Mon Oct 05 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ કચ્છ પોલીસ હરકતમાં; ભીમાસરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી, અબડાસા અને બિદડામાં થઈ કાર્યવાહી

2026-08-22 12:27:00
Author: Mumbai Samachar Team
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ કચ્છ પોલીસ હરકતમાં; ભીમાસરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી, અબડાસા અને બિદડામાં થઈ કાર્યવાહી

ભુજઃ ભાવનગર લઠ્ઠાકાંડ વચ્ચે હરકતમાં આવેલી કચ્છ પોલીસે ભીમાસરમાંથી બિન આરોગ્યપ્રદ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી રૂપિયા 72 હજારથી વધુની કિંમતના આથાનો નાશ કર્યો છે. આ ઉપરાંત પશ્ચિમ કાંઠાના અબડાસા તાલુકાના નુંધાતડ અને બંદરીય માંડવી તાબેના બિદડા ખાતેથી પણ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે સીમાવર્તી રાપર તાલુકાના ભીમાસર નજીક આવેલી શનવાંઢ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા શિવા મોહન કોળી (સાલાણી) નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. સ્થળ પરથી જુદા જુદા કેરબા અને ટાંકીઓમાંથી મળેલા 2900 લિટર આથા (કિંમત રૂપિયા 72,500) તથા ભઠ્ઠીના સાધનોનો સ્થળ પર જ નાશ કરાયો હતો. આ ઉપરાંત રૂપિયા 2,000ની કિંમતનો 13.5 લિટર દેશી દારૂ પણ જપ્ત કરાયો હતો.

કચ્છમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસની કાર્યવાહી

આ સાથે પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુનાશોધક શાખાએ અબડાસા તાલુકાના નુંધાતડ ગામની સીમમાં કેનાલ પાસેની બાવળોની ગીચ ઝાડીમાં છાપો મારી રૂપિયા 83,435ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, દારૂનું વેચાણ કરતો આરોપી નરેન્દ્રસિંહ જાડેજા પોલીસના હાથમાં આવ્યો ન હોઈ તેને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ ઉપરાંત પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવીના બિદડા ગામે જલારામ બાગ પાછળ વાડીની ઓરડી નજીક ઝાડ નીચે સંતાડેલો 664 ક્વાર્ટરિયા અને 24 બિયરના ટીન મળી કુલ રૂપિયા 01,33,040નો દારૂ જપ્ત કરી અમૃતભાઈ શામજી રામાણીને ઝડપી પાડ્યો હતો. આ જથ્થો મગાવનાર સ્થાનિક અર્જુન સંઘાર અને બાબુ સંઘાર નાસી છૂટ્યા હોઈ કોડાય પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે.