અમદાવાદ-નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમીનું એલર્ટ આપ્યું છે. અહીં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં પણ ગરમીનો અનુભવ થશે. બીજી તરફ મધ્ય પ્રદેશ, વિદર્ભ, પૂર્વોત્તર સહિત દેશના 17 રાજ્યોમાં આંધી-તોફાન, કરા અને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં અત્યારે ગરમી પોતાની ચરમસીમા પર છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે તંત્રએ અપીલ પણ કરી છે. હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 43.1 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી સહિતના મોટા ભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી ઉપર રહ્યું હતું. 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે કમોસમી વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. વિદર્ભ અને મરાઠવાડામાં હીટવેવનું જોખમ છે. ધારાશિવ અને લાતુરમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આજે હિંગોલી, પરભણી, અમરાવતી, વર્ધા, અકોલા, નાગપુર અને ચંદ્રપુર જિલ્લાઓમાં અસહ્ય ગરમીની ચેતવણી આપવામાં આવી છે. આગામી થોડા દિવસોમાં જ રાજ્યમાં ચોમાસું દસ્તક દે તેવી સંભાવના છે.
દિલ્હી - એનસીઆરમાં હવે આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉપરાંત ગાજવીજ સાથે હળવો વરસાદ અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાકમાં હીટવેવની શક્યતા છે. કેટલાક શહેરોમાં સામાન્યથી વધારે તાપમાન નોંધાઈ શકે છે.
રાજસ્થાનમાં સમગ્ર સપ્તાહ દરમિયાન હવામાન શુષ્ક રહેશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. પશ્ચિમ રાજસ્થાનમાં બોર્ડર વિસ્તારમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉપરાંત 20 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બિહારના અનેક જિલ્લામાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ છે, મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધવાની શક્યતા છે.
ઝારખંડમાં આજથી 23 મે સુધી ગાજવીજ સાથે 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં ભારે પવન, કરા સાથે મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. છત્તીસગઢના અનેક જિલ્લામાં ભારે વરસાદ અને આંધી-તોફાનની સંભાવના છે. ઉત્તરાખંડના અનેક જિલ્લામાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદનું એલર્ટ છે.
હિમાચલ પ્રદેશમાં હળવા વરસાદ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મનાલીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. કેરલમમાં સતત વરસાદના કારણે કેટલાક જિલ્લામાં યલો એલર્ટ તો અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તમિલનાડુમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
પશ્ચિમ બંગાળમાં 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાં આજે વીજળીના કડાકા ભડાકા અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.