરો અચાનક નીચે ગબડવા લાગ્યા હતા. વહેલી સવારે માતાજીના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ આ ગબડેલા પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા અને તેની નીચે દબાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે.

રોપ-વે ટીમ અને પોલીસનું યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને સ્થાનિક ટીમો એક્શનમાં આવી ગઈ હતી. ઘટનાસ્થળે સૌથી પહેલા રોપ-વેની સ્થાનિક ટીમ દોડી ગઈ હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હજુ પણ કેટલાક યાત્રિકો પથ્થરોના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકાને પગલે રાહત અને બચાવ કાર્ય અત્યંત વેગવંતું કરવામાં આવ્યું છે. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અને સર્ચ ઓપરેશન ચાલુ છે.