Thu Sep 17 2026

Logo

સંગમતીર્થ સંતઃ સંત શ્રી ગૌરીશંકર મહારાજ

2026-05-18 11:18:00
Author: Harish Vatavwala
સંગમતીર્થ સંતઃ સંત શ્રી ગૌરીશંકર મહારાજ

હરીશ વટાવવાળા

સંત શ્રી ગૌરીશંકર મહારાજનો જન્મ તા. 11-11-1888ના રોજ થયો હતો. એટલે કે ઈ.સ.ના અઢારમા સૈકાનો ઉત્તરાર્ધ. ભારત માટે પરિવર્તનનો આ સમય હતો.

તે સમયે ભણતર નહિવત્ હતું. ગામડા ગામની ધૂળિયા શાળામાં કેળવણી પણ ઓછી! વેળાવદર (તા: ગારિયાધાર, જિ: ભાવનગર)માં પ્રાથમિક ચાર ધોરણ સુધીની શાળા. એ શાળામાં તેમણે ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. એમનું અક્ષરજ્ઞાન ત્યાંથી અટકી ગયું, પરંતુ તેમનાં અંતરજ્ઞાનનાં દ્વાર ખૂલી ગયાં. તેમણે શ્રીમદ્ ભાગવતનો અભ્યાસ શરૂ કર્યો.

શ્રીમદ્ ભાગવતની શરૂઆતમાં જ મહર્ષિ વેદવ્યાસજી મંગલાચરણમાં કહે છે: ‘સત્યં પરમ્ ધીમહિ’. એ ભાગવતમંત્રને તેઓ જીવનમાં અનુસર્યા. તેમને ભાગવતનો દશમસ્કંધ ઘણો જ ગમતો હતો. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન વાંચીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

બ્રાહ્મણ હોવાના કારણે સંસ્કૃતનું જ્ઞાન મેળવવા પિતા કામેશ્ર્વરપ્રસાદની આજ્ઞા લઈને તેઓ કાશી ગયા, જેને કારણે તેમનામાં અગમ-નિગમનું જ્ઞાન પ્રકટ થયું. તેમનાં અંતરજ્ઞાનનાં દ્વાર ખૂલી ગયાં. સંત શ્રી ગૌરીશંકર મહારાજે શ્રી હરિને શ્રદ્ધાપૂર્વક અંતરમાં સ્થાપ્યા. તેઓ ક્ષણેક્ષણે ભગવાનનું સ્મરણ કરતા રહ્યા. ભોજન-પાણી ભગવાનને અર્પણ કર્યા બાદ જ અન્ન આરોગતા હતા. તેમની આ ધર્મનિષ્ઠા અને પ્રભુપ્રેમ જોઈને તેમના સહાધ્યાયીઓ આશ્ચર્યચકિત અને ખુશ થઈ ગયા અને તેઓ પણ તેમ કરવા લાગ્યા.

કાશીમાં સંસ્કૃત અને આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કરી તેઓ વેળાવદર પરત આવ્યા. પિતા કામેશ્ર્વરપ્રસાદ અને માતા જમનાબા તરફથી એમને ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત થયા.એવા સંત શ્રી ગૌરીશંકર જ્ઞાની અને પ્રભુપરાયણ હતા.

પંદર વર્ષની ઉંમરે ઈ.સ. 1903ના શ્રાવણ માસમાં તેમણે શ્રીમદ્ ભાગવત્ની પ્રથમ કથા ગામના મંદિરમાં કરી. લોકો તો આ બાળસંતની પરાવાણી સાંભળીને ભાવવિભોર થઈ ગયાં. પછી તો તેમની ભાગવત કથાની પરંપરા શરૂ થઈ. આજુબાજુનાં ગામોમાં તેમના જ્ઞાનની સુવાસ પથરાવા લાગી.

સંતશ્રી ગૌરીશંકર મહારાજનો સ્વભાવ શાંત, સૌમ્ય અને મિલનસાર હતો, પણ ક્યારેક એમનું ધાર્યું ન થાય ત્યારે તેઓ ઉગ્ર થઈ જતા હતા. તેઓ મધુરવાણીના ઉદ્ગાતા અને મિતભાષી હતા. ગોસ્વામી તુલસીદાસજીએ પણ વાણીના આકર્ષક ગુણ વિશે ‘શ્રી રામચરિતમાનસ’ ગ્રંથમાં લખ્યું છે:

થોરે હિ મહં સબ કહૌ બુઝાઈ.
સુનહું તાત મતિમન ચિતલાઈ.
(ક્રમશ:)