ભુજ: ચાલુ વર્ષે સદીના સૌથી શક્તિશાળી અલ નીનોની વિપરીત અસર કચ્છ જિલ્લા સહિત ઉત્તર અરબી સમુદ્ર ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાવા લાગી છે. બ્રિટનની મેટ ઓફિસના અહેવાલ મુજબ, પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતાં ૨.૬ ડિગ્રી સેલ્સિયસ વધી ચૂક્યું છે અને નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં તે ૩ ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે. જૂન માસથી શરૂ થયેલી આ વૈશ્વિક હવામાન ઘટનાને કારણે આગામી મહિનાઓમાં સ્થાનિક સ્તરે વરસાદી પેટર્નમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
ચોમાસાની શરૂઆતમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં તાપમાન ઊંચું રહેતાં કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ નોંધાયો હતો. પરંતુ હવે હવામાન મોડેલ્સ દર્શાવે છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ બાદ ચિત્ર બદલાશે. કચ્છમાં પાછોતરા ચોમાસા દરમિયાન વરસાદમાં ૧૦૦ થી ૨૦૦ મિલીમીટર સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે સમગ્ર મોસમનો કુલ વરસાદ સામાન્ય કરતાં ઘટીને ૯૦ ટકા જેટલો જ રહેવાનો અંદાજ છે.
બીજી તરફ, ઉત્તર અરબી સમુદ્રનું તાપમાન સતત ઊંચું રહેવાથી દરિયાઈ ભેજનું પ્રમાણ વધશે, જેને પગલે કચ્છમાં અસહ્ય બફારો અને 'હ્યુમિડ હીટવેવ'નું જોખમ ઊભું થશે. સામાન્ય રીતે વાવાઝોડાં એપ્રિલ-મે અને ઓક્ટોબર પછીના સમયગાળામાં સર્જાતાં હોવાથી હાલ ચોમાસા દરમિયાન સીધા ચક્રવાતનો ભય ઓછો છે. જોકે, અરબી સમુદ્ર વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી ગરમ થઈ રહ્યો હોવાથી મત્સ્યઉદ્યોગ પર તેની ગંભીર અસર પડશે અને માછલીઓના ઉત્પાદનમાં ઘટાડો થવાની ચિંતા માછીમારો સેવી રહ્યા છે.
હવામાન નિષ્ણાતોના મતે, પાછોતરા ચોમાસાની નિષ્ફળતાને કારણે આગામી સમયમાં રવિ પાક માટે પાણીની અછત સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સ્થાનિક વહિવટી તંત્રે અત્યારથી જ જળસંચય અને સિંચાઈનું આગોતરું આયોજન કરવું અત્યંત જરૂરી બન્યું છે.
ઉત્સવ વૈદ્ય